રણથંભોરના ગણેશ મંદિરમાં પોસ્ટકાર્ડ લખીને લોકો કરે છે મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના

DHARMIK

હિન્દુ ધર્મમાં દરેક જગ્યાએ શ્રદ્ધા અને આસ્થાના કેટલાય જુદા જુદા ઉદાહરણો જોવા મળે છે. દેશમાં ઘણા જુદા-જુદા પ્રકારના મંદિરો આવેલા છે અને આ દરેક મંદિરોનો અલગ અલગ મહિમા છે. સાથે જ આ મંદિરોના ચમત્કાર પણ જુદા-જુદા હોય છે. ઘણા મંદિરોમાં લોકો બાધાઓ માને છે અને માનતા પુરી થયા પછી લોકો વિવિધ રીતે ભગવાનનો આભાર પણ માને છે. ત્યારે રાજસ્થાનનું આ મંદિર પણ આમાંનું જ એક છે. રાજસ્થાનમાં ત્રિનેત્ર ગણેશજીનું મંદિર છે, જ્યાં દરેક શુભ કાર્ય પહેલા ગણપતિજીને પત્ર મોકલીને આમંત્રણ પાઠવવામાં આવે છે. આ મંદિરમાં ગણેશજીના ચરણોમાં પત્રો અને આમંત્રણ કાર્ડનો ઢગલો હોય છે.

રાજસ્થાનના રણથંભોરમાં આવેલું ત્રિનેત્ર ગણેશ મંદિર સવાઈ માધોપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર વર્લ્ડ હેરિટેજમાં સામેલ રણથંભોર કિલ્લાની અંદર બનેલું છે. અરાવલી અને વિંધ્યાચલ પર્વતમાળાઓ વચ્ચે આવેલ રણથંભોર કિલ્લામાં ત્રિનેત્ર ગણેશ મંદિર પ્રકૃતિ અને આસ્થાનો અનોખો સંગમ છે. ભારતના ખૂણે-ખૂણેથી લોકો અહીં ગણેશજીના દર્શન માટે આવે છે અને ઘણી માનતાઓ માને છે. આ મંદિર ભગવાનને પત્ર મોકલવા માટે ઓળખાય છે. લોકોના ઘરોમાં કોઈ પણ માંગલિક પ્રસંગ હોય તો અહીં ગણેશજીના નામે કાર્ડ મોકલવાનું ચુકતા નથી.

મંદિરની સ્થાપના

આ પ્રાચીન મંદિર સાથે ઘણી ઐતિહાસિક અને ધાર્મિક કથાઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં મહારાજા હમીર દેવ ચૌહાણે કરાવ્યું હતું. વાત એમ છે કે મહારાજા હમીરદેવ અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે જયારે રણથંભોરમાં યુદ્ધ થયું, ત્યારે ખિલજીના સૈનિકોએ આ કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો હતો.

હમીરદેવની સમસ્યાઓ ખતમ થતી ન હતી, એવામાં તેમના સ્વપ્નમાં ભગવાન ગણેશજીએ કહ્યું કે મારી પૂજા કરો, બધી જ સમસ્યા દૂર થઇ જશે. તરત જ બીજા દિવસે કિલ્લાની દિવાલ પર ત્રિનેત્ર ગણેશજીની મૂર્તિ અંકિત થઇ ગઈ અને એ પછી હમીરદેવે આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવ્યું. આ પછી યુદ્ધ સમાપ્ત થયું અને મહારાજા હમીરદેવ આ યુદ્ધમાં વિજયી થયા હતા. કહેવાય છે એક આ ભારતનું પહેલું ગણપતિ મંદિર છે. અહીંની મૂર્તિ ભારતની ચાર સ્વમંભૂ મૂર્તિઓમાંથી એક છે.

વિરાજમાન છે ગણેશજીનો આખો પરિવાર

આખી દુનિયામાં આ એક જ મંદિર છે કે જ્યાં ભગવાન ગણેશજી પોતાના આખા પરિવાર – બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ, બે પુત્રો શુભ અને લાભ સાથે વિરાજમાન છે. ગણેશજીનું વાહન ઉંદર પણ સાથે છે. અહીં ગણેશ ચતુર્થીઓ પર ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે અને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ત્રિનેત્ર ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ મળી આવે છે. કહેવાય છે કે ભગવાન રામે લંકા કૂચ કરતા પહેલા ગણેશજીના આ જ રૂપનો અભિષેક કર્યો હતો.

ત્રિનેત્રનું મહત્વ

આ મંદિરમાં ભગવાન ગણેશ ત્રિનેત્ર રૂપમાં બિરાજમાન છે, જેમાં ત્રીજી આંખને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. રણથંભોરમાં ત્રિનેત્ર ગણેશજી વિશ્વનો એકમાત્ર ગણેશ છે જે ત્રીજું નેત્ર ધારણ કરે છે. ગજવંદનમ્ ચિતયમમાં ગણેશજીના ત્રીજા નેત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, લોક માન્યતા છે કે ભગવાન શિવએ તેમનું ત્રીજું નેત્ર ઉત્તરાધિકારી સ્વરૂપ સોમપુત્ર ગણપતિને સોંપી હતી અને આ રીતે મહાદેવની તમામ શક્તિઓ ગજાનનમાં આવી ગઈ. મહાગણપતિ ષોડશ સ્ત્રોતમાળામાં વિનાયકના સોળ વિગ્રહ સ્વરૂપોનું વર્ણન છે. મહાગણપતિ ખૂબ જ વિશેષ અને ભવ્ય હોય છે જે ત્રિનેત્ર ધારણ કરે છે, એટલે એવું માનવામાં આવે છે કે રણથંભોરના ગણેશજી મહાગણપતિનું સ્વરૂપ છે.

પોસ્ટમાં ભગવાનને મળે છે સેંકડો પત્રો

જણાવી દઈએ કે ત્રિનેત્ર ગણેશ એવા કેટલાક મંદિરોમાંનું એક છે જ્યાં ભગવાનના નામે પત્ર પણ આવે છે. દેશભરના ભક્તો પોતાના ઘરોમાં થતા શુભ કાર્યોનું પહેલું આમંત્રણ ભગવાન ગણેશ માટે અહીં મોકલે છે. આ આમંત્રણ કાર્ડ્સ પર આ સરનામું લખવામાં આવે છે – શ્રી ગણેશજી, રણથંભોર કિલ્લો, જિલ્લો – સવાઈ માધોપુર (રાજસ્થાન), અને આમંત્રણ સરળતાથી ગણપતિ સુધી પહોંચી જાય છે.

પોસ્ટમેન પણ આ પત્રો ખૂબ જ આદર સાથે મંદિરમાં પહોંચાડે છે. જ્યાં પુજારી પણ આ પત્રો ભગવાન ગણેશના ચરણોમાં મૂકે છે. એવી માન્યતા છે એક આ મંદિરમાં ભગવાન ગણેશને આમંત્રણ મોકલવાથી બધા જ કાર્યો સારી રીતે પૂરા થાય છે.

ક્યારે જવું – રણથંભોરમાં આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિર જવા માટે ડિસેમ્બરથી એપ્રિલવચ્ચેનો સમય પસંદ કરી શકાય.

કેવી રીતે જવું – રાજસ્થાનનું જયપુર એરપોર્ટ રણથંભોરથી લગભગ 150 કિલોમીટર દૂર છે. ત્યાંથી રેલ અથવા બસ દ્વારા રણથંભોર ગણેશજીના મંદિર પહોંચી શકાય છે. સવાઈ માધોપુરનું રેલવે સ્ટેશન રણથંભોરથી લગભગ 10 કિલોમીટર દૂર છે, ત્યાંથી પણ રોડ માર્ગે રણથંભોર પહોંચી શકાય છે. રાજસ્થાનના લગભગ બધા જ મોટા શહેરોથી રણથંભોર માટે બસો મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published.