રાજકોટના આ 3 ટચૂકડા ગામો દિલ્હીને લીંબુ પૂરા પાડે છે, 200 કરોડનો છે કારોબાર

GUJARAT

તમને જાણીને નવાઈ લાગશે કોઈ કેનાલ કે મોટો જળડેમ ન હોવા છતાં હળવદ તાલુકાના ત્રણ ગામોમાં લીંબુની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. જેમાં શિવપુર, માથક, ચૂંપણી ગામનો લીંબુનો કારોબાર ખુબજ મોટો છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦ થી ૨૦૦ કરોડથી વધુનુ છે. અને આશરે ૩૨૦૦ વીઘામાં લીંબુના બાગ લચી પડે છે. ખેડૂતને સરેરાશ વીઘે એક લાખ રૂપિયાની આવક થાય છે. લીંબુ ઉતારવા માટે રોજ ૨૦૦૦ માણસોને રોજી રોટી મળે છે.

અહીથી રોજ એક ટ્રક રાજકોટ અને ચારથી પાંચ ટ્રક ભરાઈને લીંબુ દિલ્હી જાય છે. એમાં યે ચુંપણી ગામ લીંબુ માટે મીની માર્કેટ યાર્ડ બની ગયુ છે. રોજ સાંજે પ વાગ્યે બધા અહી લીંબુ લાવે છે અને એ પછી ટ્રક ભરાઈને રાતે દિલ્હી રાજકોટ જવા રવાના થાય છે. હાલ રાજકોટવાસીઓ રોજના એક ટ્રક લીંબુ ચુપણીના વાપરી નાખે છે. ગત ઉનાળામાં આ ત્રણ ગામના લોકોએ ૧૮૦૦થી ૨૨૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કીલોના મેળવ્યા હતા. કપાસ કરતા દસ ગણી વધુ આવક મળે છે.

માથક ગામના પ્રગતિશીલ ખેડૂત સુખુભા ઝાલાના જણાવ્યા મુજબ ચુપણી, માથક, શિવપુરમાં નાના મોટા તમામ ખેડતો આ વ્યવસાયમાં જોડાયા છે. પોતે ૧૫૦ વીઘા જમીનમાં ફકત લીંબુ જ વાવ્યા છે. અને દર વર્ષે ૫૦ વીઘામાં વધારો કરતા જાય છે. કાગદી લીંબુ એ સારામા સારા લીંબુની જાત છે. એમાંયે ટીશ્યુ કલ્ચર ખેતી અપનાવી તેમણે બાગાયત પાક ડબલ કરી લીધો છે. લીંબુની રસદાર વાત કરતા એ કહે છે કે ચૂપણી ગામે લીંબુના ૧.૬૫.૦૦૦ ઝાડ છે. માથકમાં ૩૫૦૦૦ ઝાડ છે. અને શિવપુરમાં ૮૫૦૦૦ ઝાડ છે. એ કહે છે કે પ વર્ષથી વધુ વયનું ઝાડ હોય તો ઝાડ દીઠ ર થી પ મણનો પ્રારંભિક ઉતારો આવે છે. એ પછી વધી જાય છે.

દિલ્હીની હરાજી વીડીયોકોલીંગથી જોઈ શકાય છે
સુખુભા ઝાલા વધુમાં ઉમેરે છે કે અમો માલ કેરેટમાં મોકલીએ છીએ અને કેરેટ પર વાડી માલિકનું નામ હોય છે. અને સાથે લીસ્ટ જાય છે. દરેક માલિકવાઇઝ ત્યાં ઓકશન થાય છે અને ઓકશન વખતે પારદર્શિતા જાળવવા માટે વીડીયોકોલીંગ ચાલુ રાખવામાં આવે છે.

સરગવો, એપલબોર, કેરીનો પણ મોટો કારોબાર
અમો દિલ્હીને ફકત લીંબુનો જ રસ નથી પીવડાવતા પણ સરગવો એપલબોર અને જામફળ તથા સીઝની કેરીનો પણ માલ પહોંચાડીએ છીેએ. શિવપુરમાં સરગવાના ૯૦૦૦૦ ઝાડ છે. દાડમના ૬૦૦૦૦ ઝાડ છે. ૨૦૦૦૦ જામફળના ઝાડ છે. ૫૦૦૦ એપલ બોરની બોરડીઓ છે. એ બધો માલ દિલ્હી મોકલીએ છીએ. ચુપણીમાં ૫૦૦૦ આબા છે. અમોને નર્મદા કેનાલ મળે તો અમો ઈઝરાઈલને ભુલાવી દઈએ એવી ક્રાંતિ લાવી શકીએ એમ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *