રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટી માં દિપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
મળી યુવતીની સુસાઈડ નોટ
ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દિપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારે જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા સુનીલ કુકડીયા મારી દીકરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને મારી દીકરીએ અંતિમ પગલું ભર્યું છે. સમગ્ર મામલે વિસ્તારના રહેવાસીઓએ એકઠા થઇ પોલીસ કમિશનરને ન્યાય અપાવવા માટે પણ રજૂઆત કરવા જવાના છીએ. ત્યારે મૃતકના પિતાએ દીકરા અને દીકરીઓને અપીલ કરી છે કે તેઓ આ પ્રકારનું પગલું ભરતા પહેલાં પોતાના માતા-પિતા સાથે ખુલ્લા મને એકવાર વાતચીત કરે.
ઉલ્લેખનીય છે કે જે દિવસે દિપાલી પરમારે આત્મહત્યા કરી તેના આગલા દિવસે જ સુનિલ કુકડીયા લગ્નગ્રંથિથી પાટણવાવની યુવતી સાથે જોડાયો છે. ત્યારે હાલ તો પોલીસથી બચવા સુનિલ કુકડીયા પોતાની નવવધૂને લઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ચર્ચાતી વાતો મુજબ મૃતક દિપાલી અને સુનીલ વચ્ચે એક સમયે પ્રેમ સંબંધ હોઈ શકે છે. જેના કારણે બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગતા હોવાનું જાણવા મળ્યું છે.