રાજ્યના સંભવિત ચક્રવાતના પગલે કોસ્ટગાર્ડના તમામ સ્ટેશન હાઈએલર્ટ પર, માછીમારો માટે ખાસ સૂચના

GUJARAT

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. જેના કારણે હાલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. ગુજરાતમાં કોસ્ટગાર્ડના તમામ સ્ટેશન પર હાઈએલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા કોસ્ટગાર્ડે સૂચના આપવામાં આવી છે. સંભવિત ચક્રવાતના પગલે કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ થઈ ગઈ છે. દરિયાકાંઠે રડાર સ્ટેશન પર સૂચનાઓને વારંવાર રીલે કરાઈ રહી છે. પોરબંદર, ઓખામાં કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ પર છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. ત્યારે વલસાડ જિલ્લામાં તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ છે. તિથલના દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તે વાવઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. પરંતુ હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. પરિણામે રાજ્યમાં તમામ ડેમ ઓવરફ્લો થયા છે. જૂનાગઢના માળીયા હાટીનાનો વ્રજમી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ગીર ઉપરવાસમાં ગઈકાલથી ભારે વરસાદના કારણે વ્રજમી ડેમમાં પાણીની આવક થઈ છે. પરિણામે ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વ્રજમી ડેમથી નીચાણવાળા વિસ્તારો વાંદરવડ, કડાયા, જડકા, વીસણવેલ, ધણેજ સહીતના અનેક ગામોને એલર્ટ કરાયા છે.

ચોમાસાની ઋતુના અંતમાં મેઘરાજાની કૃપાથી ત્રણેય ડેમો ઓવરફ્લો થતા પીવાના પાણીનું સંકટ દૂર થયુ છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર. શહેરમાં મેઘો મૂશળધાર બનતા ઈન્દીરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. પરિણામે ઘર વખરી બગડતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત મોડી રાતથી ભરૂચમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભરૂચ પાણી-પાણી થતા લોકોએ તંત્રની મદદ માગી છે. તંત્રની પ્રિમોનસુન તૈયારીમાં ખામી હોવાના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહીના ભાગરૂપે રાજ્યમાં NDRFની 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 8, દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ ડિપ્લોય કરાઈ છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારીમાં NDRFની ટીમ ડિપ્લોય કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીના કારણે પાટણ અને ખેડામાં NDRFની 1 – 1 ટીમ ડિપ્લોય કરાઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગર, વડોદરામાં 3 – 3 ટીમ રીઝર્વ રખાઈ છે.

પોરબંદરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ત્યારે કુતિયાણાના કોટડા ગામમાં વીજળી પડવાનો બનાવ બન્યો છે. કોટડા ગામે એક ઘર પર કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી. વીજળી પડતા 35 વર્ષના એક યુવાનને ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે પોરબંદરના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે. તો ઘર પર વીજળી પડતા ઘરવખરી બળીને ખાખ થઈ છે. જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતના 96 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચમાં 4 કલાકમાં 4 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ રાજુલામાં પોણા 3 ઈંચ, અંકલેશ્વર, ગણદેવીમાં 2 – 2 ઈંચ, હાંસોટ, જેસર, વલસાડમાં દોઢ ઈંચ, વાગરા, જાફરાબાદમાં દોઢ ઈંચ અને 5 તાલુકામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *