રાજ્યમાં કોરોના કેસ વધતા લૉકડાઉનને લઇ આરોગ્ય મંત્રીનું મહત્ત્વનું નિવેદન

GUJARAT

નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતમાં કોરોનાને રાફડો ફાટ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાંમાં તો કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉના આયોજન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન થવાનું છે, તે કોરોના પ્રોટોકોલના પાલન સાથે જ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ સાથે પરામર્સ કરીને ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ આરોગ્ય મંત્રીને કોરોના કેસમાં સતત વધારો થતા શું રાજ્યમાં ફરીથી લૉકડાઉન આપવામાં આવશે તેવો પ્રશ્ન પૂંછાતા તેમણે ખુબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાત સંપૂર્ણ ખુલેલુ છે અને ખુલ્લુ રહે તે ઈચ્છનીય છે. જોકે કોરોનાની બીજી લહેરમાં આપણે થોડા પાછા પડ્યા હતા. પરંતુ હવે ફરીથી આવી સ્થિતિનું નિર્માણ થાય તો તે આપણને પોશાય તેમ નથી. આથી મારી તમામ લોકોને વિનંતી છે કે, પોતે અને પોતાના પરિવારને બચાવવા માટે લોકો સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરે. જો કોઈ નવી SOP જાહેર થશે, તો રાજ્યના નાગરીકોને જણાવવામાં આવશે.

ગુજરાતમાં લોકડાઉનને લઈને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન અંગેની કોઈ જ વિચારણા નથી. ગુજરાત સંપૂર્ણ ખોલેલુ છે અને સંપૂર્ણ ખુલેલું રહે તે ઇચ્છનીય છે. સાથ જ તેમણે કહ્યું કે, સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે લોકડાઉન પોશાય તેમ નથી.

ઉલ્લેખનિય છે કે, આજથી કોરોના સામેની જંગ જીતવા માટે વૅક્સિનેશન અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજથી 15 થી 18 વયજૂથના કિશોરોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ગાંધીનગરથી વૅક્સિનેશન અભિયાનનો આરંભ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની GDM કોબાવાલા સ્કૂલથી રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો છે. ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવામાં આવશે. વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જઈને વૅક્સિન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.