પ્રેમસંબંધમાં લોહિયાળ જંગ: પ્રેમિકાનો ભાઈ હુમલો કરે તે પહેલાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી

GUJARAT

વઢવાણના ધોળીપોળમાં સોમવારે સાંજે છરીના ઘા ઝીંકી હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા કરી ફરાર થયેલા આરોપીને એલસીબી ટીમે ધ્રાંગધ્રાથી બનાવના બે કલાકના અરસામાં જ પકડી પાડયો હતો. જ્યારે હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે. મૃતકની બહેન સાથે હત્યારાને પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યુ છે.

વઢવાણના ખાટકીવાસમાં રહેતા અહેમદભાઈ બાબીયાની પુત્રી શાબેરાને રતનપર બાયપાસ રોડ પર રહેતા સુરજ ઝાલા સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની શાબેરાના ભાઈ શાહરૃખને ખબર પડતા તેણે સુરજને ફોન કરી માથાકુટ કરી હતી. વ્યવસાયે રિક્ષા ચાલક શાહરૃખ રિક્ષામાં તલવાર રાખી સુરજ મળે તો ઝઘડવાના મુડમાં હતો. બીજી તરફ સુરજ પણ છરી રાખી હુમલો થાય તો બચાવ કરવાની ફિરાકમાં હતો. ત્યારે સોમવારે સાંજે ધોળીપોળ પાસે રિક્ષા લઈને જતા શાહરૃખને સુરજ નજરે પડતા રિક્ષા ઊભી રાખી બન્નેએ બોલાચાલી કરી હતી.

જેમાં શાહરૃખ તલવાર કાઢી વીંઝે તે પહેલા સુરજે શાહરૃખ પર છરીના ૨૦થી વધુ ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા કરી ફરાર થયેલો શખ્સ ધ્રાંગધ્રા તરફ ગયો હોવાની બાતમી એલસીબીને મળી હતી. આથી ધ્રાંગધ્રા ટીમને સતર્કતા રાખી સુરેન્દ્રનગરમાંથી આવતી કારમાંથી આરોપી સુરજ ઉતરતાની સાથે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

મૃતક શાહરૃખની બહેન શાબેરા અને હત્યારો સુરજ બન્ને કેટરીંગમાં સાથે જતા હતા. ત્યારે કેટરીંગમાં સાથે કામ કરવાના સમયે બન્ને વચ્ચે આંખ મળી ગઈ હતી. અંદાજે છેલ્લા દોઢ-બે વર્ષથી બન્ને વચ્ચે પ્રેમસબંધ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *