શહેરના રૈયા રોડ પર અલ્કાપૂરીમાં રહેતા અને વોકહાર્ટ હેાસ્પિટલમાં પેશન્ટ કાઉન્સિલર તરીકે નોકરી કરતા બીનાબેન ભાવિનભાઈ છાયા (ઉ.વ.42)એ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં આરોપી તરીકે પતિ ભાવિન રાજેન્દ્રભાઈ છાયા, નણંદ મોનાબેન જયેશભાઈ , નગદોયા જયેશભાઈ પ્રદ્યુમનભાઈ રાઠોડ, નણંદ મુણાબેન મલયભાઈ જીકાર, નણદોયા મલયભાઈ, ફઈજી સાસુ હર્ષાબેન મધુસુદનભાઈ છાયાના નામો આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે 2004માં તેને રાજકોટની કોર્ટમાં ભાવિન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મેં મારા ઘર વિરૂદ્ધ લગ્ન કર્યા હોય મારા માતા-પિતાના ઘરે જઈ શકું તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી પતિ સહિતના સાસરીયાઓ મારકૂટ કરી ત્રાસ આપતા હતા. તેમજ અવાર-નવાર તને તારા મા-બાપે કરીયાવરમાં કંઈ આપ્યું નથી કહી મેણાટોણા મારતા હતા.
અગાઉ મકાનનો વેરો ચડી ગયો હોય પિતાના ઘરેથી રૂપિયા 40 હજાર લઈ આવી વેરો ભર્યા બાદ અવાર-નવાર મારકૂટ કરતા હતા. તેમજ પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોય તે બાબતે ઝગડાઓ કરતા હોવાનું કહી છૂટાછેડા આપવા માટે પતિ સહિતનાઓ ધાક ધમકી આપ્યાનું જણાવતા પોલીસ પીએસઆઈ જી.જે. ચૌધરીએ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં યુનિ. રોડ પર આલાપ એવન્યુમાં રહેતા અલ્પાબેન હિતેષભાઈ ગોવાણીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ હિતેશભાઈ મનસુખભાઈ ગોવાણી, સાસુ વિજ્યાબેન અને દીયર પિયુષભાઈના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અવાર નવાર કામ બાબતે ત્રાસ આપતા હોય અને પતિ કહેતા કે હું કહું તેમ જ તારે આ ઘરમાં કરવું પડશે. આ ઘરમાં એક કામવાળીનું સ્થાન હોય તેટલું જ તારૂ સ્થાન છે. તેમ કહી અવાર નવાર મારકૂટ કરી ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં જામનગર રોડ પર તોપખાનામાં રહેતા ચાર્મીબેન ચિરાગભાઈ બારૈયાને પતિ ચિરાગ ભુપતભાઈ બારૈયા, નણંદ આરતીબેન ધર્મેશભાઈ વેગડ, માસીજી કંચનબેન અને રાજેન્દ્રભાઈ વાઘેલાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતુ કે લગ્ન બાદ ઘરકામ બાબતે તેમજ તારા બાપે કંઈ સારો કરીયાવર આપેલ નથી કહી સાસરીયાઓ ત્રાસ આપતા હોય તેમજ પતિને દારૂ પિવાની કુટેવ હોય તેના સોનાના દાગીના વેચી નાખ્યા હતા અને તેને કાર લેવી હોય તેથી પિયરથી પૈસા લઈ આવવાનું દબાણ કરી ઘરેથી કાઢી મુક્યાનું જણાવતા મહિલા પોલીસે આરોપીઓને પકડી લેવા મથામણ કરી છે.