પ્રણય ત્રિકોણ…માસૂમ બાળકને પિતાએ જ તરછોડ્યું, માતાને લઇ ચોંકાવનારો ખુલાસો

GUJARAT

ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે રાત્રે અજાણ્યો યુવક બાળકને મૂકી ગયો હતો. ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે 20 કલાક બાદ બાળકના માતા પિતાની ભાળ મળતા તેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

સ્મિતના પિતાની ઓળખાણ થયા બાદ ગઇકાલે રાત્રે 8 વાગ્યે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મિતનું સાચુ નામ શિવાંશ છે. તેની ઉંમર 8 થી 10 મહિનાની વચ્ચે છે. સચિન દિક્ષીતની પત્ની શિવાંગ ઉર્ફે સ્મિતની પત્ની નથી. જો કે આ બાળકની જન્મદાતા કોણ છે તે અંગે હાલ તેઓએ કોઇ ફોડ પાડ્યો નહોતો. તેઓએ જણાવ્યું હતું કે શિવાંશના પિતાની રાજસ્થાનના કોટાથી અટકાયત કરવામાં આવી હતી.

પ્રણય ત્રિકોણ હોવાની આશંકા

સચિન વડોદરા ખાતે ઓઝોન ઓવરસીઝ લિમિટેડ પ્રેઇવેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તે ગઇકાલે જ ગાંધીનગર આવ્યો હતો. સમગ્ર ઘટના પ્રણયત્રિકોણ આસપાસ મંડરાઇ રહી છે.

ગૃહમંત્રીએ સચિનની પત્ની બાળકની માતા નહીં હોવાનું સ્પષ્ટતા કર્યા બાદ આ બાળક સચિનની ગર્લફ્રેન્ડનું હોવાનું બિનસત્તાવાર રીતે સ્પષ્ટ થઇ રહ્યું છે. જે રીતે સચિન ગઇકાલે જ ગાંધીનગર આવ્યો તે જોતા તે બાળકને સાથે લાવ્યો હોવાનું પણ પોલીસ માની રહી છે. એટલે કે સચિનની ગર્લફ્રેન્ડ વડોદરાની હોવાની પણ શકયતા છે. જો કે આ બાબત જો અને તો પર નિર્ભર છે. સત્તાવાર વિગતો સચિનની પૂછપરછ બાદ જ બહાર આવશે.

શિવાંશને જન્મ આપનારી માતા સચિન દીક્ષિતની ગર્લફ્રેન્ડ

સ્મિતનો પિતા સચિન દિક્ષીત હોવાનું સ્પષ્ટ થયું છે. પરંતુ તેને જન્મ આપનારી માતા મામલે હજીસુધી કોઇ ફોડ પડ્યો નથી. ગાંધીનગરના સેકટર-26માં ન્યુ ગ્રીનસિટીમાં રહેતા સ્મિતના પિતા સચિન દિક્ષીતના પરિવારમાં જ સ્મિતને કોઇ પાડોશીએ જોયો નથી. તેના પરિવારમાં માત્ર સચિન તેની પત્ની , ચાર વર્ષનો પુત્ર અને સચિનના માતા-પિતા જ રહેતા હોવાનું પાડોશીઓ જણાવી રહ્યા છે. તેઓએ પણ સ્મિતને આજે ટીવીમાં પ્રથમ વખત જોયો હતો. જેથી સચિન સાથે રહેતી તેની પત્ની સ્મિતની જન્મદાતા નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્મિતને જન્મ આપનારી માતા સચિન દિક્ષીતની ગર્લફ્રેન્ડ છે. જો કે આ મામલે પોલીસે સત્તાવાર રીતે કોઇ બાબત જણાવી નથી. આ મામલે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *