એક દિવસે હું જરા બનીઠનીને મારી બહેનપણીના બાબાના જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી. ઘેર પાછી ફરી ત્યારે પતિ આવી ગયા હતા. મને જોઈને એમના ચહેરા પર પ્રશંસાના ભાવ દેખાયા. આવા ભાવ એમના ચહેરા પર ક્યારેક જ જોવા મળતા હતા. મને જોતાં જ એમણે કહ્યું, ”આજે તો ચાંદ ધરતી પર ઉતરી આવ્યો હોય એવું લાગે છે.” આ સાંભળીને હું શરમાઈ ગઈ. પછી હું વિચારવા લાગી કે લઘરવઘર રહું છું એના કરતાં વ્યવસ્થિત તૈયાર થઈને ફરું, એનાથી પતિ બહુ ખુશ રહે છે. આજે પણ મારું નવું રૂપ જોઈને પતિ ફરી એકવાર મારા તરફ આકર્ષાયા.
પત્ની ઘણીવાર પતિને ફરિયાદ કરતી હોય છે કે, ‘તમે બદલાઈ ગયા છો.. હવે પહેલાં જેટલો પ્રેમ પણ નથી કરતા.. પહેલાં તમે વાતવાતમાં મારાં વખાણ કરતા થાકતા નહોતા..!’ સામે પક્ષે પતિની પણ ફરિયાદ હોય છે કે, ‘તું મારું જરા પણ ધ્યાન નથી રાખતી.’ આવી ફરિયાદોથી લગ્નજીવનમાં મધુરતાના બદલે કડવાશ ઊભી થાય છે. આપણે સમજી નથી શકતા કે આપણું લગ્નજીવન ચાલુ ઘરેડમાં કેમ પડી ગયું? પહેલાં જેટલી નવીનતાને બદલે નીરસતા કેમ છે?
આ પ્રશ્નના જવાબમાં સ્ત્રીઓને એટલી જ સલાહ આપવાની કે આકર્ષિત કરવાના પ્રયત્નો ચાલુ રાખો. શરૂઆતના ગાળામાં સ્ત્રી અને પુરુષ એકબીજાને આકર્ષવા નિતનવીન પ્રયાસો કરે છે. પ્રિયજનને ગમતું બધું કરી છૂટે છે. એ જ રીતે તાજા પરણેલાં યુગલો પણ એકબીજાને ખુશ રાખવા તત્પર રહે છે અને પ્રિયજન ખાતર પોતાના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન લાવી દે છે. પરંતુ ધીરેધીરે બંને પક્ષે આવો ઉત્સાહ મંદ પડતો જાય છે. એક જ ઘરેડની જિંદગીથી લગ્નજીવન નીરસ અને કંટાળાજનક બની જાય છે. ગમે તેમ કરીને સંબંધો તો ટકી રહે છે પણ એમાં ક્યાંય મધુરતા નથી હોતી. તમારા લગ્નજીવનનું ગાડું જેમ-તેમ ગબડયે જાય એટલું જ પૂરતું નથી, પણ એમાં ખીલેલાં ફૂલો જેવી તાજગી અને મહેક હોવી જરૂરી છે.
આ બાબતમાં બેલા કહે છે, ”નવાં નવાં લગ્ન થયા એ વખતે તમારા પતિ જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ અત્યારે પણ કરે, એવું તમે ઇચ્છતાં હો તો તમારે પણ એમના માટે કંઈક નવું કરવાની તૈયારી રાખવી પડશે. લગ્નના પ્રારંભના દિવસોમાં તમે સજીધજીને રહેતાં હતાં. પતિને રોજ નવું બનાવીને ખવડાવતાં હતાં, પરંતુ ધીરે-ધીરે તમારો ઉત્સાહ મંદ પડવા લાગ્યો અને તમારા સંબંધોમાં પણ નીરસતા આવી ગઈ. એટલે જો તમે લગ્ન જીવન પહેલાંની જેમ જ સુખમય રાખવા માગતા હો તો તમારો ઉત્સાહ કાયમ જાળવી રાખો.”
પુન કહે છે, ”હું મારા ઘરમાં રોજ કંઈક નવું કરવાના પ્રયાસ કરું છું. ઘરમાં સજાવટની વસ્તુઓનું સ્થાન બદલતા રહેવાથી ઘર નવું-નવું લાગે છે. ઘરમાં ગોઠવણ બાબતે મારી સૂઝબૂઝ જોઈને પતિને મારી કલાસૂઝ માટે માન થાય છે. ઘરના પ્રત્યેક કામમાં મારી રૂચિ જોઈને એ મારા પર ખુશ રહે છે.”
મનોચિકિત્સકો પણ કહે છે કે તમારા એકધાર્યા, નિરસ જીવનને નવીનતાથી ભરી દો, પછી જુઓ કે જિંદગી કેટલી હસીન, રંગીન લાગે છે. ઉદાહરણ રૂપે જાહેર ખબર એજન્સીમાં કામ કરતી આરતી કહે છે, ”લગ્ન જીવનમાં એક ક્ષણ માટે પણ નીરસતા ન આવે એ વાતનું હું શરૂઆતથી ધ્યાન રાખું છું. વ્યવસાયી મહિલા હોવાના નાતે હું ઘરમાં બહુ સમય તો નથી આપી શકતી, પરંતુ જે જે કંઈ સમય મળે છે તે દરમિયાન કઈક નવું કરવાનો હું પ્રયાસ કર્યાં કરું છું. જેમ કે પતિનો જન્મદિવસ કે અમારી લગ્નતિથિને અમે ગયા વર્ષ કરતાં એકદમ અલગ રીતે ઊજવીએ છીએ.
એના માટે મહેનત તો બહુ કરવી પડે છે. પણ દર વખતે હું એવું કંઈક વિચારી લઉ છું. જે એકદમ નવું અને ચોંકાવનારું હોય. મારા પતિ પણ મને પૂરેપૂરો સહકાર આપે છે. હવે તો એ પણ ઘણીવાર મને ‘સરપ્રાઈઝ’ આપે છે. અમને બંનેને એક નવો જ અનુભવ થાય છે. એકવાર પિયર જતા પહેલાં મેં નાની-નાની ચબરખીઓમાં એમના નામે લવ-લેટર લખીને એમના કબાટમાં મૂકી દીધા હતા. બીજા દિવસે મારા પતિએ એ વાંચી ત્યારે એ ખૂબ ખુશ થયા અને એમણે મને તરત ફોન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ જ રીતે એકવાર એ જ્યારે બહારગામ ગયા હતા ત્યારે મેં પ્રેમના પ્રતીક રૂપે મારો અવાજ ટેપ કરીને એમની સૂટકેસમાં એ કેસેટ મૂકી દીધી હતી. એમણે ત્યાં જઈને એ સાંભળ્યું ત્યારે એ ખૂબ જ ખુશ થયા હતાં. પાછા આવીને એમણે મને કહ્યું કે, તારી કેસેટના લીધે મને અજાણ્યા શહેરમાં પણ એકલું ન લાગ્યું. એવું લાગ્યું જાણે કે તું પણ મારી સાથે જ છે.”
આ જ રીતે એકવાર એમના જન્મદિવસ પર મેં કેન્ડલ લાઈટ ડિનર ગોઠવ્યું હતું. આજે પણ એમના માટે એ પ્રસંગ યાદગાર બની ગયો છે. લગ્નજીવનમાં રોજ કંઈને કંઈ નવીનતા હોય તો એકબીજા પ્રત્યેનું આકર્ષણ જળવાઈ રહે છે. દર વખતે કોઈ નવા સ્વરૂપે સામે આવીને પતિની ભરપૂર પ્રશંસા અને પ્રેમ મેળવી શકો છો. લગ્ન થયે ભલે વર્ષો વીતી ગયાં હોય, પણ જો લગ્ન જીવનમાં રોજ કંઈ ને કંઈ વિવિધતા હશે તો જીવન કંટાળાજનક કે નીરસ લાગતું નથી. એ જ રીતે પતિ પણ પત્નીને બહાર જમવા લઈ જઈ પોતાની લાગણીઓ જણાવી શકે છે.
લગ્નજીવનને સુખી અને સફળ બનાવવામાં શારીરિક સંબંધ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન પછી થોડા જ વખતમાં પતિ અને પત્ની શરીર પ્રત્યેની કાળજી અને શણગાર બાબતે એકદમ બેદરકાર બની જાય છે. શારીરિક સંબંધોની આપણા સમાજમાં જાહેરમાં ચર્ચા કે અભિવ્યક્તિ થતી નથી. વળી, પતિ-પત્ની એમાં કંઈ નવીનતા લાવવાનો પ્રયાસ કરતાં નથી અને એ વિશે વિચારોનું આદાન-પ્રદાન પણ થતું હોતું નથી. શારીરિક સંબંધ એ કંઈ નીરસ પ્રક્રિયા નથી. એમાં પણ નિતનવા પ્રયોગો કરી શકાય છે અને એ રીતે આપણે લગ્નજીવનને સફળ બનાવી શકીએ છીએ.
આમ જીવનમાં નાની-નાની વાતો પણ ઘણી ખુશી આપી જાય છે. એ માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર પડતી નથી. તમે જો ખરા દિલથી તમારા જીવનસાથીને ચાહતાં હો તો એમની આગળ તમે તમારી લાગણી પ્રગટ કરો, એ પણ એટલું જ જરૂરી છે. થોડી સૂઝબૂઝ અને કશુંક નવું કરવાની ઇચ્છા તમારા લગ્નજીવનને નીરસ થતું અટકાવશે અને એક અનેરા રોમાંચનો અનુભવ કરાવશે. પછી જો જો લગ્નને વર્ષો થઈ ગયાં હશે તો પણ તમારા પતિ તમને એટલો જ પ્રેમ કરશે જેટલો તમે નવા પરણીને આવ્યાં, ત્યારે કરતા હતા.