‘પેટ્રોલના વધતા ભાવોથી પ્રજા ત્રાહિમામ, છતાં મંત્રીના મતે હજુ ભાવ ઓછા!’

GUJARAT

એકતરફ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોના કારણે વધતી જતી મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યાં બીજી તરફ સરકારના મંત્રીને પેટ્રોલના ભાવ હજુ ઓછા લાગી રહ્યાં છે.

હકીકતમાં ગુજરાતની નવનિયુક્ત સરકારની કેબિનેટમાં પેટ્રોલિયમ, ઊર્જા અને નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળતા કનુ દેસાઈ આજે નવસારીમાં જન આશીર્વાદ યાત્રા લઈને પહોંચ્યા હતા. અહીં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પેટ્રોલિયમ મંત્રીએ જનસભાને સંબોધી હતી.

‘અબ કી બાર પેટ્રોલ 100 કે પાર’ના નારા સાથે કોંગ્રેસ દ્વારા ભાવવધારાનો વિરોધ
જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવો અંગે અગાઉ અમે વિધાનસભામાં અમારો જવાબ રજૂ કરી દીધો છે. જ્યારે ગુજરાતમાં પેટ્રોલના ભાવ અન્ય રાજ્યો કરતા ઓછા હોવાનું તેમણે જણાવ્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રિના પર્વની તૈયારીઓ ચાલી રહી છે. જે બાદ થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવા માટે જનતા તૈયારી કરી રહી છે, એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ધીમે-ધીમે સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે પ્રજાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાના કારણે રોજિંદા વપરાશમાં લેવામાં આવતી વસ્તુઓની કિંમતો પણ સતત વધી રહી છે. બસ, ટેક્સી અને ટ્રકોના ભાડા પણ વધી રહ્યાં છે. જ્યારે ખેડૂતોને પણ ખેતીમાં ખર્ચો વધી ગયો છે. એક તરફ પ્રજા વધી રહેલી મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહી છે, તો બીજી તરફ વિપક્ષ પણ ભાવવધારાને લઈને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *