પતિની પત્નીને ધમકીઃ તારા બાપા કારના પૈસા ન આપે તો,તારી લાશ લઈ

GUJARAT

ઘરેલું હિંસાના સામે આવેલાં વધુ એક બનાવમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર થયેલી ભાવનગર શહેરની યુવતીને લગ્નના પાંચ માસમાં જ રાજકોટ સ્થિત સાસરિયાઓએ દહેજ માંગી મારકૂટ કરી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત એવી છે કે, શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પીયર ધરાવતાં રિદ્ધીબેન પંડયાના લગ્ન પાંચેક માસ પૂર્વે રાજકોટના શાંતિનગર પાણીની ટાંકી પાસે મિલેનિયમ હાઈટ્સ ફલેટમાં રહેતા વિશાલ કિરીટ જોષી સાથે રીતિરિવાજ મુજબ થયા હતા. જયાં લગ્નની રાત્રે જ સાસુ જયશ્રાીબેને પરિણીતા પાસેથી કરિયાવરમાં લાવેલાં દાગીના પોતાના ગોંડલ સ્થિત બેંક લોકરમાં મુકી દિધા હતા.તો, સસરા કિરીટ શાંતિલાલ જોષી પરિણીતાને અપમાનિત કરતા શબ્દો બોલી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

જયારે, લગ્ન બાદ નવદંપતી ફરવા ગયા ત્યારે પતિ વિશાલે પરિણીતા પાસે તેમના માતા-પિતા સરકારી નોકરિયાત હોય તેના પેન્શન સહિતની આર્થિક બાબતો જાણી લીધી હતી.અને ઘરે પરત આવતાં સાસુએ પીયરેથી ફોરવ્હીલ કાર લઈ આવવા માંગણી મુકી હતી. તો, પતિએ ગર્ભિત ધમકી આપતાં કહ્યું હતું કે, જો તારા બાપા કાર લેવાના પૈસા નહીં આપે તો તારી લાશ લઈને ભાવનગર જવું પડશે.

જયારે, ખુદ પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જણાવી આ વાત કોઈને કહી તો પરિણીતાને મારી કટકા કરી અવાવરૂં જગ્યામાં ફેંકી દેવાની ધમકી આપી હતી. જયારે, આ જ મામલે પતિએ પરિણીતા સાથે મારકૂટ કરી છૂટાછેડા લેવા દબાણ કરતા પરિણીતા ગત તા.17 જાન્યુઆરીના રોજ પિયરે આવી ગયા હતા.

જયારે, એપ્રિલની 4 તારીખે સાસરીમાં કરિયાવર લેવા જતા પતિ અને સાસરિયાએ ફરી મારકૂટ કરી હતી. જયારે, ફઈજી સાસુ દુર્ગાબેન જોષી અમે કહીએ તેમ કરવાની ધમકી આપી છૂટાછેડા આપવાની ધમકી આપી તે અંગે દબાણ શરૂ કર્યું હતું. તો, પરિણીતા કોમ્પ્યુટર એન્જિનિરિંગમાં માસ્ટર કર્યું હોય તેના આધારે નોકરી ઈન્ટરવ્યુ આપીને પરત આવતાં સાસરિયાઓ ઘરને તાળુ મારી જતા રહેતા નાછૂટકે ફરી પીયર આવવાની ફરજ પડી હતી. જો કે, બાદમાં પણ ધાકધમકીના ફોન શરૂ રહેતા આખરે પરિણીતાએ આજે ભાવનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસુ-સસરા તથા ફઈજી સાસુ વિરૂદ્વ દહેજ માંગી ધાક ધમકી આપી મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.