પતિને છોડી પ્રેમી સાથે ભાગીને વલસાડ આવેલી યુવતીના પ્રેમીનું અકસ્માતમાં મોત

GUJARAT

મૂળ બંગાળની એક પરિણિત યુવતી નવું જીવન શરુ કરવાની આશા સાથે પોતાના પ્રેમી સાથે ભાગીને વલસાડ આવી હતી. જોકે, હજુ તો તે પોતાના નવજીવનની શરુઆત કરે તે પહેલા જ કુદરતે તેના પ્રેમીને તેની પાસેથી છીનવી લીધો છે. યુવતી અને તેનો પ્રેમી સોમવારે રાત્રે 11 વાગ્યે ધરમપુર ચોકડી નજીક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક ટ્રકે બંનેને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજા થવાથી તેના પ્રેમીનું ત્યાં જ મોત થયું હતું જ્યારે યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, બંગાળના ડીજાનપુર જિલ્લાની જિન્નત આલમ તેના પતિને છોડીને પ્રેમી મોહમ્મદ આલમ સાથે ભાગીને વલસાડ આવી ગઈ હતી. જિન્નતને તેના પિતાએ બળજબરીથી પરણાવી હતી, પરંતુ તેને તો પ્રેમી સાથે રહેવું હતું. 20 વર્ષની જિન્નત આખરે સમાજના તમામ બંધનો ફગાવીને મૂળ બિહારના પોતાના પ્રેમી મોહમ્મદ સાથે ભાગીને વલસાડ આવી ગઈ હતી. અહેમદ વલસાડમાં રહીને મજૂરી કામ કરતો હતો.

જોકે, પ્રેમી માટે પોતાના પરિવાર અને પતિને છોડી દેનારી યુવતીના ભાગ્યમાં કુદરતે જાણે કંઈક અલગ જ લખ્યું હતું. બીજી ઓગસ્ટના રોજ જિન્નત અને મોહમ્મદ ધરમપુર ચોકડી નજીક આવેલા એક શોરુમ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. રાત્રીના 11 વાગ્યાનો તે સમય હતો, તે વખતે રાજસ્થાન પાસિંગની એક ટ્રકે રસ્તો ક્રોસ કરી રહેલા આ પ્રેમી અને પ્રેમિકાને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદે તો રસ્તા પર જ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે જિન્નતને હોસ્પિટલ લઈ જવાઈ હતી.

જિન્નતને થયેલી ઈજા ખાસ ગંભીર નથી. હાલ તેની સારવાર ચાલી રહી છે અને થોડા સમયમાં તેને રજા આપી દેવાશે. જોકે, વિધિની વક્રતા એ છે કે જિન્નતને ના તો ગુજરાતી આવડે છે, કે ના તે અહીં કોઈનેય ઓળખે છે. પરિવાર સાથેના તમામ સંબંધો તોડીને તે પ્રેમી સાથે ભાગીને અહીં આવી હોવાથી હવે તે કોઈની મદદ પણ માગી શકે તેમ નથી. હાલ તેની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલકને શોધવા માટેની કામગીરી શરુ કરી છે. જોકે, પ્રેમીના મોત બાદ સાવ એકલી પડી ગયેલી જિન્નત પાસે હવે ના ઘરે જવાનો કોઈ વિકલ્પ છે, કે ના તો ગુજરાતમાં તે રહી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *