પતિ કહે છે બહાર છોકરાઓ સાથે આનંદ કર પણ મને છોકરીઓ સાથે ફરતા ન રોક, મારી હાજરીમાં જ એ છોકરીઓ લાવે છે

GUJARAT

આપસી સમજદારીના અભાવમાં દામ્પત્યજીવનમાં નાની સરખી ઠેસ વાગતાં પણ તેમાં ભંગાણ પડી જાય છે. જો સમજદારીપૂર્વક વર્તન કરવામાં આવે, તો જીવન સુખમય પસાર થાય છે. કદાચ કોઈ કારણવશ એક વ્યક્તિની ભૂલ થાય તો તેના સ્થાને કોઈ અન્યને લાવવાને બદલે એ વ્યક્તિને જ સમજાવીને અપનાવવી જોઈએ.

આપણા જીવનમાં અનેક પ્રકારની ચડતી પડતી આવે છે, જેમાં ક્યારેક પૈસા કે પ્રેમનો અભાવ હોય છે, તો ક્યારેક અન્ય કોઈ અકસ્માત બને છે. એ સ્થિતિમાં પતિ-પત્નીમાંથી કોઈ એક અલગ થઈ જાય, તો જીવનની ખુશી નાશ પામે છે, બંનેના જીવનમાં નિરાશા છવાઈ જાય છે એટલું જ નહીં, તેમની સાથે જોડાયે બંને પરિવાર તેમજ બાળકો પર પણ તેની ખરાબ અસર થાય છે. જીવનસાથીના કોઈ પ્રકારના ગેરવર્તનથી આઘાત લાગે, તો ધીરજથી તે સહન કરી લેવાથી દામ્પત્યજીવન ભાંગી પડતું બચી જાય છે.

દામ્પત્યજીવનમાં પતિ અને પત્ની બંનેનું મહત્ત્વ છે. કોઈ એકના અભાવમાં દામ્પત્યજીવન સુખદ બની શકતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો પતિ પરસ્ત્રીના લફરામાં ફસાય અથવા પત્ની કોઈ બીજા પુરુષની જાળમાં સપડાય, તો જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થાય જ છે.

જોકે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક અવળા માર્ગે ચડી ગયું હોય, તો બીજા જીવનસાથીએ ધીરજપૂર્વક એને યોગ્ય માર્ગે લાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, પોતાના દામ્પત્યજીવનને તૂટી પડતું બચાવવા માટે ભરપૂર કોશિશ કરવી જોઈએ.

વિજય અને માનસીના કિસ્સામાં જો માનસી સમયસર ચેતી ગઈ હોત, તો એનું દામ્પત્યજીવન આમ બરબાદ ન થાત. વાસ્તવમાં, એણે જ્યારથી વિજય રાતે મોડો ઘેર આવવા લાગ્યો, ત્યારથી જ સમસ્યા શી છે તે વિશે જાણવાની જરૂર હતી અને વિજયને યુક્તિથી પોતાના પ્રેમમાં જકડી લેવો જોઈતો હતો.

જોકે દામ્પત્યજીવનમાં માત્ર પતિને કારણે જ નહીં, પત્નીના કારણે પણ તિરાડ પડી શકે છે. પત્ની પોતાનું શીલ જાળવી ન શકે, તો ઘર બરબાદ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પુરુષે ધૈર્યપૂર્વક પોતાની પત્નીને સમજાવી, સંભાળી લેવી જોઈએ. પત્ની ચારિત્ર્યહીન છે એ જાણી એની સાથે એકદમ સંબંધ તોડી નાખવાને બદલે પહેલાં એની ચારિત્ર્ય હીનતાનું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે કારણની જાણ થાય ત્યારે તેનો સમજદારીપૂર્વક ઉકેલ કાઢીને પત્નીને અવળે માર્ગે જતાં અટકાવવાની હોય છે. આમ કરવાથી દામ્પત્યજીવનમાં તિરાડ નથી પડતી અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તદુપરાંત, ભાવિ પેઢીનું ભવિષ્ય પણ સુધરી જાય છે.

અશોક ધીરધારનો વ્યવસાય કરતો હતો. એની પાસે કેટલાંક વેપારીઓ રૂપિયા વ્યાજે લેવા આવતા તો કેટલાંક પોતાના રૂપિયા અશોકને આપી એના દ્વારા વ્યાજ મેળવતા. અશોકની ઓફિસ અને ઘર દૂર હતાં એની પત્ની સુષમા સુંદર અને સુશીલ હતી. એની બે દીકરીઓની ઉંમર ૮ વર્ષ અને ૫ વર્ષ હતી.

સવારે આઠ વાગતાં જ અશોકના ઘેર લોકોની અવરજવર શરૂ થઈ જતી. અગિયાર વાગ્યા સુધી એ ઘેર જ વેપારીઓને મળતો.

ત્યારબાદ એ ઓફિસે ચાલ્યો જતો. આ સમય દરમિયાન સુષમા પણ બાળકોને તૈયાર કરી, સ્કૂલે મોકલી, પતિને મળવા આવતાં માણસોની આગતા- સ્વાગતામાં પ્રવૃત્ત રહેતી. અલબત્ત, ઘરમાં નોકર ચાકર હતા, પણ રૂપિયાની લેણદેણની વાત ગુપ્ત રાખવા માટે સુષમા પોતે જ બધું કામ કરતી.

અશોકને ત્યાં ઘણીવાર સલીમ નામનો એક વેપારી આવતો. એ વ્યાજે ફેરવવા માટે સૌથી વધારે રૂપિયા અશોકને આપતો હતો. સુષમાને જોઈ સલીમ એના પ્રેમમાં પડી ગયો અને એણે અશોકને વધારે રૂપિયા આપવાની શરૂઆત કરી.

અશોક ઘણીવાર સલીમને પોતાના ઘેર રાતે જમવા બોલાવતો. સુષમા પ્રત્યે આકર્ષાયેલા સલીમને આ દરમ્યાન એની સાથે વધારે વાતચીત કરવાની તક મળવા લાગી. પરિણામે, એની હિંમત વધી. હવે એ ક્યારેક અશોકની અનુપસ્થિતિમાં પણ એના ઘેર આવતો. સુષમા પણ જાણતી હતી કે સલીમે જ અશોકને સૌથી વધારે રૂપિયા આપ્યા છે અને તે પૈસા અશોકે વેપારીઓને વધારે વ્યાજે આપ્યા છે. આથી તેને અશોકની ગેરહાજરીમાં એની સાથે વાતો કરવી પડતી.

એક દિવસ સલીમે સુષમાને હીરાનો હાર ભેટ આપ્યો. સુષમાએ જ્યારે અશોકને હાર બતાવ્યો ત્યારે પળવાર તો અશોકના મનમાં શંકા પણ જાગી, પરંતુ એણે વિચાર્યું કે કદાચ પોતે ખોટું વિચારી રહ્યો હોય.

સમય પસાર થવાની સાથે સલીમે ક્યારેક સુષમા માટે ડ્રેસ, ક્યારેક સાડી, ક્યારેક સૌંદર્ય પ્રસાધન વગેરે ભેટરૂપે લાવવાનું ચાલુ રાખ્યું. એક દિવસ સુષમાએ મજાકમાં અશોકને કહ્યું, ‘તમે તો મારા માટે કંઈ નથી લાવતા. સલીમ મારું કેટલું ધ્યાન રાખે છે!’ અશોકે સુષમાને કહ્યું, ‘સુષમા, સલીમ આખરે એક પારકો પુરુષ છે, તારે મર્યાદિત વર્તન રાખવું જોઈએ.

એક દિવસ સલીમ સાંજના સમયે અશોકના ઘેર પહોંચ્યો. એણે સુષમાને કહ્યું, ‘હું અશોકની ઓફિસે જાઉં છું. તમે પણ ચાલો, આજે રાતે અશોક સાથે બહાર હોટલમાં જમી લઈશું.’

સુષમા આ સાંભળી ઝડપથી તૈયાર થઈ ગઈ, પછી બોલી, અશોકે તો મને તમારી સાથે જવા વિશે વાત નથી કરી, છતાં હું અશોકને ફોન કરી દઉં.’

‘ના, ફોન કરવાની જરૂર નથી. આપણે ત્યાં એકાએક પહોંચી જઈને એને ‘સરપ્રાઈઝ’ આપીશું.’ સલીમે કહ્યું.

સુષમા વધારે આનાકાની કર્યા વિના સલીમ સાથે કારમાં બેસી ગઈ. રસ્તામાં સલીમે કહ્યું, ‘હજી ઓફિસનો સમય પૂરો થવાને ઘણો સમય બાકી છે. ચાલો, ત્યાં સુધી કોઈ હોટલમાં જઈને ચા પીશું?’ સુષમાએ ના કહેવા છતાં સલીમ એને એક હોટલમાં લઈ ગયો. જોકે સુષમા પણ અંદર ખાને એના તરફ આકર્ષાઈ તો હતી જ. સલીમ એને હોટલના એક રૂમમાં લઈ ગયો, જ્યાં એકાંતમાં સુષમાએ એને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. ત્યારબાદ એણે કહ્યું, ‘મને મારા ઘરે પહોંચાડી દો. મને અશોકની બીક લાગે છે.’

‘તારી ઈચ્છા છે તો મૂકી જાઉં, પણ જમવું નથી?’

‘ના, ફરી ક્યારેક વિચારીશું.’

સલીમ અને સુષમા ઘેર પહોંચ્યાં તો જોયું કે અશોક વહેલો ઘેર આવી ગયો હતો. સુષમાનો ફિક્કો ચહેરો અને અસ્તવ્યસ્ત હાલત જોતાં અશોકને ખ્યાલ આવી ગયો કે આજે એની સુષમા લૂંટાઈ ગઈ. જે વાતનો પોતાને ડર હતો, એમ જ બન્યું.

તેમ છતાં એ પોતાના પર કાબૂ રાખતાં બોલ્યો, ‘કલકત્તાથી તારી મમ્મીનો ફોન હતો, આપણને વહેલી તકે ત્યાં બોલાવ્યાં છે. એટલે હું જલદી આવી ગયો, તું ઝડપથી બાળકોને તૈયાર કરી દે. નવ વાગ્યાની ફલાઈટ છે.’

સુષમાએ ઝડપથી બધી તૈયારી કરી. તેઓ સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા. કલકત્તા જઈને અશોક સીધો પોતાના સાસરે ગયો. ત્યાં એણે સુષમાની માતાને બધી વાત કરી એટલે માતાએ ક્રોધે ભરાઈને સુષમાને ખૂબ ધમકાવી. પછી સમજાવી. ત્યારબાદ અશોકે પોતાનાં માતાપિતાને પણ જે કંઈ બન્યું હતું, એ જણાવ્યું. એણે તેમને તથા સુષમાની માતાને સુષમાનું ખાસ ધ્યાન રાખવાનું જણાવતાં કહ્યું કે હું મારો બધો વેપાર સમેટી લઈ કલકત્તા આવી જાઉં છું. આમ, અશોકે ધીમે ધીમે મુંબઈનો વેપાર સંકેલી લીધો અને તે કલકત્તા આવી ગયો.

જો અશોકે ધાર્યું હોત તો એ સુષમાને છુટાછેડા આપી શક્યો હોત, પરંતુ પત્ની ચારિત્ર્યહીન હોવા છતાં અશોકે એને સમજાવીને સાચા માર્ગે દોરી. એની દલીલ અનુસાર, શરીરનું કોઈ અંગ દાઝી જાય કે ક્યાંક ઈજા થાય, તો આપણે એટલો ભાગ કાપીને ફેંકી દેતા નથી, એની સારવાર કરીએ છીએ. સારવાર કરવાથી ઘા રુઝાઈ જાય છે.

અશોકે પોતાનાં માતાપિતા તથા સુષમાની માતાની મદદથી પોતાનું દામ્પત્યજીવન ભાંગી પડતું બચાવી લીધું. આ દરમ્યાન સુષમાને પણ પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. અશોકે પોતાની દૂરંદેશી અને સમજદારીથી પોતાના દામ્પત્યજીવનને સંભાળી લીધું. એના આવા વ્યવહારને કારણે એની બંને દીકરીઓનું ભાવિ પણ બરબાદ થતું બચી ગયું.

Leave a Reply

Your email address will not be published.