પરણિત પુરુષ સાથે કરાવી રહ્યા હતા લગ્ન, અભયમની ટીમે યુવતીને બચાવી

nation

પૈસાની લાલચમાં સ્વાર્થી માતા-પિતાએ પોતાની પુત્રીના પરણિત પુરુષ સાથે લગ્ન કરી નાંખ્યા હતા. જો કે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા, તેના પરિવારજનોએ તેને ફટકારી હતી અને પરાણે લગ્ન કરવા માટે જુલમ કરતા હતા. જો કે કંટાળેલી યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતા આખરે તેનો બચાવ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈનમાં મેસેજ કરીને મદદ માંગી હતી. જો કે અભયમની ટીમે ફોન કર્યો ત્યારે યુવતીએ ફોન કાપી નાખ્યો હતો. જેથી કોઈ અઘટીત ઘટના ન બને તે માટે અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં યુવતીની પુછપરછ કરી હતી. જો કે, યુવતી તેના માતા-પિતા અને કાકાના ડરથી કંઈ બોલવા તૈયાર ન હતી.

જો કે તેને સાંત્વના આપીને પૂછપરછ કરી, ત્યારે તેણે જણાવ્યુ હતુ કે, તેની ઉંમર 21 વર્ષની છે. તેના માતા-પિતા અને કાકા પૈસાની લાલચમાં યુવતીના લગ્ન એક પરણિત યુવક સાથે કરાવવા માગે છે.

યુવતીએ લગ્ન કરવાની ના પાડી, તો જબરદસ્તી કરે છે અને જો લગ્ન નહીં કરે તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપે છે. યુવતીને જે છોકરો પસંદ છે, તે છોકરાને 7 ભાઈઓ હોવાથી પ્રોપર્ટીના 7 ભાગ પડે તેમ વિચારીને માતા-પિતાએ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.

માતા-પિતા તથા કાકાને પૈસા આપવાનું કહેનાર અને એક વખત લગ્ન કરનાર યુવક સાથે જબરદસ્તી લગ્ન કરાવવા માટે ધમપછાડા કરે છે. અભયમની ટીમે માતા-પિતા અને કાકાનુ કાઉન્સેલિંગ કર્યુ હતુ. જેના પગલે માતા-પિતા અને કાકાને પોતાની ભૂલ સમજાઈ હતી. બીજી બાજુ યુવતીને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી, પરંતુ યુવતીને આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતી ન હતી અને તેને તેના માતા-પિતા સાથે રહેવુ ન હોવાથી અભયમની ટીમે યુવતીની સલામતી માટે આશ્રય ગૃહમાં મોકલી આપી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.