પરીક્ષા હોય કે કરિયર, આટલું કરો અને સફળતા મેળવો

GUJARAT

પરીક્ષાનો ડર સતાવતો હોય ત્યારે અહીં જણાવેલા ઉપાયોથી લાભ થશે.ભણનારાઓને મૂર્ખપણું રહેતું નથી, આથી ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા પ્રાપ્ત કરી લેવી, કારણ કે વિદ્યારૂપી ધન સર્વ ધનમાં મુખ્ય ધન છે.

પરીક્ષા નજીકમાં હોય ત્યારે વિદ્યાર્થીઓ લાગે પુસ્તકોનો ભાર અને માનસિક માર. પરીક્ષાની બીક તો એવી લાગે કે સ્કૂલમાંથી દીક્ષા લેવાની ઈચ્છા થઈ જાય અને માંડ માંડ પરીક્ષાની તાણમાંથી સફ્ળતાપૂર્વક બહાર આવો એટલે કરિયરની ચિંતા તમારી જાતને ઉધઈની જેમ કોરી ખાય, પણ હે સરસ્વતી પુત્રો અને પુત્રીઓ! હજુ આપણાં પવિત્ર જ્યોતિષશાસ્ત્ર પાસે પરીક્ષાની સફ્ળતાના અને ઉત્તમોત્તમ કારકિર્દી માટેના અનેકાનેક અનુભવસિદ્ધ ઉપાયો છે. નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારું જન્મ નક્ષત્ર તમને આસમાની સફ્ળતા આપી શકે છે. જાણી લો કુંડળીમાંથી તમારું નક્ષત્ર અને અહીં જણાવ્યા પ્રમાણે સફ્ળતાને તમારા ચરણ અને શરણમાં આળોટતી કરી દો.

જો તમારું જન્મ નક્ષત્ર અશ્વિની,મઘા અગર મૂળ હોય તો તમારા નક્ષત્રનો સ્વામી કેતુ ગ્રહ છે. પરીક્ષાના કે ઈન્ટરવ્યૂના દિવસો દરમિયાન આપે વહેલી પરોઢે નોકરચાકર વર્ગ, અગર કોઈ પણ ગરીબને સવા બે મીટર કાળાં વસ્ત્રનું અને તલના તેલનું દાન કરવું ઉપરાંત કાળા તલ થોડી માત્રામાં ગોળ સાથે ખાઈ લેવા અને ‘કેતું કરાલવદનમ ચિત્રવર્ને કિરીટીનમ… પ્રણમામિ સદા કેતુમ ધ્વજાકારમ ગ્રહેશ્વરમ’મંત્ર ફ્ક્ત 11 વાર ઉચ્ચારવો.

તમારો જન્મ જો ભરણી, પૂર્વા ફલ્ગુની અગર પૂર્વાષાઢા નક્ષત્રમાં થયો હોય તો તમે શુક્રના નક્ષત્રમાં જન્મેલા વિદ્યાર્થી છો. પરીક્ષાના કે ઈન્ટરવ્યૂના દિવસો દરમિયાન વહેલી પરોઢે જરૂરિયાતમંદ વ્યક્તિને ગુલાબી વસ્ત્ર દાનમાં આપવું. ભોજન સમયે થોડાક સરસવ અને ગોળ ખાઈ જમવાની શરૂઆત કરવી. શુક્રનો આરાધના મંત્ર ‘મૃણાલકુંદેન્દુ પયોજ સુપ્રભમ પીતામ્બરમ્ પ્રસૂતમક્ષમાલિનમ સમસ્ત શાસ્ત્ર અર્થનિધિમ મહાતમ ધ્યાયેત્ક્વીમ વાંછિતમર્થ સિદ્ધયે ‘ મંત્ર 11 વાર બોલવો.

કૃતિકા, ઉત્તરા ફલ્ગુની અગર ઉત્તરાષાઢા નક્ષત્રમાં તમારો જન્મ હોય તો તમારો નક્ષત્ર માલિક સૂર્ય છે આથી તમારે પરીક્ષાની કે ઈન્ટરવ્યૂની સવારે સવા કિલો ઘઉં 1 કિલો ગોળ સાથે કેસરી રંગના વસ્ત્રનું દાન દરિદ્રને આપી ભોજનમાં ખીર લેવી અને સૂર્યનો મંત્ર ‘અજ્ઞાત્વાં કવચમ દિવ્યમ યો જપેત સૂર્ય મંત્રકમ, સિદ્ધિઅર્થે જાયતે તસ્ય કલ્પકોટિશતેયરપિ’ 11 વાર બોલવો.

જે વિદ્યાર્થીનો જન્મ ચંદ્રના નક્ષત્ર રોહિણી, હસ્ત અગર શ્રાવણમાં થયો હોય તેમણે પરીક્ષાની કે ઈન્ટરવ્યૂની વહેલી પરોઢે ગરીબને સફ્ેદ વસ્ત્રનું, સવા કિલો ચોખા અને એકાદ લિટર દૂધનું દાન કરવું. ત્યારબાદ ચંદ્રનો મંત્ર ‘વાસુદેવસ્ય નયનમ શંકરસ્ય ભૂષણમ શશિનઃ નામમ યઃ પઠેચ્છુનું યાદ્રાપિ સર્વત્ર વિજયી ભવેત’ 11 વાર બોલવો. ભોજનમાં ગાયના ઘી સાથે ખાંડ અને ભાત લેવાં.

મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા મંગળનાં નક્ષત્ર જે વિદ્યાર્થીઓ કે કારકિર્દીથી વંચિત જાતકોનાં આવતાં હોય તેઓએ સવારે કોઈ દરિદ્રને લાલ વસ્ત્રનું દાન અને મસૂરની દાળ સાથે એકાદ કિલો સાકર આપવી. ભોજનમાં થોડો કંસાર લેવો અને નક્ષત્ર મંત્ર ‘નામાન્યેતાની ભૌમસ્ય યઃ પઠેત્સ તતમ નરઃ સરવા નશ્યંતિ પીડાૃ તસ્ય ગ્રહકૃતા ધ્રુવમ’ 11 વાર બોલવો.

જો આપ આશ્લેષા, જયેષ્ઠા અને રેવતી નક્ષત્રના વિદ્યાર્થી હોવ તો તમારે પરીક્ષાના અને ઇન્ટરવ્યૂના દિવસે 1 કિલો લીલા મગની સાથે લીલું વસ્ત્ર પણ દાન કરવું અને જમ્યા બાદ તુરંત લીલી ઇલાયચીવાળું પાન ચાવી લેવું અને ‘બુધસ્તુ પુસ્તક ઘરઃ કુંકુમસ્ય સમધૃતીઃ પીતાંબર ઘરઃ પાતુ માલ્યાનુંલેપનઃ’ મંત્ર 11 વાર બોલી પરીક્ષા માટે પ્રયાણ કરવું.

પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ ગુરુનાં નક્ષત્ર છે. ગરીબ વ્યક્તિને ચણાની દાળ અને પીળાં વસ્ત્રનું દાન કરી જમવામાં એક કપ દૂધમાં હળદર નાખી પીવું. પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે જતાં પહેલાં ‘ભક્તયા બૃહસ્પતિમ સ્મૃતવા નામાન્યેતાની યઃ પઠેત, વિદ્યાવાન બલવાન સ ભવેન્નરઃ’ મંત્ર 11 વાર બોલી પરીક્ષા માટે પ્રયાણ કરવું.

પુષ્ય, અનુરાધા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર શનિ દેવનાં છે. સવારે કાળાં વસ્ત્રમાં કાળા અડદ મૂકી દરિદ્રને દાન કરી જમતાં પહેલાં એક ચમચી વાવડિંગના દાણા ચાવી લેવા. ‘નીલાંબરો નીલવપુઃ કિરીટી ધનુશમાન ચતુરભુજઃ સૂર્ય સુતઃ પ્રસ્સન સદા મમ સફ્લતા પ્રદાનમ’ મંત્ર 11 વાર બોલવો.

જો આપનો જન્મ આર્દ્રા, સ્વાતિ અગર શતભિષા એટલે કે રાહુના નક્ષત્રમાં થયો હોય તો પરીક્ષાની કે ઇન્ટરવ્યૂની સવારે ગરીબને વાદળી વસ્ત્ર સાથે તલનું તેલ દાન કરવું અને જમતા પહેલાં સરસવના દાણા ચાવી લેવા. પરીક્ષામાં જતાં પહેલાં ‘રૌદ્રો રુદ્ર પ્રિય દૈત્યઃ સ્વ સર્વભાનુભાનુ ભીદિતઃ ગ્રહરાજઃ સુધા પાયી રાકા તિથ્ય ભિલા શુકઃ’ મંત્ર 11 વાર બોલીને નીકળવું.

વિદ્યાર્થીમિત્રો અને શ્રોષ્ઠ કારકિર્દી ઈચ્છુક જાતકોએ અહીં જણાવેલા તમામે તમામ મંત્ર અને અન્ય વિધિ જાતે જ કરવાં. તમામ માહિતીનો સંદર્ભ ‘બાલબોધ સમુચ્ચય’, ‘ચમત્કાર ચિંતામણિ’, ‘સારાવલિ’ અને ‘સરસ્વતી સંહિતા’ નામના અદ્ભુત ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે. અહીં બતાવેલા ઉપાયો તમારું મનોબળ, સ્મૃતિશક્તિમાં વધારો કરી સફ્ળતા આપશે. ઉપરોક્ત ઉપાયો અનુભવસિદ્ધ છે. સૌ કોઈ કરી શકે છે અને સફ્ળતાના આસમાનને પોતાની મુઠ્ઠીમાં કેદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.