આપણા પૂર્વજો વર્ષોથી નીચે બેસીને જમવાનો આગ્રહ રાખતાં હતાં તેની પાછળ કોઈ કારણ તો હશે જ ને! જમીન ઉપર સુખાસન એટલે કે પલાંઠી વાળીને જમવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ શરીરને પ્રાપ્ત થાય છે અને તે ઊર્જાવાન અને સ્ફૂર્તિવાન બને છે. આ ઉપરાંત પણ તમે સવારે સુખાસનમાં બેસો તો પણ તમને ઘણો ફાયદો થાય છે. તો જાણી લો તમે પણ આજે પલાંઠી વાળીને બેસવાથી થતા આ ફાયદાઓ વિશે…
ક્રિયા
સાદડી અથવા શેતરંજી ઉપર પલાંઠી વાળીને બેસો. હથેલીઓ ઘૂંટણ ઉપર સ્વસ્થ રીતે આરામથી મૂકો. જરા પણ દબાવ સિવાય પીઠ અને માથું એકદમ સીધાણમાં રાખો. પેટના ભાગને સરળતાથી અંદર ખેંચો. આંખો બંધ કરો અને મનથી તમારા શ્વાસોશ્વાસ તરફ જ ધ્યાન આપો. આ પ્રમાણે દસ મિનિટ બેસો.
ફાયદા
આ પ્રકારે જમીન પર બેસીને જમવાથી ઓબેસિટી, અપચો, એસીડીટી વગેરે જેવા પેટને લગતા રોગોમાં રાહત મળે છે.
સાચી રીતે કરેલું સુખાસન ઘૂંટણ અને ઘૂંટીઓની સ્થિતિસ્થાપક્તામાં વધારો કરે છે.
હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસની ગતિ એક સરખી કરે છે.
સામાન્ય શાંતિની લાગણી અનુભવાય છે. શાંતિની સાથે મનની સ્પષ્ટતા અને સમજ પણ આવે છે.
મર્યાદા
જેમને તીવ્ર આર્થરાઈટીસ-ઘૂંટણના વાનું દરદ હોય તેઓએ આ આસન ન કરવું.