પડોશીએ જાતિય સતામણી કરતા 14 વર્ષની સગીરા ડિપ્રેશનમા સરી પડી

GUJARAT

સલાબતપુરામાં રહેતા 35 વર્ષીય મીનાબેન (નામ બદલ્યું છે)ના પતિ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સંતાનમાં બે દીકરી છે. જે પૈકી 14 વર્ષીય દીકરી પ્રિયા (નામ બદલ્યું છે) ધો.8માં અભ્યાસ કરે છે. પ્રિયા છેલ્લાં 2-3 મહિનાથી ઘરમાં નર્વસ રહેતી હતી. તેણી ગૂમસૂમ થઇ ખૂણામાં બેસી રહેતી હતી. પ્રિયા ક્યારેક-ક્યારેક અચાનક રડવા પણ લાગતી હતી. દીકરીની વર્તણૂંકમાં અચાનક ફેરફાર આવતા માતા-પિતાને ચિંતા થઇ હતી. સતત ડિપ્રેશનમાં રહેતી પ્રિયા આ વર્ષે સ્કૂલની વાર્ષિક પરિક્ષા પણ આપી શકી ન હતી.

આખરે ચિંતાતૂર માતા-પિતાએ પ્રિયાને સમજાવી વિશ્વાસમાં લઇ પૂછપરછ કરી હતી. જેમાં પ્રિયાએ જણાવ્યું કે “ઘર પાસે ૨હેતા અજય કાકા છેલ્લા છ મહિનાથી મને ખરાબ નજરથી જોયા કરે છે. મને દૂરથી ફ્લાઇંગ કીસ આપે છે, ગંદા-ગંદા ઇશારા કરે છે, સ્કૂલ-ટ્યુશને જવા નીકળે તો પીછો કરી ચોકલેટ આપી દોસ્તી કરવાની વાત કરતા હતા”. અજયકાકા સાથે વાતચીત નહિ કરૂં તો તેઓ માતા-પિતાને મારી નાંખવાની પણ ધમકી આપતા હતા. એક વખત અજયે પ્રિયાનો હાથ પકડી દોસ્તી કરવા દબાણ પણ કર્યુ હતુ. જાન્યુઆરી માસમાં ધાક-ધમકી આપી ઘરે બોલાવી શારીરિક અડપલાં પણ કર્યા હતા. જે તે સમયે પ્રિયા અજયને ધક્કો મારી ભાગી છૂટી હતી. ત્યારબાદ પણ પ્રિયા ઘરની બહાર ઉભી રહે તો અજય ઇશારા કરતો હતો.

વિકૃત અજયની ધમકીથી પ્રિયા હેબતાઇ ગઇ હતી. જેથી તેને પરિવારજનોને આ વાત જણાવી ન હતી. જે-તે સમયે પ્રિયાના-માતા-પિતાએ અજય ઓગરીવાલાને ઠપકો આપ્યો તો તેને ભૂલ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ અજય સલાબતપુરાથી ગોડાદરા રહેવા ચાલ્યો ગયો હતો. જોકે છેડતીને પગલે પ્રિયાની માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતી હોય આખરે ન્યાય માટે પરિવારે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. સલાબતપુરા પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી વિકૃત અજય ધનસુખલાલ ઓગરીવાલા (ઉ.વ 50, રહે-મહાપ્રભુનગર આસપાસ મંદિર પાસે, ગોડાદરા)ની અટક કરી હતી.

Leave a Reply

Your email address will not be published.