નાગા સાધુ બનવા માટે આપવી પડે છે દુષ્કર પરીક્ષા, મહિલાઓ પણ લઈ શકે આ દિક્ષા

DHARMIK

માત્ર ભભૂતિ અને જટા, તેમજ રુદ્રાક્ષની માળા તેમનું આગવું ઘરેણું હોય છે. આવો જાણીએ નાગા સાધુ વિશે… કેવી રીતે બને છે નાગા સાધુ… શું મહિલાઓને પણ નાગા સાધુ તરીકે દિક્ષા આપવામાં આવે છે. શું આ પંથ, કેવું હોય છે જીવન… જાણો અહિં બધું જ એ વિશે..

ભારતભરમાંથી સંન્યાસીઓ કુંભમાં આવે છે. આ સંન્યાસીઓ કુલ 13 અખાડામાં વર્ગીકૃત હોય છે. જ્યારે કિન્નરોનો અખાડો અલગ હોય છે. તેને 14મા અખાડા તરીકે સ્થાન આપવામાં આવેલું છે. જો કોઈને નાગા સાધુ બનવું હોય તો કુંભનો મેળો આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. કુંભમાં જ નાગા સાધુ બનાવવામાં આવે છે. હિમાલયની કળકળતી ઠંડીમાં ઝીરો ડિગ્રીથી નીચે તાપમાનમાં તેઓ જીવિત રહી શકે છે. કહેવાય છે કે આમ આદમીથી નાગા સાધુ બનવાની સફર પણ સરળ હોતી નથી. નાગા સાધુ સામાન્ય રીતે નગ્ન અવસ્થામાં જ આયખું વિતાવે છે. તેઓ યુદ્ધ કળામાં પારંગત હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર નાગા પરંપરા જગદગુરુ શંકરાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી.

લોક માન્યતા છે કે નાગા સાધુ કેવળ કુંભના મેળામાં જોવા મળે છે. કે પછી જૂનાગઢમાં ભવનાથનો મેળો હોય ત્યાં પણ જોવા મળે છે. સામાન્ય રીતે આ સાધુઓ શહેરથી બહાર વેરાન સ્થળે પોતાની ઝુંપડી બનાવી રહે છે. આ સાધુઓ હઠયોગી હોય છે. શિવના પરમ ઉપાસક હોય છે. ઉત્તરભારતમાં હરિદ્વારથી લઈને અનેક ક્ષેત્રોમાં તે વસેલા છે. જૂનાગઢમાં પણ મોટી સંખ્યામાં નાગા સાધુ જોવા મળે છે.

જ્યારે કોઈ વ્યક્તિ નાગા સાધુ બનવાની ઈચ્છા પ્રગટ કરે છે ત્યારે તેને નાગા સાધુ બનાવતા પહેલાં કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. આ ઉપરાંત તેના પરિવાર વિશે પણ તપાસ કરવામાં આવે છે. જો અખાડાને એમ લાગે કે આ વ્યક્તિ નાગા સાધુ બનવા માટે યોગ્ય છે તો તેને અખાડામાં પ્રવેશ આપવામાં આવે છે.

અખાડામાં આવ્યા બાદ પણ તેની બ્રહ્મચર્યની પરીક્ષા લેવાય છે. એમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગે છે. જો અખાડા અને ગુરુ એ સુનિશ્ચિત કરે કે તે દિક્ષા આપવા માટે લાયક થઈ ચૂક્યો છે તો પછી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નહિં તો તેને રાહ જોવી પડે છે.

એ વ્યક્તિના બ્રહ્મચર્યની પરીક્ષામાં તે પાસ થઈ જાય તો પછી તેને બ્રહ્મચારી થી મહાપુરુષ બનાવવામાં આવે છે. એના પાંચ ગુરુ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરુ દેવ કે પંચ પરમેશ્વર(શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને ગણેશ) હોય છે.

એ પછી નાગા સાધુઓને સૌથી પહેલા પોતાના વાળ ઉતરાવવા પડે છે. ગંગામાં ડુબકી લગાવવી પડે છે. તે પછી જે વ્યક્તિ નાગા બાવા બનવા માંગતી હોય તેણે પોતાના પરિવાર અને સમાજ માટે પોતે મૃત છે તેમમ માનીને પોતાના હાથે જ પોતાનું શ્રાદ્ધ કર્મ કરવું પડે છે. પિંડદાન કરવું પડે છે. આ વિધિ પતી જાય પછી સાધુને નગ્ન અવસ્થામાં 24 કલાક માટે અખાડાના ધ્વજ નીચે ઉભું રહેવું પડે છે. પછી વરિષ્ઠ નાગા સાધુ લિંગની એક વિશેષ નસને ખેંચીને તેને નપુંસક બનાવી દે છે. આ અતિ પીડાકારી હોય છે. તેને એક ગુરુ મંત્ર આપવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તે દિગંબર સાધુ બની જાય છે.

નાગા સાધુએ પોતાના ગુરુ પાસેથી મળેલા મંત્ર વિશે પૂર્ણ આસ્થા રાખવાની હોય છે. ભવિષ્યમાં થનારી તમામ તપસ્યા અને પ્રાપ્ત થતી સિદ્ધિ આ ગુરુમંત્ર પર આધારિત હોય છે.

નાગા સાધુ તરીકે દિક્ષા લીધા પછી વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ નથી હોતી. ટાઢ હોય કે તડકો કે પછી હોય વરસાદ કે બરફનું તોફાન નાગા સાધુ દિગંબર અવસ્થામાં જ રહે છે. જો તે વસ્ત્ર ધારણ કરવા ઈચ્છતા હોય તો માત્ર ગેરુઆ રંગનું એક જ વસ્ત્ર તે પહેરી શકે છે. સામાન્ય રીતે અનેક લોકો ગેરુઆ રંગનો માત્ર લંગોટ પહેરે છે. પણ વધું ગેરુઆ વસ્ત્ર ધારણ કરી શકતા નથી.

નાગા સાધુઓ દરરોજ ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવો પડે છે. ભસ્મ અને રુદ્રાક્ષ જ એક રીતે તેનના વસ્ત્ર હોય છે. રોજ સવારે સ્નાન પછી નાગા સાધુના શરીર પર ભસ્મ લગાવવી જરૂરી હોય છે.

નાગા સાધુઓને દિવસમાં માત્ર એક વાર જ ભોજન લેવાનું હોય છે તે પણ ભિક્ષા માંગીને. તે દિવસ દરમિયાન વધુંમાં વધું સાત ઘરેથી ભિક્ષા માંગી શકે છે. તેમાં જે મળે તે તેટલાં જ ગુજારો કરવાનો હોય છે. જો સાત ઘરમાંથી દિક્ષા ન મળે તો પછી ભૂખ્યું રહેવું પડે છે.

નાગા સાધુઓને પલંગ, ખાટ કે પછી અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરવા પર સખત મનાઈ હોય છે. તો કેવળ જમીન પર જ સૂઈ શકે છે. તે પણ ગાદલા વિના. ઈચ્છે તો કંતાન એક પાથરી શકે છે.

નાગા સાધુઓ સંન્યાસી સિવાય કોઈને પ્રણામ કરી શકતા નથી. નાગા સાધુઓ કોઈની નિંદા પણ કરી શકતા નથી.

નાગા સાધુઓની કોશિશ એ રહે છે કે તેમનું તિલક રોજ એક સરખું જ થાય.
નાગા સાધુ બની ગયા પછી તેના પદ અને અધિકાર વધી જાય છે. નાગા સાધુ પછી સંત, મહંત, શ્રીમહંત, તમાતિયા મહંત, થાના પતિ મહંત, પીર મહંત, દિંગબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વર જેવા પદો સુધી જઈ શકે છે.

મહિલા નાગા સાધુ વિશે

નાગા બાવા કે સાધુઓ વિશે તમે આજ સુધી તમે સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે મહિલા નાગા સાધુઓનું પણ અસ્તિત્વમાં હોય છે ? ન જાણતાં હોય તો આજે જાણી લો મહિલા નાગા સાધુઓના જીવન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો વિશે.

1. સન્યાસી બનતાં પહેલાં મહિલાઓને 6થી 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યારપછી જ્યારે તેના ગુરુ આ તપથી સંતુષ્ટ થાય ત્યારે તેને દીક્ષા મળે છે.

2. સન્યાસી જીવન જીવવાની ઈચ્છા રાખતી મહિલાઓના પરિવાર અને તેના સંસારી જીવન વિશે સંપૂર્ણ જાણકારી મેળવવામાં આવે છે.

3. દિક્ષા લેતાં પહેલાં તેઓ પોતાનું પિંડદાન અને તર્પણ જાતે જ કરે છે.

4. અખાડાના મહામંડલેશ્વર જ મહિલા નાગા સાધુને દિક્ષા આપે છે.

5. દિક્ષા પહેલાં તેમનું મુંડન થાય છે અને નદીમાં સમુહ સ્નાન કર્યા બાદ તેઓ સાધુ બને છે.

6. મહિલા નાગા સાધુ સૂર્યોદય પહેલાં જાગી નિત્ય કર્મ કરી શિવજીની પૂજાથી પોતાનો દિવસ શરૂ કરે છે અને રાત્રે સૂતાં પહેલાં ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.

7. સિંહસ્થ અને કુંભ મેળામાં નાગા સાધુઓની જેમ મહિલા સંન્યાસીઓ પણ સ્નાન કરે છે. તેમને અખાડામાં પૂર્ણ સન્માન મળે છે.

8. મહિલા નાગા સાધુને અખાડાના અન્ય સંતો માતા કહીને જ બોલાવે છે.

9. મહિલા નાગા સાધુને એક વસ્ત્ર પહેરવાની છૂટ હોય છે જે એક ગેરુઆ રંગનું સાડી જેવું વસ્ત્ર વિશેષ રીતે શરીરે બાંધે છે. જેમાં સિલાઈ કરેલી હોતી નથી.

10 મહિલા નાગા સાધુઓને નગ્નાવસ્થામાં સ્નાન કરવાની છૂટ નથી હોતી તેથી તેઓ સ્નાન સમયે શરીર પર પીળું વસ્ત્ર બાંધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *