નશાખોર પતિની ગળું કાપી ઘાતકી હત્યા, પોલીસે પત્નીની કરી ધરપકડ

GUJARAT

જૂનાગઢમાં દારૂના નશો કાળ બન્યો છે. જેમાં નશાખોર પતિ-પત્ની વચ્ચેના ઘર કંકાસને કારણે વધુ એક પરિવાર ખંડિત થયો છે. નશાખોર પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ જ પતિનું ગળું કાપીને ઠંડા કલેજે હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ તો પોલીસે પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા એડવોકેટ નિલેશ દાફડાની તેમના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે શરૂઆતમાં મૃતકના બહેન દ્વારા નિલેશની પત્નીના કહેવાથી ભાઈએ આપઘાત કર્યો હોવાની પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસમાં નિલેશ દાફડા ઘરના રૂમમાં મૃતદેહ પડ્યો હતો, તેના ગળામાં 7-8 છરીના ઘા ઝીંકાયા હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે મૃતદેહની બાજુમાં ધારદાર છરી પણ મળી આવી હતી. આથી આ બનાવ આપઘાત કરતા હત્યાનો હોવાની આશંકાએ પોલીસે મૃતકની પત્ની કાજલની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને પોતે જ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આખરે મૃતકની બહેને તેની ભાભી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોધાવી છે.

કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો?
પોલીસના જણાવ્યા પ્રમાણે, નિલેશ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો હતો. થોડા સમય પહેલા પણ મૃતકની પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.

આટલું જ નહીં, કાજલે પતિના ત્રાસથી કંટાળીને બે દિવસ પહેલા સાંજના સમયે તેની કોફીમાં ઝેર પણ પીવડાવ્યું હતું. જો કે મૃતકને ઝેરની કોઈ અસર થઈ નહતી. આખરે કાજલે પતિનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હોય, તેમ રાત્રે સૂઈ ગયા હતા, ત્યારે ધારદાર હથિયાર લઈને પતિ પર તૂટી પડી હતી. જેમાં પતિનું મોત નીપજ્યું હતું.

મૃતકને બે સંતાનો છે. હાલ તો માતાના હાથે જ પિતાની હત્યા થવાથી બન્ને સંતાનો માતા-પિતા વિહોણા બની ગયા છે. હાલ તો સી-ડિવિઝન પોલીસે પતિ નિલેશ દાફડાની હત્યા કેસમાં હત્યારી પત્ની કાજલને ઝડપી લઈને આ ગુનામાં બીજું કોઈ સંકળાયેલું છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *