મ્યૂકરમાઇકોસિસ એટલે શું? શું તે જીવલેણ રોગ છે? રોગનો વ્યાપ કેટલો છે?, પ્રારંભિક લક્ષણો શું?, જાણો ઉપચારના વિકલ્પો

Uncategorized

કોરોના વાઈરસથી થતા કોવિડ-૧૯ બીમારીમાં હવે મ્યુકરમાઈકોસિસ નામની પેટા બીમારી ઉમેરાઈ છે. આ બીમારીના દર્દીની સંખ્યા વધતી જાય છે. કે.ડી. હોસ્પિટલના ઈએનટી સર્જન ડો.હાર્દિક શાહે કહ્યું કે ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓએ સુગર મોનિટર કરવું જોઈએ. ડો.સપન શાહે કહ્યું દર્દીની આંખ કાઢવી પડે તે અમારા માટે સૌથી પીડાદાયક છે. જ્યારે ડો.અનુજા દેસાઈએ કહ્યું કે આંખ બચાવવા કરતા દર્દીની જિંદગી બચાવવી વધુ અગત્યની છે.

મ્યૂકરમાઇકોસિસ એટલે શું ? શું તે જીવલેણ રોગ છે ?

જેને દુર્લભ રોગ તરીકે ઓળખવામાં આવતો હતો તે હવે કોવિડ ૧૯માં સામાન્ય છે. મ્યુકરમાઇકોસિસ એ મ્યુકોર્માસાયટ્સ નામની ફૂગથી થાય છે. જે સામાન્ય રીતે પર્યાવરણમાં હાજર હોય છે. હાલમાં આ રોગનો મૃત્યુ દર ૫૦% કરતા વધુ છે. પ્રારંભિક લક્ષણોની ઓળખ અને વહેલી તકે સારવાર શરૂ કરવી એ રોગમાંથી સાજા થવાનો એકમાત્ર માર્ગ છે.

રોગનો વ્યાપ કેટલો છે ?

મ્યુકરમાઇકોસિસ એવી વ્યક્તિને અસર કરે છે જ્યારે તેની પ્રતિરક્ષક શક્તિ દબાયેલી હોય છે અથવા ઓછી હોય છે. જેમકે જ્યારે દર્દીના શ્વેતકણ ઓછા હોય છે, એચઆઈવી, કેન્સર અથવા ઇમ્યુનોસપ્રેસન સ્ટીરોઇડ્સની દવા પર હોય છે. કોવિડ-૧૯ના એડવાન્સ્ડ સ્ટેજવાળા દર્દીઓને સામાન્ય રીતે સ્ટીરોઇડ્સ સારવાર તરીકે આપવામાં આવે છે, જે ડાયાબિટીસના દર્દીમાં બ્લડ સુગર વધારવા માટે પણ જવાબદાર હોઈ શકે છે અને અનિયંત્રિત ડાયાબિટીસવાળા દર્દીઓમાં મ્યુકર ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

મ્યૂકરમાઈકોસિસના પ્રારંભિક લક્ષણો

ચહેરાની આસપાસ તીવ્ર પીડા થવી કે જેના લીધે વ્યક્તિ રાત્રે સૂઈ શકતો નથી.
માથાનો દુઃખાવો, આંખો અને જડબાના વિસ્તારની આસપાસ દુઃખાવો અને સોજો મ્યુકરમાઇકોસિસની શરૂઆત સૂચવે છે
ચાવવા દરમિયાન દુઃખાવો, દાંતનું ઢીલાપણું એ પ્રારંભિક રોગનો સંકેત ગણી શકાય.
જ્યારે કોવિડ દર્દી આ લક્ષણોનો અનુભવ કરે છે, ત્યારે રાહ જોયા વગર ડોક્ટરની સલાહ લઇ લેવી જોઈએ.
ઉપલબ્ધ ઉપચારના વિકલ્પો

બાયપ્સી, સિટી સ્કેન અને એન્ડોસ્કોપી થકી નિદાન
રોગની તીવ્રતાના આધારે દવાઓ, સર્જીકલ ડિબ્રાઇડમેન્ટ અથવા બંન્નેથી સારવાર થઇ શકે છે.
એમ્ફેટોરિસિન બી સારવારની પ્રાથમિક પસંદગી છે.
એમ્ફેટોરિસિન બી સાથે અન્ય એન્ટિફંગલ્સ જેમ કે પોસોકોનાઝોલ અને ઇસુવાકોનાઝોલ પણ વપરાય છે.
જો દર્દી નેક્રોસિસ સાથે દાખલ થાય છે તો સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ એકમાત્ર ઉપાય છે.
ફૂગવાળી જગ્યાઓ જેવી કે આંખની કીકી, અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા), સાઈનસ અને દાંતના સડાને દૂર કરવા સર્જીકલ સારવાર કરવી જરૂરી બની શકે છે.
રોગનું નિવારણ

ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા દર્દીઓએ માસ્ક પહેરવું જોઈએ અને શરીરના ભાગોને આવરી લેવા જોઈએ.
દર્દીના ડાયાબિટીસનો મેડિકલ ઇતિહાસ, કોવિડ-૧૯ ચેપ, સ્ટીરોઈડ ટ્રીટમેન્ટ અને પુનઃસ્વસ્થ દર્દીઓને મ્યુકોર વિશે જાણકારી હોવી જોઈએ.
નોન-ડાયાબિટીક કોવિડ-૧૯ દર્દીએ બ્લડ સુગર લેવલ માપતા રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.