ગુજરાતમાં તા.7 જૂનને મંગળવારથી પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ચોમાસાએ મુંબઈમાં એન્ટ્રી લઈ લીધી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાના આગમનના પડઘમ વાગવા લાગ્યાં છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શનિવાર સાંજથી આગામી 36 કલાક અને રવિવાર સવારથી આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસુ એન્ટ્રી લે તેવી શક્યતાઓ છે. મોટાભાગે તા.15થી 20 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડથી ગુજરાતના ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પરંતુ હાલના સંકેતો પ્રમાણે જો આગામી 36 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે તો આ વખતે ત્રણ-ચાર દિવસ વહેલુ ચોમાસાનું આગમન થયુ તેવુ કહી શકાશે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને દીવમાં ગાજવીજ સાથે હાળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ ગુજરાતમાં વાદળો ઘેરાવાના શરૂ થતા હોય છે અને તેના એક સપ્તાહ બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થતી હોય છે. આ વખતે કેરળમાં 1લી જૂન પહેલા ચોમાસાનુ આગમન થયુ હતુ અને 1લી જૂનના રોજ કેરળમાં પ્રવેશેલુ ચોમાસુ કર્ણાટક સુધી પહોચી ગયું હતુ, જે ગોવા થઈને શુક્રવારે રાત્રે મુંબઈમાં એન્ટર થયું હતું. જેની એન્ટ્રી સાથે મુંબઈમાં ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મુંબઈમાં પ્રથમ દિવસે જ વીજળીના કડાકા સાથે વરસાદનો પ્રારંભ થતાં જ ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થવાના આજે શનિવારે સવારે જ હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયાં હતા.