મોટો ખુલાસો: વર્ષ 2015થી 2019 સુધીના ગાળામાં 1,17,749ના હાર્ટ ઍટેકથી મોત થયા, દર મિનિટે 4 શિકાર બને છે

GUJARAT

બિગબોસ -13ના વિજેતા અને અભિનેતા સિધ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝમાં સન્નાટો વ્યાપી ગયો છે. સિધ્ધાર્થ માત્ર 40 વર્ષનો હતો. રોજ બે થી ત્રણ કલાકનો સમય જીમમાં વિતાવતો હતો અને ફીટ રહેવા સ્પેશ્યલ ડાયટ લેતો હતો. સિધ્ધાર્થને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? તે સવાલ દરેકના મનમાં ઘુમરાયા કરે છે. સિધ્ધાર્થ એકદમ ફીટ લાગતો હતો.

પોતાના એક્ટિંગ કેરિયરને ધ્યાનમાં લઈ તેણે શાનદાર બોડી પણ બનાવી હતી. આટલી નાની ઉંમરના હાર્ટ એકેટથી થયેલું તેનું મોત જ બતાવે છે કે, હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને શિકાર બનાવી શકે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ 2015થી 2019 દરમિયાન 1,17,749 વ્યક્તિઓના હૃદય રોગના હુમલાથી મોત થયા છે. આ પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુ દરમાં 53 ટકાનો વધારો થયો છે.

પહેલા હાર્ટ એટેકે ઉંમર લાયક લોકોને જ આવે છે, તેવું માનવામાં આવતું હતું, પરંતુ હવે યુવાવર્ગ પણ ઝડપથી તેનો શિકાર બની રહ્યું છે. મોટાભાગે બેઠાડું જીવન જીવતા તથા ક્યારેક કસરત કે યોગ નહીં કરતાં લોકો માટે હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. વર્ષ 2015થી હાર્ટ એટેકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે સને 2015માં દેશમાં 18,820 લોકોના હૃદય રોગના હુમલાથી મોત થયા હતા.

આ આંકડો સને 2019માં 28,૦૦5 પર પહોંચી ગયો હતો. જે પાંચ વર્ષમાં 53 ટકાનો વધારો બતાવે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના અને 14થી 18 વર્ષની વયના વર્ગને બાદ કરતાં અલગ – અલગ વય જૂથોમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થયો છે.

જ્યારે 18થી 30 વર્ષની વચ્ચેની વયના યુવકોના હૃદયરોગના હુમલાને કારણે થયેલા મૃત્યુનો આંકડો વર્ષ 2016માં 1,940 હતો. જે વર્ષ 2019માં 2,381 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત 30થી 45 વર્ષની વચ્ચેની વયના લોકોમાં પણ મોતનું પ્રમાણ વધારે હતું. જેમાં વર્ષ 2016માં 6,646 લોકોના હાર્ટ એકેટથી મોત થયા હતા. આ આંકડો વર્ષ 2019માં વધી 7,752 પર પહોંચી ગયો હતો.

40થી 60ની ઉંમર વચ્ચેના 8,862 લોકોએ વર્ષ 2016માં હૃદય રોગના હુમલાથી જીવ ગુમાવ્યા હતા, તો વર્ષ 2019માં મોતની સંખ્યા 11,042 થઈ હતી. વર્ષ 2016માં 60 વર્ષથી ઉપરના 4,275 વૃદ્વોના મોત થયા હતા અને તેની સરખામણીએ વર્ષ 2019માં 6,612 લોકો મૃત્યુ પામ્યા હતા. કાર્ડિયોલોજિ સોસાયટી ઓફ ઈન્ડિયાના અનુસાર ભારતમાં દર મિનિટે 35થી 50 વર્ષની વયના 4 લોકોને હાર્ટ એટેક આવે છે. ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર લોકોમાં 25 ટકાની ઉંમર 35 વર્ષથી ઓછી હોય છે.

બોડી બનાવવા સ્ટીરોઈડનો ઉપયોગ કરનારી વ્યક્તિઓ માટે હાર્ટ ઍકેટનું જોખમ વધુ

કેટલાક લોકો સારા દેખાવા માટે વધુ કસરત કરે છે અથવા શરીરને એક વિશેષ આકાર આપવા સ્ટીરોઈડ્સનું સેવન કરે છે. આજે પણ જીમ જઈને બોડી બનાવવા અનેક લોકો સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે. મોટાભાગે આવા સ્ટીરોઈડને ઈન્જેક્શનના માધ્યમથી શરીરમાં પહોંચાડવામાં આવે છે. જેનું સીધું કનેક્શન હૃદય રોગની બિમારી સાથે છે. આવા લોકોને પણ હાર્ટ એટેક આવી શકે છે. ખાસ કરીને જે લોકો હાઈ ઈન્ટેનસિટી એક્સસાઈઝ કરે છે, તેમના હૃદયની ગતિ અચાનક વધી જાય છે. જેમાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ રહે છે. શરીરને ફીટ રાખવા રોજ અડધો કલાક કસરત જરૂરી છે, પરંતુ ઘણાં લોકો કલાકો સુધી કસરત કરે છે. ખાસ કરીને ચેઈન સ્મોકર્સ માટે હાર્ટ એકેટની શક્યતા વધારે રહે છે. 20થી 35 વર્ષના યુવકોને પણ હાર્ટ એટેક આવી શકે છે. એક રિસર્ચ મુજબ દેશમાં જીમ જનારા લોકોમાં લગભગ 30 લાખ લોકો સ્ટેરોઈડનો ઉપયોગ કરે છે. જેમાં 73 ટકા લોકોની ઉંમર 16થી 35 વર્ષની વચ્ચે છે.

શહેરી વિસ્તારમાં કોરોનરી હૃદય રોગનો વ્યાપ વધવાનો અંદાજ

ભારતમાં કાર્ડિઓવાસક્યુલર ડિસીઝથી મૃત્યુની વાર્ષિક સંખ્યા 2.26 મિલિયન (1990)થી વધી 4.77 મિલિયન (2021) સુધીમાં થવાની ધારણા છે. દેશમાં ગ્રામીણ વસ્તીમાં 1.6 ટકાથી 7.4 ટકા અને શહેરી વિસ્તારમાં 1 ટકાથી 13.2 ટકા સુધી કોરોનરી હૃદય રોગના વ્યાપ દરનો અંદાજ એનસીબીઆઈ દ્વારા લગાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *