માતાના સૌથી પ્રેમાળ સંબંધને લજવતો કિસ્સો શહેરના જુહાપુરા વિસ્તારમાં બન્યો છે. દંપતી વચ્ચે અણબનાવ થતા બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જે બાદ મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા લાગી હતી. જ્યારે તેની 10 વર્ષની દીકરી પોતાના પિતા સાથે રહેતી હતી. જો કે માતા સંબંધની દુહાઇ આપી પોતાની સાથે રહેવા દબાણ કરતી હતી.
માતાનો પ્રેમી સગીર દીકરીને શારીરિક અડપલાં કરતો હતો. આ દરમિયાન માતા હાજર હોવા છતાં પ્રેમીને ઠપકો આપવાની જગ્યાએ છાવરતી હતી. આ ઉપરાંત બંને ભેગા થઇ બાળકીના જાંઘ પર દિવાસળીથી ડામ દીધા હતી. પોતાની માતાથી કંટાળેલી દીકરીએ સમગ્ર ઘટનાની જાણ દાદી અને પિતાને કરતા માતા અને તેના પ્રેમીની કરતૂતનો પર્દાફાશ થયો હતો. સગીરાના પિતાએ પૂર્વ પત્નીના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે, જ્યારે માતા સામે પોલીસ કાર્યવાહી થશે.
જૂહાપુરામાં રહેતા અને ટેક્સી ડ્રાઇવરનું કામ કરતા યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં સંતાનમાં એક બાળકી છે. લગ્નના થોડા સમય બાદ અણબનાવ થતાં બંનેના છૂટાછેડા થયા હતા. જે બાદ મહિલા જમાલપુરમાં રહેતા પોતાના પ્રેમી અબ્દુલ મુબીન શેખ સાથે રહેતી હતી. આ દરમિયાન દીકરીનો કબજો પિતાને મળ્યો હતો. આમ છતાં માતા દીકરી પ્રત્યે પ્રેમ હોવાનું કહી અવારનવાર પોતાના પ્રેમીના ઘરે લઇ જતી હતી.
માતાની નજર સામે પ્રેમી તેની 10 વર્ષની દીકરીને શારીરિક અડપલાં કરતો હતો. આમ છતાં માતા તેને છાવરતી હતી. બાળકી જો વિરોધ કરે તો બંને ભેગા થઇ તેના શરીરે ડામ દેતા હતા. દીકરી સમગ્ર ઘટનાની જાણ પોતાના પિતા અને દાદીને કરી હતી. જે સાંભળી બંને રડી પડયા હતા. બાળકીના પિતા પોલીસ ફરિયાદ ન કરે તે માટે માતાએ પૂર્વ પતિ સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાવી હતી અને હેરાનગતિ ઉભી કરી હતી.
જેના કારણે પિતાએ 5 મહિના બાદ પત્નીના પ્રેમી સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. જોકે પોલીસે આરોપી અબ્દુલ મુબીન શેખની ધરપકડ કરી જેલહવાલે કરી દીધો છે. માતાની પણ સંડોવણી હોવાથી કાયદેસરના પગલાં લેવાશે તેમ પોલીસે જણાવ્યું છે.