અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં સગીરાને તેના જ માસીએ પોતાના મિત્ર પાસે મોકલી દુષ્કર્મ ગુજારવામાં મદદ કરવાની ઘટના બની છે. જોકે સગીરાની તબીબી તપાસમાં ગર્ભ રહી જતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજથી 9 મહિના અગાઉ સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી. જ્યાં માસીનો મિત્ર બળદેવ સાગઠીયા મળ્યો હતો. ખુદ માસીએ જ સગીરાને પોતાના મિત્ર બળદેવ સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદ તે સગીરાને લઈને પોતાના ધર્મના ભાઈના એક ઘરમાં લઈ ગઈ હતી. જ્યાં માસીએ જ સગીરાને બળદેવ સાગઠીયાને સોંપી દીધી હતી. અહીં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આટલું જ નહીં થોડા દિવસો બાદ ફરીથી એક વખત સગીરા પોતાની માસી સાથે જઈ રહી હતી, ત્યારે પણ આરોપી બળદેવ આવી ચડ્યો હતો. બળદેવ સાગઠીયાએ સગીરાને ઘરે છોડવાનું કહીને પોતાની બાઈક પર બેસાડી લઈ ગયો હતો અને બીજી વખત બળજબરી પૂર્વક શારીરિક સબંધો બાંધ્યા હતા.
જો કે થોડા સમય બાદ સગીરાના શરીરમાં ફેરફાર જણાંતા તેની માતાએ ડૉક્ટર પાસે મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં સગીરાને 7 મહિનાનો ગર્ભ હોવાનું જણાવાયું હતુ. આ બાબતે પૂછતાં સગીરાએ પોતાની આપવીતી કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ મામલે ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી બળદેવ સાગઠીયા પોતે પરિણીત છે અને તેણે પોતાની પત્નીની છૂટાછેડા આપ્યા છે.
જો કે આ મામલે પકડાયેલી સગીરાની માસીના અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાની જાણ ભત્રીજીને હોવાથી પોતાની કરતૂત છૂપાવવા સગીરા પર દુષ્કર્મ માટે પોતાના મિત્રની મદદ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. આ દિશામાં પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.