પ્રશ્ન: મેં બી.કોમ. સુધી અભ્યાસ કર્યો છે, પણ આગળ ભણવાની ઈચ્છા નથી. મને પોલીસ અથવા ટેલિફોન ઑપરેટર બનવામાં રસ છે. એના વિશેની માહિતી નથી. હું શું કરું?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર: આજકાલ સ્નાતક થઈ ગયા પછી વિવિધ વ્યવસાયલક્ષી એક વર્ષના ડિપ્લોમા કોર્સ અથવા છ મહિનાના સર્ટિફિકેટ કોર્સ વિવિધ કોલેજોમાંથી કરી શકાય છે. એના માટે તમે વોકેશનલ ગાઈડન્સ સેન્ટર, નવરંગપુરા, અમદાવાદનો સંપર્ક સાધી વિગતવાર માહિતી મેળવી શકો છો. પોલીસખાતામાં ભરતી થવા માટે અવાનરનવાર છાપાંઓમાં આવતી જાહેરાત પર ધ્યાન રાખવું અને તમને અનુકૂળ લાગતી જગ્યા માટે અરજી કરવી.
પ્રશ્ન: મારી ઉંમર ૨૨ વર્ષ છે. થોડા સમય પહેલાં મારી સગાઈ જે યુવક સાથે કરવામાં આવી એ મને બિલકુલ પસંદ નહોતો, પણ માતા-પિતાના દબાણથી મારી સગાઈ થઈ હતી. હું તેની સાથે હરવા ફરવા ગઈ, પણ મને એનો સ્વભાવ અને વર્તન ન ગમતાં મેં સગાઈ તોડી નાખી. મને હવે બીજાં લગ્ન કરવાની ઈચ્છા નથી થતી, કારણ કે મને શરમ આવે છે. લોકો મને શંકાની નજરે જુએ છે એવું જ લાગે છે. હું શું કરું?
એક યુવતી (વડોદરા)
ઉત્તર: એક વાર કોઈ કારણસર સગાઈ તોડી નાખવાથી કે તૂટી જવાથી નિરાશ ન થઈ જવું. બળજબરીપૂર્વક કરેલાં લગ્ન દાંપત્યજીવનમાં ક્લેશ ઉત્પન્ન કરી શકે છે. તમને એ યુવક પસંદ નહોતો, એના માટે પણ કોઈ ચોક્કસ કારણ જવાબદાર હશે જ. એમાં પરેશાન થવાની જરૂર નથી. આ સમાજમાં તો જેટલાં મોં એટલી વાતો થાય છે. માટે ડરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં યોગ્ય પાત્ર મળતાં તમે લગ્ન કરી સુખી દાંપત્યજીવનની શુભ શરૂઆત કરો.