હું ૨૦ વર્ષનો છું. મારી ઉંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ છે. તેમજ વજન ૧૦૦ કિ.ગ્રા. છે. કોલેજમાં બધા મને ચીઢવે છે. આથી મને ઘણી શરમ આવે છે. વજન કેવી રીતે ઓછું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
* તમારું વજન જરૂર કરતા ઘણું વધારે છે. આથી તમારે ઘણી મહેનત કરવી પડશે. સૌ પ્રથમ તો ગળ્યું ખાવાનું બંધ કરી દો. ખાંડ વગરની ચા પીવાની આદત રાખો. ચાર-પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું રાખો. જોગિંગ કરો. સ્વિમિંગ પણ આદર્શ વ્યાયામ છે. આ ઉપરાંત બેડમિંગ્ટન જેવી રમતો રમો. આ ઉંમરમાં વધુ ડાયેટિંગ કરવું યોગ્ય નથી. આથી વ્યાયામ પર ધ્યાન આપો. શક્ય હોય તો કોઇ જીમનેશિયમમાં નામ નોંધાવી કોઇ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. કોઇની સલાહ વિના વ્યાયામ કરવો યોગ્ય નથી.
હું ૧૭ વર્ષની છું. મને છેલ્લા દોઢ વરસથી માસિક શરૂ થયું છે. પરંતુ ક્યારે બે-ત્રણ મહિનામાં એક વાર તો ક્યારે એક મહિનામાં બે-ત્રણ વાર માસિક આવે છે. તો ક્યારેક સફેદ રંગનો ડિસ્ચાર્જ પણ થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
* શરૂઆતમાં બે-ત્રણ વર્ષ સુધી માસિક અનિયમિત હોય એ સામાન્ય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી તેમજ દવાની પણ જરૂર નથી. સફેદ રંગના ડિસ્ચાર્જનો પ્રશ્ન છે તો કોઇ ગાયનેકોલોજીસ્ટને મળીને ઇન્ફેક્શન છે કે નહીં એની તપાસ કરાવો. આ દરમિયાન તમારા માસિકની અનિયમિતતા વિશે પણ તેમની સલાહ લેજો.