પ્રશ્ન : મારી પત્નીને દરેક કામમાં મારી જ ભૂલ દેખાય છે અને તે નાની નાની વાતમાં રોવા લાગે છે. આના કારણે અમારી વચ્ચે કારણ વગર બહુ ઝઘડા થાય છે. આ સમસ્યાનો ઉકેલ શું છે? એક પુરુષ (સુરત)
ઉત્તર : તમારી પત્નીનાં આવાં વર્તન પાછળ કોઇ નક્કર કારણ ન હોય તો કોઇ માનસિક સ્થિતિ જવાબદાર હોઇ શકે છે. પતિ અને પત્ની બંનેની જવાબદારી અલગ અલગ હોય છે. બંનેનાં સ્ટ્રેસનાં કારણો અલગ અલગ હોય છે. જ્યારે બંને પોતપોતાનો સ્ટ્રેસ મેનેજ કરવાને બદલે એકબીજા પર ઢોળવાનો પ્રયાસ કરે છે ત્યારે કારણ વગર ઝઘડાઓ થાય છે અને માનસિક સમસ્યા ઉભી થાય છે.
પુરુષ આખો દિવસ ટ્રાફિકજામથી લઇને ઓફિસની ટીક ટીકમાંથી ઊંચો આવતો નથી. ઘણી વખત પુરુષોની અકળામણનું સોફ્ટ ટાર્ગેટ માત્ર ઘર સંભાળતી પત્ની જ હોઇ શકે છે. જો પત્ની હંમેશાં પતિનાં આવાં વર્તનનો ભોગ બનતી હોય તો તેની માનસિક પરિસ્થિતિ કથળી શકે છે.
તમે પહેલાં તમારું વર્તન તપાસો. તમારું પત્ની સાથેનું વર્તન એવું તો નથી ને કે જેથી પત્નીને તે ઉપેક્ષિતા હોય એવી લાગણી થાય. જો તમારું વર્તન નોર્મલ હોય પણ આમ છતાં તમારી પત્ની આવું વર્તન કરતી હોય તો કોઇ મનોચિકિત્સકની સલાહ લેવી જોઇએ. લગ્નજીવનમાં આવી રીતે વારંવાર કારણ વગર ઝઘડા થતા રહે એ સુખી લગ્નજીવન માટે યોગ્ય નથી.
પ્રશ્ન : મારા બે વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને મારું લગ્નજીવન બહુ સારી રીતે ચાલી રહ્યું છે. મારી પત્ની બહુ મળતાવડી છે જેના કારણે મારા મિત્રો સાથે પણ તેની સારી મિત્રતા થઇ ગઇ છે અને તેઓ અંગત સમસ્યાઓ પણ શેર કરે છે. મને મારી પત્નીની વફાદારી પર સંપૂર્ણ વિશ્વાસ છે પણ મારા મિત્રો સાથેની તેની નિકટતા મને ખાસ ગમતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ નિકટતાને કારણે મને થોડી ઇર્ષા પણ થાય છે. આ સમસ્યાના સમાધાન માટે મારે શું કરવું જોઇએ? એક પુરુષ (વડોદરા)
ઉત્તર : તમારી સમસ્યાને સમજી શકાય છે. એ વાત સારી છે કે તમે પોતે અસલામતીની લાગણીનો સામનો કરી રહ્યા હોવા છતાં શું સાચું છે અને શું ખોટું છે એ સ્પષ્ટ રીતે સમજો છો. તમારે યાદ રાખવું જોઈએ કે લોકો એકબીજા સાથે વાત કરે અથવા તો એકબીજા સાથે સમસ્યા શેર કરે એ બહુ સામાન્ય છે.
તમારે તમારા મિત્રના દૃદ્રષ્ટિકોણથી વસ્તુઓ જોવાની અને સમજવાની પણ જરૂર છે. તે આ વિશે બીજા કોઈની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ હોય તો મિત્રતાના દાવે પણ પોતાની સમસ્યા એકબીજા સાથે શેર કરી શકે છે. જો આમ છતાં તમને આ વાત સતાવતી હોય તો તમારી પત્ની સાથે તમારી ભાવનાઓ અને આરામ વિશે વાત કરો. આ કરવાથી તે તમારી પરિસ્થિતિને સમજી શકશે.