એલાર્મ વાગતાં મેં મચ્છરદાનીમાંથી હાથ કાઢી સૂતાં સૂતાં એલાર્મ બંધ કરવાનો વિચાર કર્યો, પરંતુ ઘડિયાળ આડી પડી ગઈ. જેમતેમ સીધી કરી એલાર્મ બંધ કર્યું. એલાર્મ બંધ થતાં જ સવાર જરા ખામોશ થઈ ગયેલી લાગી. બાજુમાં સૂઈ રહેલા પતિ પર નજર ગઈ તો ઈર્ષા થઈ કે તેમની પાસે મીઠી ઊંઘ માણવા માટે હજુ એક કલાક બાકી છે.
નણંદ મીનાના રૂમની લાઈટ ચાલુ હતી. તે વાંચતી હતી. પી.એમ.ટી.ની તૈયારી કરતી હતી. તેને જોઈ તેને પોતાનું બાળપણ યાદ આવી ગયું. ખબર નહોતી કે ક્યું મહાન કાર્ય કરવા માટે તેનો જન્મ થયેલો છે. કશું સ્પષ્ટ નહોતું છતાં સરસ મજાના દિવસોની અનેક કલ્પનાને સમેટી લઈ તે ભણવામાં લાગી જતી કારણ કે એ સપનાંને સાકાર કરવા માટે એક જ માર્ગ હતો ભણવાનો અને ખૂબ જ ભણવાનો. આવું મને કહેવામાં આવેલું.
શાળાના અંતિમ વર્ષમાં મારો સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો હતો. ૮૬ ટકા માર્ક્સ આવ્યા હતા. આજે પણ મને યાદ છે કે મને છોકરો નહીં છોકરી હોવાનો ગર્વ હતો. આ ગર્વ વધતો જતો હતો કારણ કે હું ભણવામાં હોશિયાર હતી.
બીજા એક-બે વર્ષમાં ખૂબ જ સ્વાભાવિક ઢંગથી લગ્નની વાત થવા લાગી. જેવી રીતે સવાર પછી બપોર અને બપોર પછી સાંજ આવે છે, ગરમી પછી વરસાદ અને વરસાદ પછી ઠંડી. આશ્ચર્યની વાત તો એ હતી કે મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે લગ્ન કોઈ અડચણ પેદા કરશે અથવા લગ્ન ન કરવાં જોઈએ. કદાચ એટલા માટે કે હું જાણતી હતી કે લગ્ન તો એક દિવસ થવાના જ છે. કદાચ એટલા માટે હું મનમાં ને મનમાં રાહ જોતી હતી કે લગ્ન થઈ જાય. કદાચ એટલા માટે મમ્મીપપ્પા કરતાં અજાણ્યો માનવી મને વધુ પોતાનો લાગતો હતો કે જીવનમાં રાજકુમારનું રૂપ લઈને આવવાનો હતો. કદાચ એટલા માટે કે એ સોનેરી સપનાં એ માધ્યમ દ્વારા સાચા પડશે એવું મને લાગતું હતું.
મેં રસોડામાં જઈ ચા માટે પાણી મૂક્યું. વાસણ સાફ કરવાનાં હતાં, પરંતુ સવારે ઊઠીને વાસણ માંજવાનું કોને ગમે? હું વિચારવા લાગી કે કાશ, હું મારા મનની મરજી મુજબ કામ કરી શકતી હોત.. ટીવી પર જોગિંગ કરતી છોકરીઓને જોતી ત્યારે થતું કે બધી જંજાળ છોડી, બારણું ખોલી બહાર નીકળી જાઉં અને સવારની ઠંડી હવામાં મારા તનમનને તાજગી આપું, પરંતુ..
મેં મીના માટે પણ ચા બનાવી લીધી હતી. તેની તરફ મારી લાગણીઓ ઊભરાઈ રહી હતી. વિચારતી હતી કે ચા આપીશ ત્યારે તે કેટલી ખુશ થશે. પ્રેમથી મને જોશે. આંખોમાં કૃતજ્ઞાતાના ભાવ હશે. તેની પ્રેમભરી નજર થતાં હું તેની તમામ મૂર્ખામીઓ ચલાવી લઈશ, પરંતુ જ્યારે હું ચાનો પ્યાલો લઈને મીના પાસે ગઈ અને ટેબલ પર મૂક્યો ત્યારે તેણે નજર પણ ઊંચી ન કરી, જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી! આટલી ઉપેક્ષા! હું હોઉં કે ન હોઉં કશાનું મહત્ત્વ જ નથી? આ હર્યાભર્યા કુટુંબમાં સૌની હાજરીનો, સૌની પસંદ-નાપસંદનો, સૌના ગુસ્સાનો ખ્યાલ સૌને છે. બસ, એક હું જ છું કે જેના તરફ કોઈ ધ્યાન આપતું નથી! જાણે કે હું એક પવનની લહેરખી છું જે જરૂરી છે, જેના વિના કશું કામ થઈ શકતું નથી છતાં તેની તરફ કોઈ ધ્યાન જ આપતું નથી! જવા દો મીનાની વાત. પછી બીજી જ પળે મનમાં વિચાર આવ્યો કે શા માટે મનમાં દુ:ખ કરવું? વરસ બે વરસમાં તો તેનાં લગ્ન થઈ જશે. પછી કદાચ આરામ મળશે. ઓછામાં ઓછું આટલું તો નહીં સહેવું પડે. ખબર નહોતી મારે શાની જરૂર હતી! ક્યારેક વિચારતી કે મારી ડોક્ટર બનવાની ઇચ્છા પૂરી ન થઈ તો ઓછામાં ઓછું એને તો મોકો મળવો જોઈએ, પરંતુ તરત સ્વાર્થ મારા મનનો કબજો લઈ લેતો કે મૂરખ ના બન. મીનાનો અભ્યાસ એટલે સુધીર પર બોજો, આર્થિક ભાર, માનો મીના પ્રત્યેનો લાડપ્યાર અને મારા તરફ ઉપેક્ષા, મીનાનો ઘમંડ. આ બધાનો ઉકેલ માત્ર તેનાં લગ્નથી જ આવી શકે તેમ છે. પછી કદાચ હું અને સાસુમા થોડા નજીક આવી શકીશું. ઓછામાં ઓછું આ પરાયાપણું તો દૂર થઈ જશે.
હવે એ દિવસ નજીક આવતો લાગી રહ્યો હતો. કાલે રાત્રે સુધીર અને મમ્મીને મોડે સુધી ધીમેથી વાતો કરતાં જોયાં હતાં. બંને મને તો જાણે કશું સમજતાં જ નહોતાં! સલાહસૂચનની વાત તો દૂર રહી પણ જાણ કરવાનું પણ જરૂરી સમજતા નહોતાં.
આખરે હું પણ મારાં મમ્મીપપ્પાની એકની એક ‘સીમા’ છું. જે કેટલી સમજદાર, સુઘડ અને બુદ્ધિશાળી હતી.
પરંતુ અહીં આવીને બધા ગુણો ક્યાં ખોવાઈ ગયા એ ખબર ના પડી. હવે તો આત્મવિશ્વાસ પણ ડગમગવા લાગ્યો હતો. એવું લાગતું જ નહોતું કે દરેક ચર્ચાસભાની સ્પર્ધામાં હું જીતી જતી હતી. હવે તો સુધીર ક્યારેક કોઈ દોસ્ત સાથે ઓળખાણ કરાવે છે ત્યારે હું અચકાઈ જાઉં છું.
ખેર, માદીકરાના કેટલાક ત્રુટક ત્રુટક શબ્દો કાને પડતા હતા. એનો અર્થ માત્ર એટલો જ હતો કે એક આર્મી ઓફિસરને પટાવી લેવાની વાત હતી. ખાનદાન ઊંચું હતું. સૌથી મોટી વાત દહેજ ન લેવાની હતી. આવા ઘરને તે લોકો છોડવા માગતા નહોતા. હું વિચારવા લાગી કે જ્યારે મીના નામનો ઘંટ તેને ગળે વળગાડશે ત્યારે બિચારો આર્મી ઓફિસર રડશે.
આ વિચારની સાથે મનમાં મને પાંખો ફૂટી. આર્મી ઓફિસરનું નામ વિનોદ હતું. ત્રણ દિવસ પછી મીનાને જોવા આવવાના છે. મને વિશ્વાસ નહોતો બેસતો કે આટલો જલદી કાંટો નીકળી જશે. હું વિચારવા લાગી કે એટલી મોટી તૈયારી કરવી છે કે આર્મી ઓફિસર ફસાયા વિના ન રહે. આમ પણ મીના દેખાવમાં સારી જ છે. મારી ગુલાબી કાંજીવરમ સાડી પહેરાવીશ, સાથે મોતીનો સેટ, જનાબ દેખતા રહી જશે.
જ્યારે સાસુમાએ આ સમાચાર સંભળાવી તૈયારી કરવાનું કહ્યું ત્યારે પહેલાવાળી ‘સીમો’ બની ગઈ હતી. મેં સાસુમાને કહ્યું, ‘તમે જરા પણ ચિંતા ન કરશો. હું બધું બરાબર સંભાળી લઈશ.’
સૌપ્રથમ મેં નાસ્તાનું લિસ્ટ તૈયાર કર્યું. ગાજરનો હલવો, અડદની કચોરી ઘરમાં બનાવી લઈશું. બાકીની ચીજવસ્તુ બહારથી મગાવી લઈશું. હું વિચારવા લાગી કે રૂમની સજાવટ કેવી રીતે કરું કે જેથી રૂમ ઉપયોગિતાની દ્રષ્ટિએ નહીં પણ ગૃહસજાવટની નજરથી વધુ આકર્ષિત લાગે. હું દોડીને લગ્ન પહેલાંના ભરત ભરેલાં ખૂબસૂરત કુશન કવર ઉઠાવીને લઈ આવી અને કુશન પર ચડાવી દઈ સાસુમાને કહ્યું, ‘આપણે કહીશું કે આ કુશન કવર મીનાએ તૈયાર કરેલા છે.’
સાસુમાની નજરમાં ફેરફાર દેખાતો હતો. પિત્તળનું ફ્લાવરવાઝ, નવું ટેબલક્લોથ પાથરવામાં આવ્યું હતું. ઘરને સાફ કરીને ચકચકિત બનાવી દીધું.
સાસુમાએ બેવાર કહ્યું, ‘બેટા, હવે બસ કર, થાકી જવાશે.’
સુધીર તો જોતો જ રહી ગયો. જાણે તેણે મને ક્યારેય જોઈ જ નથી! વિચાર્યું, ચાલો પરિશ્રમ સફળ થયો. પણ હજુ ક્યાં થયો છે? પરીક્ષાનો ખરો સમય તો હજુ હવે આવવાનો છે. ત્રણ દિવસ પસાર થઈ ગયા એનું ભાન જ ના રહ્યું. મીના બહુ જ ઉદાસ હતી. તે પોતાના તમામ પ્રયાસ કરી છૂટી હતી અને હવે હથિયાર હેઠાં નાખી દીધાં હતાં. ન ભાઈ સાંભળતો હતો કે ન મમ્મી કાને વાત ધરતી હતી. તેને લગ્ન કરતાં બીજું કશું જરૂરી લાગતું હતું, પરંતુ કોઈ તેના પર વિશ્વાસ કરતું નહોતું. તેમની નજરમાં તો પરીક્ષા, ભણતર, ભવિષ્ય બધું બેકાર હતું. તેમને મન સારું ભવિષ્ય એટલે સારો છોકરો અને તેની સાથેના લગ્ન.
મીનાનું નિરુત્સાહ થવાનું મને સમજાતું હતું, પરંતુ તે દિવસે કે જ્યારે છોકરાવાળા તેને જોવા આવવાના હતા ત્યારે તેને ધ્યાનથી જોઈ તો દિલ થડકારો ચૂકી ગયું. મીનાના ચહેરા પર રોનકનું તો નામોનિશાન નહોતું. તૈયાર કરવા ગઈ તો મને જાણે ગળી જવાની હોય તેવી નજરેજોઈને બોલી, ‘ભાભી, મને તંગ ન કરો. મેં કહ્યું ને કે મારે ઠઠારો નથી કરવો.’