હું ૨૪ વર્ષનો છું. મારાથી મોટી ઉંમરની એક મહિલા સાથે મારો પરિચય થયો. તેણે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યો હતો. તે રોજ રાત્રે સેક્સ માટે મને મજબૂર કરે છે. હવે હું આ મામલા પર પૂર્ણવિરામ મૂકવા માગું છું. પરંતુ તે તૈયાર નથી. શું કરવું તે મને સમજ પડતી નથી.
એક યુવક (ગુજરાત)
સેક્સ જેવી બાબતમાં કોઇ મજબૂર કરી શકે એ માન્યમાં આવતું નથી. તમારો ઇરાદો હોય નહીં તો કોઇ તમને મજબૂર કરી શકતું નથી. આથી આમા તમારી ઇચ્છા પણ સામેલ છે એ વાત સ્પષ્ટ છે. તમારે આ સંબંધ સમાપ્ત કરવો હોય તો તાબડતોબ એની સાથે વાત કરવાનું બંધ કરી દો અને તે બોલાવે તો પણ તેને ઘરે જાવ નહીં. તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે હવે એની સાથે સંબંધ રાખવા માગતા નથી.
હું ૩૦ વર્ષનો છું. મારી સમસ્યા એ છે કે છેલ્લા સાત-આઠ મહિનાથી મારા હાથ કાંપે છે. માથાના વાળ પણ ખરવા માંડયા છે. તેમજ બેઠા પછી ઊભો થાઉં છું તો મને ચક્કર આવે છે. આ માટે મેં ડૉક્ટરની સલાહ લઇને દવા પણ કરી પરંતુ ફાયદો થતો નથી. મારી સમસ્યાઓનું સમાધાન સૂચવવા વિનંતી.
એક ભાઇ (વલસાડ)
તમારા પત્ર પરથી લાગે છે કે તમે એન્ઝાઇટી ડિસઓર્ડરનો ભોગ બન્યા છો. આમા ઘણા લોકોનો શ્વાસ ફૂલે છે અને હાથ-પગ કાંપે છે. એક અજાણ ડર મનમાં રહે છે. આના ઇલાજ માટે રિલેક્સેસન વ્યાયામ, યોગ અને દવાઓ જ છે. તમારે કોઇ મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.
મારા એરેન્જડ મેરેજ છે. મારા લગ્નને બે વરસ થયા છે. મારી પુત્રીના જન્મ સુધી બધુ ઠીકઠાક ચાલતું હતું. એ પછી મેં નોકરી બદલી અને હવે મારે વધારે કલાક કામ કરવું પડે છે. પરંતુ મારો પગાર પણ સારો છે. હવે અચાનક જ મારી સાસુનું વર્તન બદલાઇ ગયું છે. અને તેઓ નાની નાની વાતે મારી ભૂલ કાઢ્યા કરે છે. શું કરવું એ મને સમજાતું નથી.
એક બહેન (અમદાવાદ)
શું તમે પુત્રીને જન્મ આપ્યો એટલે તેઓ નારાજ છે? આ ઉપરાંત ઘરના કામ એકલપંડે કરતા પણ તેઓ થાકી જતા હશે. આ ઉંમરે કામનો બોજો તેમને થકવી મૂકતો હશે. શિશુ તેમજ ઘરની જવાબદારી સંભાળવામાં તેમને મુશ્કેલી પડતી હોવાની શક્યતા છે. તેમની સાથે ચર્ચા કરી આનું કારણ પૂછો અને તેમના પર કામનો બોજો વધુ હોય તો કોઇ બાઇ રાખી તેમને થોડો આરામ મળે એવું કરો. તેમને થોડો આરામ મળે એવો વિકલ્પ શોધો. તો પરિસ્થિતિ સુધરી જશે.