મારી કોલેજનો એક યુવાન મને ખૂબ ગમે છે, પણ એ બીજી યુવતીને પ્રેમ કરે છે. મેં એ યુવતીને અન્ય યુવાનો સાથે ફરતાં જોઇ અને એને કહ્યું તો એ યુવાન…

social

પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું. હાલમાં હું ઓફિસના સહકાર્યકર સાથે ડેટ કરી રહી છું. મને તેની સાથે સમય પસાર કરવો ગમે છે. મારો આ સહકાર્યકર ડિવોર્સી છે. મારે તેની સાથે વાતચીત કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (વડોદરા)

ઉત્તર : જ્યારે તમે કોઈ એવા પુરુષને ડેટ કરી રહ્યા છો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે એક વસ્તુ નક્કી છે કે તેની પૂર્વ પત્ની પણ હશે અને તેની માનસિક પરિસ્થિતિ થોડી જટિલ હશે. આ કારણોસર જ જે પુરુષના છૂટાછેડા થઈ ગયા હોય તેને ડેટ કરવાનું થોડું મુશ્કેલ છે. કદાચ તે પહેલાંથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય તો માનસિક રીતે પણ થોડો કંટાળી ગયો હોય છે.

જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે. તમે જ્યારે ડેટિંગ કરી રહ્યા હો ત્યારે પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં.

તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો. તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારના સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો. ડિવોર્સી યુવક સાથે સંબંધો વધારવામાં કંઇ ખોટું નથી પણ એના ફાયદા અને નુકસાન બંનેને સ્વીકારવાની માનસિક તૈયારી હોવી જોઇએ.

પ્રશ્ન : મારી કોલેજનો એક યુવાન મને ખૂબ ગમે છે, પણ એ બીજી યુવતીને પ્રેમ કરે છે. મેં એ યુવતીને અન્ય યુવાનો સાથે ફરતાં જોઇ છે. મેં આ અંગે એ યુવાનને વાત કરી, તો એ માને છે કે હું એનો પ્રેમ મેળવવા માટે ખોટું બોલું છું. મારે શું કરવું? એક યુવતી (સુરત)

ઉત્તર : તમે તમને ગમતા યુવાનને દુ:ખ ન થાય એ માટે એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ તમારા માટે જો આવી ગેરસમજ ધરાવતો હોય તો પછી એ તમારા પ્રેમ કે લાગણીને યોગ્ય નથી એમ માની લો. જો તે એમ માનતો હોય કે તમે તેની ગર્લફ્રેન્ડ વિશે ખોટો પ્રચાર કરી રહ્યા છો તો એ વાત સ્પષ્ટ છે કે તેનાં મનમાં તમારી હકારાત્મક ઇમેજ નથી.

તમે એને જેટલું સમજાવાનો પ્રયાસ કરશો તમારી ઇમેજ તેનાં મનમાં વધારેને વધારે ખરાબ થતી જશે કારણ કે તેની આંખો પર પ્રેમનો પાટો બાંધેલો છે. જો કોઇ સમજદાર યુવક હોય તો તેણે સમજવું જોઇએ કે કોઇ પણ યુવતી જાણીજોઇને અન્ય યુવતીની બદનામી ન કરે અથવા પોતાનો પ્રેમ મેળવવા માટે આવી કોઇ ખોટી વાત ન કહે. જો એ ન માનતો હોય તો પછી એને કહેવાનો કે સમજાવવાનો પ્રયત્ન ન કરશો. હકીકત ક્યારેય હંમેશાં માટે સંતાડી શકાતી નથી. એક દિવસ તમારા ફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડની હકીકત ખબર પડી જ જશે અને એ દિવસે તેને અહેસાસ થશે કે તમારી વાત સાચી હતી. જે દિવસે એ યુવકને તમારી વાત સાચી હોવાનો અહેસાસ થશે તે દિવસે એ તમારી લાગણીની કદર કરશે. તમારે હાલમાં તો ધીરજપૂર્વક આ દિવસની રાહ જોવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.