ગુણ અને દોષ મિશ્રણથી જ માણસ બને છે, એટલે જ એ ‘માણસ’ કહેવાય છે. નહીંતર એ ‘દેવતા’ કે ‘શેતાન’ ન કહેવાતો હોત ? જે જેવું હોય, તેવું સ્વીકારી લેવાય, ત્યારે જ દામ્પત્યજીવનમાં સામંજસ્ય શક્ય બને છે. કોઈ કુટેવ માટે પતિને મહેણાં સંભળાવવાથી નાની નાની વાતમાં તેને જવાબદાર ઠેરવવાથી કે એની નિંદા કરતા રહેવાથી કંઈ નહીં વળે, સંબંધો વધુ કડવા બનશે.
લતા આજે એની બહેનપણી મનીષાને મળવા જવાની હતી. રસ્તામાં લતા વિચારતી હતી કે મનીષા સુંદર તો હતી જ. લગ્ન પછી તો એની સુંદરતા ઓર ખીલી ઊઠી હશે. લગ્નજીવનની શરૂઆતમાં ઉલ્લાસભર્યો દમકતો ચહેરો, નવા નવા પોશાક અને ઘરેણાંથી શોભતી મનીષા કેટલી સુંદર દેખાતી હશે ! આમ, વિચારતી એ મનીષાના ઘેર જઈ પહોંચી. ડોરબેલ વગાડતાં મનીષાએ બારણું ખોલ્યું, તો આ શું? મનીષાનો ઉદાસ ચહેરો, અસ્તવ્યસ્ત કપડાં.. લતા તો આ જોઈને આભી જ બની ગઈ.
પોતાની પાકી બહેનપણી લતાને ચા-નાસ્તો આપતી વખતે મનીષાએ ચોધાર આંસુ સારતાં પોતાની મનોવેદના કહી સંભળાવી. લતા એની ખાસ બહેનપણી હોવાથી મનીષાનું દુ:ખ સમજતાં એને વાર ન લાગી. સારાં કપડાં, હરવુંફરવું, મોજ માણવી, એવા કોડ દરેક યુવતીના મનમાં હોય છે, પરંતુ એ કોડ પૂરા કરવા માટે ઢગલો પૈસા જોઈએ. જે બધાંની પાસે નથી હોતા. ખાસ કરીને દામ્પત્યજીવનની શરૂઆતમાં જ્યારે નવો ઘરસંસાર વસાવવાનો હોય, ત્યારે તો નહીં જ.. મનીષાને પણ આવું જ બન્યું હતું. મર્યાદિત આવક અને ઘરની જવાબદારીઓને લીધે મનીષાનો પતિ એના માટે પહેરવા પોશાક અને હરવાફરવા માટે ખર્ચ કરી શકે એમ નહોતો. આમ તો એ સમજદાર, ગુણિયલ અને સહૃદયી પતિ હતો, મનીષાને અત્યંત ચાહતો પણ હતો, પરંતુ હજી અણસમજુ મનીષાને એની કદર કરતાં નહોતું આવડતું. એ પોતે તો દુ:ખી રહેલી અને પતિને પણ મહેણાં સંભળાવી આઘાત પહોંચાડયા કરતી.
રમા ખૂબ ચંચળ અને નટખટ યુવતી હતી. આખો દિવસ મજાકમસ્તી કરતી રહેતી, જ્યારે એના પતિનો સ્વભાવ એનાથી સાવ વિપરીત હતો. એ ફિલોસોફીના લેક્ચરને વાંચી વાંચીને આંખો નબળી થઈ ગઈ હતી, તેથી એ જ્યારે ચશ્માંના જાડા કાચમાંથી રમા તરફ જોતા, ત્યારે રમાનું દિલ દુ:ખી થઈ જતું. ”ના ના, આ માણસ મારાં શમણાંનો રાજકુમાર નથી..” આવા પુરુષ સાથે આખી જિંદગી હું કેવી રીતે જીવી શકીશ? બસ, દરરોજ આવા વિચારોમાં રમાનું હાસ્ય ક્યાં વિલાઈ ગયું, તેની ખબર જ ન પડી અને એને જીવન બોજરૂપ લાગવા માંડયું.
બેલાએ જતીનનો ફોટો જોયો ત્યારે જતીનનું પ્રભાવશાળી વ્યક્તિત્વ એને ગમી ગયું. બંને વચ્ચે કેટલીક મુલાકાતો થઈ. બેલાને એ ખૂબ અત્યંત ગમી ગયો. રૂપિયા તો જાણે જતીન બંને હાથે છૂટથી ઉડાવતો. એણે એક વાર વેઈટરને ટિપ પણ આપી હતી. ૧૦૦ રૂપિયા ટિપમાં આપ્યા, ત્યારે જ બેલાએ જતીન સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ લગ્ન પછી બીજા જ દિવસે જતીનને ધંધાના કામે બહારગામ જવું પડયું, ત્યારે બેલાને આંચકો લાગ્યો. જતીનનો વેપાર મોટા પાયે વિસ્તરેલો હતો. વળી, સંયુક્ત કુટુંબમાં રહેતો હોવાથી એણે મર્યાદામાં રહેવું પડતું. વધુ ને વધુ કમાવાની લાલચે જતીન બેલાથી દૂર રહેતો. પરિણામે, બેલાના મનમાં વિનાકારણે શંકા ઘર કરી ગઈ કે જતીનનું કોઈ બીજી સ્ત્રી સાથે લફરું હશે, એટલે જ એ એનાથી દૂર રહે છે.
વિનીતાનું ઉદાહરણ આ બધાંથી જરા જુદું છે. એ જ્યારે પરણીને સાસરે આવી, ત્યારે એના પતિ રાજેશે પોતાની આર્થિક અને કૌટુંબિક સ્થિતિ વિશે પૂરી સ્પષ્ટતા કરી દીધી. ઉપરાંત, એણે વિશ્વાસ પણ દાખવ્યો કે વિનીતા ઘરનું કામકાજ અને ઘરડાં બાની સંભાળ રાખવા ઉપરાંત વેપારમાં પણ પોતાને મદદ કરશે. રાજેશની વાત સાંભળી વિનીતાને શરૂઆતમાં તો ન ગમ્યું, પરંતુ પછી એણે એકાંતમાં નિરાંતે વિચાર કર્યો, ત્યારે એને પતિની વાત યોગ્ય લાગી. એનું કારણ એ હતું કે રાજેશને વેપાર અંગે અવારનવાર બહારગામ જવું પડતું. આથી વિનીતાએ ઘરની સાથોસાથ વેપાર પર ધ્યાન આપવાનું પણ શરૂ કરી દીધું. આજે બંને બહુ સુખી દામ્પત્યજીવન વિતાવે છે.
ઘણી વાર લગ્ન પછી સચ્ચાઈનો સામનો થતાં યુવતીનાં શમણાં ધૂળમાં રગદોળાઈ જાય છે, છતાં એ શમણાં છે, સચ્ચાઈ નથી, એ યાદ રાખવું જોઈએ. શમણાં જ્યાંસુધી શમણાં રહે, ત્યાંસુધી જ તે સારાં લાગે છે. જ્યારે તે વાસ્તવિકતામાં બદલાય, ત્યારે તેમનો સામનો કરવાનું અઘરું લાગે છે. પરિણામે જીવન નીરસ બની જાય છે. ખરી સમજદારી એ કહેવાય, જ્યારે શમણાં અને સચ્ચાઈનો યોગ્ય સુમેળ સાધવામાં આવે. વિનીતાના કિસ્સામાં જે રીતે બન્યું, એ રીતે મનીષાએ નાદાનીને કારણે જાતે જ પોતાનું જીવન દુ:ખી બનાવી દીધું હતું. ઘરેણાં અને પોશાકના શોખને મર્યાદિત રાખવો જોઈએ. તેને જીવનનું ધ્યેય ન બનાવી દેવાય. એનું કારણ એ છે કે તેના લીધે મળતી ખુશી લાંબો સમય ટકતી નથી, જ્યારે સાચો પ્રેમ આજીવન સાથે રહે છે. આનાથી મળતી ખુશી અમર્યાદિત હોય છે. જીવનનું સાચું સુખ એક સમજદાર પતિનો સાથ જ આપી શકે છે.
રમાએ એ સમજવાની જરૂર હતી કે શમણાંનો રાજકુમાર જેવો આદર્શ પુરુષ કોઈ યુવતીને ક્યારેય મળતો નથી. એવું નહોતું કે રમાના પતિને હસવુંબોલવું પસંદ નહોતું. વાસ્તવમાં, એ જે વિષય ભણાવતા હતા, તે સાવ નીરસ હતો. છતાં રમાએ જો એમના અંતરમાં ડોકિયું કર્યું હોત, તો એને ખ્યાલ આવત કે એના પતિને એના પ્રત્યે કેટલો પ્રેમ હતો. રમાને મેળવીને એ કેટલા ખુશ હતા. તેમની નબળાઈ એ હતી કે એમને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં નહોતું આવડતું, પરંતુ થોડી ધીરજ, સમજદારી અને વિવેકથી એમને આ વાત સમજાવી શકાઈ હોત અને તો જીવન ઉદાસીને બદલે ખુશીઓથી છલકાઈ જાત.
બેલાએ લગ્ન પહેલાં જ નક્કી કરી લેવાની જરૂર હતી કે પતિ તરફથી એ શું ઇચ્છતી હતી. એ તો સ્પષ્ટ છે કે વેપાર-ધંધો કરનારો પતિ પત્ની માટે વધારે સમય ન જ ફાળવી શકે. જીવનમાં મનવાંછિત બધું પ્રાપ્ત નથી થતું, એટલે ક્યાંક તો બાંધછોડ કરવી જ રહી. ભાવુકતા અને ઉતાવળમાં સમજ્યાવિચાર્યા વિના લેવાતા નિર્ણય મોટા ભાગે સાચા નથી હોતા. કોઈ પ્રકારના પુરાવા વિના પતિના ચારિત્ર્ય પ્રત્યે શંકા કરવી પણ યોગ્ય નહોતી. રાજેસના કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો નહોતા, એ નિ:શંક બાબત હતી, પણ પત્નીની શુષ્કતાથી અકળાઈને કે કંટાળીને જો એ આ માર્ગે ગયો હોત, તો કોણ વધુ દોષિત ગણાત ? પતિ કે પત્ની ? સ્વાભાવિક રીતે પત્નીને જ દોષિત માનવામાં આવત.