સવાલ :દર મહિને મને માસિક તેના નિર્ધારિત સમય કરતાં આઠ-દિવસ મોડું આવે છે. કેટલીકવાર તોે પંદર દિવસ જેટલું મોડું થઈ જાય છે. આના લીધે ભવિષ્યમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (અમદાવાદ)
જવાબ: * માસિક મોડું આવવાની તકલીફ સ્ત્રીઓમાં સામાન્ય છે. વહેલું ગર્ભધારણ, હોર્મોનના પ્રમાણમાં ગરબડ માનસિક તાણ, લાંબો પ્રવાસ, બીજી કોઈ બીમારી મટાડવા તમે લેતાં હો તે દવાઓ, અંત:સ્ત્રાવ ગ્રંથિની ગરબડ વગેરે જેવાં અનેક કારણોના લીધે માસિક મોડું આવી શકે છે. આ સમસ્યાના વધુ ચોક્કસ નિદાન માટે ઉંમર, બીજી શારીરિક તકલીફો, બીમારીને લગતાં બીજા લક્ષણો વગેરે જેવી તમામ વિગતો જાણવી જોેઈએ. તેથી મને લાગે છે કે તમને માસિક શા માટે મોડું આવે છે તે નક્કી કરવા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરને મળશો.
સવાલ: હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ, ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયાં. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.
એક યુવતી (મુંબઈ)
ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે. તમે ભણેલાંગણેલાં અને પરિપક્વ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે ભણી શકો છો.