હું ૨૧ વર્ષની અપરિણીત યુવતી છું. મારે એક પુરુષ મિત્ર છે જે મારાથી દોઢ વરસ નાનો છે. અમારી વચ્ચે છેલ્લા પાંચ વરસથી પ્લેટોનિક લવ છે. અને એકબીજાને અમારા દિલની વાતો કરીએ છીએ. અચાનક જ હવે તેને મારી સાથે શારીરિક સંબંધ રાખવો છે. તે ચુંબનની માગણી કરે છે તેમજ તેને મારી સાથે શારીરિક છૂટછાટ પણ લેવી છે. પરંતુ મને તેની માગણી પસંદ નથી. હમણા મેં તેને મળવાનું છોડી દીધું છે. પરંતુ હું તેને અતિશય પ્રેમ કરું છું. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
એક યુવતી : (મુંબઈ)
આ છોકરા સાથે મૈત્રી ચાલુ રાખવાનો નિર્ણય લેતા પૂર્વે તમારે એ નક્કી કરવાનું છે કે શું તમે તેની સાથે શારીરિક નિકટતા જાળવવા તૈયાર છો? કારણ કે હવે આ પ્રશ્ન તમારી વચ્ચે આવવાનો જ છે. તમારી મૈત્રી શરૂ થઈ ત્યારે તમારી ઉંમર ઘણી નાની હતી. તે સમયે તમે બન્ને ઘણા નાદાન હતા. તમારો મિત્ર હજુ નાદાન છે. તે હજુ ૧૯ વરસનો જ છે આથી તેને ભણી-ગણીને કમાતા પણ હજુ ઘણા વરસ લાગશે.
તો શું તમે આટલી લાંબી રાહ જોઈ શકો છો? આગળ જતાં તમારા બન્નેમાંથી કોઈનો વિચાર બદલાશે નહીં એની તમને ખાતરી છે. આ ઉપરાંત ગંભીર સંબંધ બાંધવા માટે પણ તમારો મિત્ર નાદાન છે. આ ઉપરાંત લગ્ન પૂર્વેનો શારીરિક સંબંધ તમારે માટે જોખમ નોતરી શકે છે. તમે બન્ને ગંભીર હો તો થોડા વરસ સુધી રાહ જુઓ અને જીવનમાં સ્થાયી થયા પછી જ લગ્નનો વિચાર કરો ત્યાં સુધી શારીરિક સંબંધથી દૂર રહો.
હું ૨૩ વર્ષની છું. મારો અભ્યાસ હજુ ચાલુ છે. મારા મામા સાથે મને પ્રેમ છે. અમે તન, મન અને ધનથી એકબીજાના થઈ ચૂક્યા છીએ અમે એકબીજા વગર જીવી શકીએ તેમ નથી. શું અમે લગ્ન કરી શકીએ છીએ? અમે અમારા ઘરની ઇજ્જત પણ કલંકિત કરવા માગતા નથી. યોગ્ય વિકલ્પ સૂચવવા વિનંતી.
એક યુવતી : (ગુજરાત)
આપણા હિન્દુ સમાજમાં મામા-ભાણેજ લગ્ન કરવાની પરવાનગી નથી. કોર્ટ પણ આવા લગ્નને મંજુરી આપતી નથી. હિન્દુ ધર્મમાં નજીકના સગા વચ્ચે લગ્ન સંબંધ શક્ય નથી. આ ઉપરાંત આવા લગ્નને કારણે જન્મતા સંતાનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડવાની શક્યતા છે. આથી આ વિચાર છોડી દો. તમે જ વિચારો કે તમારી જ મમ્મીના તમે ભાભી બનશો. અને મમ્મી તમારી નણંદ બનશે.
શું આ તમને અજુગતું લાગતું નથી? તમારા બન્નેની ભલાઈ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ છે. હજુ પણ મોડું થયું નથી. અને હા, આ કારણે ઘરની ઇજ્જત બદનામ થવાની શક્યતા પણ છે. જે તમે નથી ઇચ્છતા. આથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ સંબંધ તોડી નાખો.