હું ૧૬ વરસની છું. મારી મમ્મી મારા નાના ભાઇને ઘણા લાડ કરે છે. પરંતુ મને તેના પ્રેમથી વંચિત રાખે છે. જો કે મારા પિતા મને પ્રેમ કરીને માતાના લાડની કમી દૂર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ પણ મારી મમ્મીને કંઇ કહી શકતા નથી. મારે શું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમલસાડ)
ઘણા ભારતીય ઘરોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. પુત્રીઓની અવગણના કરાય છે અને પુત્રોને માથે ચઢાવી દેવામાં આવે છે. સૌ પ્રથમ તમે તમારા પિતાને તમારા ડર અને દુ:ખની વાત કરો અને તમારી મમ્મી પાસે તે આમ કેમ કરે છે એનું કારણ જાણો. તમે તેના પ્રેમને તરસો છો અને તેનું આ વર્તન તમને ગમતું નથી અને દુ:ખી કરે છે એમ પણ તેને કહો. તમે તેને કેટલો પ્રેમ કરો છો. એની પણ તેને જાણ કરો. તે તેની ભૂલ સમજે તો ઠીક છે અને ન સમજે તો તમારા પિતાનો ટેકો લઇ તમે તમારો આત્મવિશ્વાસ વધારો.
હું ૩૩ વરસની છું. ૩૨ વરસના એક પરિણીત પુરુષના પ્રેમમાં છું. અમને બંનેને એક એક સંતાન છે. તે તેની પત્નીથી ખુશ નથી અને મને મારા પઝેઝિવ પતિથી અસંતોષ છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરવું જોઇએ?
એક બહેન (ગુજરાત)
તમારે એક એવા સમાજમાં રહેવું જોઇએ જ્યાં કોઇ નૈતિક્તા કે નિયમોના બંધન હોય નહીં. તમે જે વિચારો છો અને કરો છો એમાં માત્ર સ્વાર્થ જ જોવા મળે છે. અને આ નુકસાનકારક છે. તમારું દુ:ખ તમે પોતે જ ઊભું કર્યું છે અને તમે જ તમારું જીવન ગૂંચવી નાખ્યું છે. તમે તમારા પતિને દગો આપ્યો છે. તમારા પ્રેમીએ પણ તેની પત્નીનો વિશ્વાસઘાત કર્યો છે.
તમે બંને તમારા પરિવાર અને સંતાનોના ભવિષ્યને દાવ પર લગાડી રહ્યા છે. આથી મોડું થાય એ પૂર્વે સમજીને આ સંબંધ તોડી તમારા ઘર સંસારમાં જીવ પરોવો અને તમારા સંતાનનું ભવિષ્ય વિચારી દરેક નિર્ણય લો.