પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી)
ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે.
હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધવાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે. જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે.
સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.
પ્રશ્ન : હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું. એક મહિલા (વડોદરા)
ઉત્તર : પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.
ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.