હું ૨૭ વર્ષનો છું. પરંતુ મારો અવાજ અને ચાલ સ્ત્રીઓ જેવો છે. આના ઇલાજ માટે મેં ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઇ ફેર પડયો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક ભાઇ (મુંબઇ)
હાર્મોન્સને કારણે કોઇ પણ પુરુષના અવાજમાં બદલાવ તેના સેક્સના વિકાસ સાથે ૧૪-૧૫ વર્ષ સુધીમાં આવે છે. પરંતુ ૨૭ વર્ષ સુધી તમારો અવાજ પાતળો છે આથી હવે આ બાબતે ફેર પડવાની શક્યતા ઓછી છે. તમારે કોઇ સ્પીચ થેરપિસ્ટની સલાહ લેવાની જરૂર છે. શક્ય છે કે તેઓ તમારી સમસ્યા હળવી કરવામાં તમારી મદદ કરી શકે. આ સમસ્યાનો ભોગ તમારા જેવા ઘણા લોકો બન્યા છે. ઘણીવાર આપણે જીવન સાથે સમાધાન કરવું પડે છે.
અમારા લગ્નને ૧૨ વર્ષ થઇ ગયા છે. પરંતુ હજુ સુધી અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. તબીબી તપાસ પરથી જાણવા મળ્યું છે કે મારા પતિના વીર્યમાં શુક્રાણુ નથી ઘણી દવાઓ લીધા છતાં પણ ફાયદો થયો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક બહેન (ભાવનગર)
સૌ પ્રથમ તમારે તમારા પતિની ટેસ્ટીક્યૂલર બાયોપ્સી કરાવવાની જરૂર છે. રિપોર્ટ પરથી ખબર પડી કે તમારા પતિના અંડકોશમાં વીર્યકણ બનવાની ક્ષમતા નથી તો કોઇ પણ દવા કારગત નીવડી શકે તેમ નથી. તમારા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યામાં ઉણપ હશે તો કૃત્રિમ ગર્ભાધાનની કોઇ અત્યાધુનિક ટેક્નિકની મદદથી તમને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ આ બાબતે કોઇ પણ ગેરન્ટી આપી શકે તેમ નથી. આ બધી નસીબની વાત છે.
હું ૨૪ વર્ષનો છું. મારાથી મોટી ઉંમરની એક મહિલા સાથે મારો પરિચય થયો. તેણે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યો હતો. તે રોજ રાત્રે સેક્સ માટે મને મજબૂર કરે છે. હવે હું આ મામલા પર પૂર્ણવિરામ મૂકવા માગું છું. પરંતુ તે તૈયાર નથી. શું કરવું તે મને સમજ પડતી નથી.
એક યુવક (ગુજરાત)
સેક્સ જેવી બાબતમાં કોઇ મજબૂર કરી શકે એ માન્યમાં આવતું નથી. તમારો ઇરાદો હોય નહીં તો કોઇ તમને મજબૂર કરી શકતું નથી. આથી આમા તમારી ઇચ્છા પણ સામેલ છે એ વાત સ્પષ્ટ છે. તમારે આ સંબંધ સમાપ્ત કરવો હોય તો તાબડતોબ એની સાથે વાત કરવાનું બંધ કરી દો અને તે બોલાવે તો પણ તેને ઘરે જાવ નહીં. તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે હવે એની સાથે સંબંધ રાખવા માગતા નથી.