મારા જીવનની પહેલી નવરાત્રિ હશે જ્યારે હું ગુજરાત બહાર છું: કિર્તિદાન ગઢવી

GUJARAT

નવરાત્રિની સીઝન શરૂ થાય એટલે સ્વાભાવિક છે કે આપણે આપણા પસંદગીના ગાયકોની રાહ જોવા લાગીએ. આ વર્ષે ફક્ત શેરી ગરબાની પરમિશન મળી છે ત્યારે પાર્ટી પ્લોટની સાથે સાથે ખેલૈયાઓ તેમના ખાસ ગાયકોની ખોટ અનુભવી રહ્યા છે. આ ખોટની કંઈક અંશે પૂર્તિ કરવા માટે હાલમાં દુબઈના ગુજરાતીઓને ગરબે રમાડી રહેલા ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તિદાન ગઢવીની સાથે ગરબા, નવરાત્રિ અને ડાયરા વિશે રસપ્રદ વાતો કરી. અહીં જાણો શું કહ્યું કિર્તિદાન ગઢવીએ…

ગુજરાત અને NRIની નવરાત્રિનો ફરક?

NRI લોકો વર્ષોથી વતનથી દૂર છે અને રેર કેસમાં ગરબા જોવા મળે. ગુજરાતમાં ગરબા નવરાત્રિમાં કે અન્ય ગમે તેવી રીતે પણ ગરબા રમવા મળે. વતનથી દૂર રહો ત્યારે તહેવાર, ખાનપાન, સંસ્કૃતિનું મૂલ્ય સમજાય છે. દુબઈ, અમેરિકા, કેનેડા જઉં તો મને મજા આવે. મને ગુજરાત જેવી જ ફીલ આવે છે.

NRIની નવરાત્રિ માટે શું અલગ તૈયારીઓ કરો છો?

22 વર્ષથી આ જ કામ કરું છું તો અલગ તૈયારીની જરૂર રહેતી નથી. આપણી પરંપરા જ રહે છે. યંગ જનરેશનને કનેક્ટ કરવા માટે 2-4 હિન્દી ગીતો ગાઈ લઉં છું અને પછી ગરબા ગાઉં છું. એટલે કે કડવી દવા પહેલા તેમને મીઠી દવા પીવડાવું છું. મારા કરતા તેમની તૈયારીઓ વધારે હોય છે. તેઓ અલગ રાઈડ અને અલગ કારમાં એન્ટ્રી કરે છે. ક્યારેક આ બધું માણવાની ખૂબ મજા આવે છે.

ઈવેન્ટમાં કલાકારના નામથી લોકો આવે છે કે પછી લોકસંગીતને માણનારો સાચો વર્ગ છે?

10 -15 વર્ષ પહેલા લોકો ડાયરો અને લોકસંગીત માણવા લોકો આવતા. પણ હવે આ ટ્રેન્ડમાં ફરક આવ્યો છે. હવે કલાકારને લઈને જોઈને લોકો કાર્યક્રમમાં આવે છે. મારા કાર્યક્રમમાં 80 ટકા વર્ગ છે જે કિર્તિદાનને સાંભળવા આવે છે અને 20 ટકા વર્ગ એવો છે જે લોકસંગીતને માણવા આવે છે. 80-90 ટકા ઓડિયન્સ મારા માટે જ આવે છે.

આપને ક્યાંની નવરાત્રિ પસંદ છે? ગુજરાતની કે વિદેશની?

મને ગુજરાતની નવરાત્રિ જ પસંદ છે. હું કોઈ પણ સંજોગોમાં આ દિવસોમાં કોઈને ડેટ્સ આપતો નથી. આ માતાજીની ભક્તિનો અવસર છે અને મને વતનમાં જ માણવો ગમે છે. આ વર્ષે મારા જીવનમાં પહેલી વાર એવું બન્યું છે કે કોન્ટ્રાક્ટ સમયે મેં શરત કરી હતી કે નવરાત્રિમાં ક્યાંય નહીં જઉં. પણ ગુજરાતમાં નવરાત્રિ ન થવાથી મેં દુબઈની ડેટ્સ આપી. ત્યાંની સરકારે 5000 માણસ ભેગું કરવાની છૂટ આપી અને કહ્યું કે કોરોનાના કારણે રમી નહીં શકો અને પછી મેં ડેટ્સ આપી હોવાથી હું અહીં આવ્યો. દુબઈ, અમેરિકાથી ઓફર આવતી તો પણ હું ન જતો. ગુજરાતમાં જ રહેતો. તમામ 52 શક્તિપીઠ ગુજરાતમાં છે અને એ સમયે તમે તેમની આરાધના કરો છો તો તમને ખાસ ઊર્જા, આર્શીવાદ અને ઓરા મળે છે જે ક્યાંય મળતા નથી.

કોરોનાના 2 વર્ષ પછી ગરબા થઈ રહ્યા છે તો નવું શું?

કોરોનાના કારણે 2 વર્ષથી માણસો ઘરમાં છે, દુઃખમાં છે, સ્ટ્રેસમાં છે તેમનો ભય દૂર કરવાની ચેલેન્જ દુબઈમાં મળી. લોકો ઘરમાં રહીને કોરોનાના ભયથી કંટાળી ગયા હતા. અમે માતાજી પર શ્રદ્ધા રાખીને કાર્યક્રમ કર્યો અને જ્યારે શોનું આયોજન થયું ત્યારે ધારવા કરતા વધારે ઓડિયન્સ આવ્યું અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો.

લોકસંગીતમાં લોકોની પસંદગીમાં નવી જનરેશનને લઈને શું પરિવર્તન આવ્યું છે?

માન્યતા છે કે નવી જનરેશન લોકડાયરાને પસંદ નથી કરતી. તમે માર્ક કરશો તો જાણી શકશો કે 5 વર્ષના બાળકોથી લઈને 40 વર્ષ સુધીનું 80 ટકા ઓડિયન્સ જોવા મળે છે. તમામ લોકો લોકડાયરાને માણે છે. 1998-2000ની વાત કરીએ તો ત્યારે યંગ જનરેશન ઓછી જોવા મળતી. આ સમયે મને વિચાર આવ્યો કે તો યંગ જનરેશન સાથે પરંપરાને જાળવવા મેં સુખી ગીતો શરૂ કર્યું જેને સાંભળવા લોકો આવે અને પછી તેઓ ડાયરીની મજા માણે છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ગીતોને તેઓ માણે છે. ખાસ કરીને લાડકી પછી તે ગ્લોબલ લેવલે ફેમસ થયું.

મારી સફળતા આ કામથી પૂરી થશે

અમારું લક્ષ્ય છે કે દીકરીની ભ્રૂણ હત્યા અટકાવવી. જે માતા ખાઈ શકતી નથી જેના કારણે કુપોષિત દીકરીનો જન્મ થાય છે, જેને ભણવા, રહેવા ખાવાની સુવિધા નથી તેને માટે અમે લાડકી પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ. મારું લક્ષ્ય છે 2 વર્ષમાં 100 કરોડ રૂપિયા ભેગા કરું અને ગુજરાતની દીકરીને લાભ મળે. સેવાભાવી સંસ્થાઓ અને દીકરીઓ ગામેગામમાં તેને આગળ વધારશે. માતાજીના આર્શીવાદથી હું દીકરીઓને માટે કામ કરી રહ્યો છું.

વિદેશમાં વ્યક્તિગત સંગીત બેઠકોનો ક્રેઝ કેવો?

વિદેશમાં પણ ડાયરાની ડિમાન્ડ ખૂબ છે. ટૂંક સમયમાં શિકાગોના વ્રજ મંદિરમાં પણ ડાયરો છે. નવરાત્રિ બાદ 2-3 બુકિંગ ડાયરાના છે. અહીંના લોકો પણ તેને ખૂબ પસંદ કરે છે.

રીમિક્સ ગીતોનો ટ્રેન્ડ છે તો ગરબામાં નવીનતા કે મ્યુઝિકમાં કોઈ ફરક ખરો?

કહેવાય છે ને કે જ્યારે સાચો ઢોલ વાગે કે ગરબા શરૂ ત્યારે મન અને પગ જાતે જ ડોલવા લાગે છે. રીમિક્સ એ વ્યક્તિગત ચોઈસ છે. જ્યારે રિયલ મ્યુઝિક વાગે છે ત્યારે લોકો ચોઈસ પણ છોડી દે છે. મારા કાર્યક્રમમાં એક જ કી બોર્ડ સિવાય કોઈ ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રૂમેન્ટ યૂઝ થતું નથી.

ગુજરાતી સંગીતનું ભવિષ્ય કેવું?

જ્યાં સુધી દુનિયામાં ગુજરાતી છે, ગુજરાતી ભાષા છે અને અને ગુજરાતી સંગીત છે ત્યાં સુધી ગુજરાતી સંગીતના ભવિષ્યને કોઈ આંચ આવશે નહીં એ મારો વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *