સવાલ: હું ૧૭ વરસની છું. મારી સાથે ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું છે. તે મારી ઉપેક્ષા કરે છે. મારી સામે પણ જોતો નથી. આ કારણે અભ્યાસમાં મારું ચિત્ત લાગતું નથી. મારી બહેનપણીઓ મને તેને ભૂલી જવા કહે છે. પરંતુ મારે માટે આ શક્ય નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (અમદાવાદ)
જવાબ: મારી આ સમસ્યા સામાન્ય છે. પણ આવા ઘણાં કિસ્સા પર ઘણી વાર જવાબ આપવામાં આવ્યો છે. શું તમારી વચ્ચે કોઇ ઝઘડો થયો હતો? આ પરિસ્થિતિમાં તો તમારે એ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ કે તેનો તમારામાંથી રસ ઊડી ગયો છે. તેને મજબૂર કરીને પાછો મેળવવો એ તમારે માટે યોગ્ય નથી. આ ઉંમર ઘણી નાદાન છે. આથી આ ઉંમરે કાયમી સંબંધ બંધાય એવી આશા રાખવી નકામી છે. આથી વાસ્તવિકતા સમજી એ યુવકને ભૂલી અભ્યાસમાં ધ્યાન પરોવો. આ છોકરો તમારે લાયક નથી તે તમને ખરા દિલથી પ્રેમ કરતો હોત તો તે આમ કરત જ નહીં. ભવિષ્યમાં તમને તેનાથી સારો જીવન સાથી મળશે
સવાલ: મારી ખાસ બહેનપણી મારા જ વર્ગમાં ભણે છે. અમે બન્ને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમને એકબીજા વગર ચાલતું જ નથી. અમારી વચ્ચે ઝઘડા પણ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે અમે એકબીજા પ્રત્યે ઘણા પઝેસિવ છીએ. કોઇ બીજા સાથે વાત કરતા તે મને જોઇ શકતી નથી. તેમ જ તેને બીજા જોડે વાત કરતા જોઇ મને પણ ગુસ્સો આવે છે. અમારી ઉંમર ૧૫ વર્ષની છે. અમારી આ સમસ્યાનું સમાધાન સુચવવા વિનંતી.
એક યુવતી (નડિયાદ)
જવાબ: તમારા પ્રશ્નમાં જ તમારી સમસ્યાનો ઉકેલ છુપાયો છે. તમે કબૂલ કરો છો કે તમે બન્ને એકબીજા પ્રત્યે ઘણા પઝેસિવ છો. તમે એકબીજાને મારા હૃદયથી ચાહતા હો તો સામેનાની ખુશીમાં જ તમારી ખુશી સમાવી જોઈએ. શક્ય છે કે તમને એકબીજા પર વિશ્વાસ નથી અથી તમે અસલામતી અનુભવો છો. આ પ્રકારની મૈત્રીથી ગુંગળામણ થવાની શક્યતા છે. સાચો મિત્ર ક્યારે પણ કોઇ બાબતની માગણી કરતો નથી. આ સમસ્યાનું સમાધાન તમારે જ તમારી પાસે જ છે. એકબીજાને મોકળાશ આપો. અદેખાઈની લાગણી દૂર કરો.