જેઠ મહિનાની કાળઝાળ ગરમીએ. કિરણના સ્વભાવને એટલો બધો ચીડિયો બનાવી દીધો કે એને કોઈની સાથે વાતો કરવાનું મન થતું નહોતું, પરંતુ મોસમમાં અચાનક એવો પલટો આવ્યો કે બધું જ બદલાઈ ગયાની અનુભૂતિ થવા લાગી. એક તરફી વાદળોએ સૂરજના તાપને સંતાડી દીધો, બીજી બાજુ વરસાદની બુંદોએ મહિનાઓથી તરસતી ધરતીને શીતળતા પ્રદાન કરી.
વરસાદની બુંદો કિરણનો તનમનને સ્પર્શી તો જાણે તૈના બેજાન શરીરમાં જીવ આવ્યો અને સ્વભાવનું ચીડિયાપણું પણ દૂર થઈ ગયું. રાત્રે. ઓફિસેથી કિરણનાપતિ સુનીલે ઘરે આવ્યા તો દરવાજા પાસે એને સજી-ધજીને રાહ જોતી ઊભેલી જોઈ. તેઓ રૂમમાં દાખલ થયા, તો બધુ જ રોમેન્ટિક અંદાજમાં સજાવટ કરીને ગોઠવેલું જોયું. ફ્રેશ થઈને ડિનર માટે બેઠા તો જોયું કે રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન ક્યું હતું અને કિરણની આંખોમાં રોમાન્સ અને પ્રેમ સ્પષ્ટ વર્તાતો હતો. ભોજન પીરસાયું તો ડિશમાં તેમને બધી પોતાની મનપસંદ વાનગીઓ જોવા મળી.
સુનીલને સમજતાં વાર ન લાગી કે આ બધું વરસાદની બુંદોની અસર છે. એણે પણ ખિસ્સામાંથી સુંદર ફૂલોનો ગજરો કાઢયો અને કિરણનાં લાંબા, ઘેરા અને કાળા ખુલ્લા વાળમાં ખૂબ પ્રેમથી લગાવી દીધો. હકીકતમાં સુનીલ ઓફિસેથી નીકળ્યો ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો, તો ઝરમર વરસાદે તેને પણ રોમેન્ટિક બનાવી દીધો, ત્યારે જ કિરણ માટે એણે ગજરો ખરીદી લીધો હતો.
જ્યારે ઝરમર જલધારા વરસી
કેન્ડલ લાઈટ ડિનરને હજી બંને જણા એન્જોય કરી જ રહ્યા હતા કે વાદળોએ એકવાર ફરીથી ઝરમર વરસવાનું શરૂ કરી દીધું. કિરણ તો જાણે આ ક્ષણની જ રાહ જોતી હતી. એણે હળવેથી સુનીલનું કાંડું પકડયું અને આંખોમાં આંખ પરોવીને સુનીલને બગીચા સુધી લઈ ગઈ.
વરસાદની ઝરમર જલધારા, હાથોમાં એમનો હાથ અને ‘રિમઝિમ સે તરાને લે કે આઈ બરસાત…’, ‘યે રાત ભીગીભીગી યે મસ્ત ફિઝાએ…’, ‘એક લડકી ભીગી-ભાગી સી…’, ‘આજ રપટ જાએ તો હમેં ન…’, ‘રિમઝિમ ગીરે સાવન ઉલઝલિઝ જાએ મન…’, જેવા રોમેન્ટિક ગીતોનો સાથ મળી જવાથી ભલા કોણ એવો પ્રેમી હશે, જે પોતાને નાચવાથી રોકી શકે. બંને મનભરીને નાચ્યા.
કંઈક આવી જ તક એક પ્રેમી યુગલને પણ મળી. લાંબા સમય પછી આ વખતે બંનેને એકાંતમાં મળવાની તક મળી હતી. એમના ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન કોઈએ પણ ક્યારેય એમને અલગ નહોતા જોયા. બંનેએ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, નોકરી મળતાં જ તેઓ લગ્ન કરી લેશે, પરંતુ એક કોમ્પિટિશન ક્લિયર કર્યા પછી ટ્રેનિંગ માટે જ્યારે બંનેને છૂટા પડવું પડયું તો તેમના મિત્રો એમનું રડવાનું જોઈને બહાર નીકળી ગયા હતા.
હવે જ્યારે ૨ વર્ષ પછી બંને મળ્યા છે, તો બસ એકબીજાને જોઈ જ રહ્યા છે. સચિન પણ કંઈ બોલતો નથી અને સ્મિતાનો પણ અવાજ નીકળતો નથી. બંનેને સમજાતું જ નહોતું કે શું પૂછે, કેવી રીતે પૂછે. ત્યાં જ બહાર વીજળીનો કડાકો સંભળાયો અને પળભરમાં જ વરસાદ વરસવા લાગ્યો. બહાર ધરતી ભીંજાતી હોય ત્યારે અંદર મન પણ ભીંજાય છે, એટલે જ તો સ્મિતાના જકડાઈ ગયેલા હોઠ બોલી ઊઠયા, આજે પણ નથી સુધર્યો, બરાબર એવો જ છે. બધો સામાન વેરવિખેર રાખ્યો છે. ખસ, હું સરખો કરી દઉં છું.”
સચિન પણ ક્યાં ચુપ રહેવા માગતો હતો. વરસાદના છાંટાઓએ એને પણ ભીંજવી નાખ્યો. મનથી પણ અને તનથી પણ. એને એ દ્રશ્ય યાદ આવવા લાગ્યું જ્યારે બંને પહેલીવાર વરસાદમાં મદમસ્ત થઈને બરાબર ભીંજાયા હતા અને હાથમાં હાથ પકડીને એકબીજા પર વારી ગયા હતાં.
આજે ફરીથી એ જ અંદાજમાં ભીંજાવા માટે આતુર થઈ રહ્યા હતા બંને. એવામાં સચિને ભૂખ લાગી હોવાનું બહાનું બનાવીને સ્મિતાને બહાર જવા માટે પૂછયું. ભલા, સ્મિતા ક્યાં ના પાડવાની જ હતી. એ પણ એ યાદોનો એક ભાગ હતી. બહાર નીકળતાંની સાથે જ થોડી જ વારમાં બંને પૂરેપૂરા ભીંજાઈ ચૂક્યા હતા, પરંતુ જમવાની વાત બીજીવાર કોઈએ કરી નહીં.
હકીકતમાં ભૂખનું તો માત્ર બહાનું જ હતું. હકીકતમાં તો બંનેને એકબીજાની નજીક આવવું હતું. થયું પણ એવું જ. વરસાદના છાંટાઓમાં બંનેના જૂના પ્રેમના અંકુર ફરીથી ફૂટી નીકળ્યા. હવે તો એકબીજાની આગોશમાં સમાઈ જવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ હતી. સતત વધતા જતા વરસાદમાં દૂરદૂર સુધી કોઈ દેખાતું નહોતું, તો બંને એકબીજાને લપેટાઈ ગયા.