મંગળનો મીન રાશિમાં સંચાર, આ રાશિઓ માટે કપરા રહેશે આગામી 41 દિવસ

GUJARAT

વૈદિક જ્યોતિષમાં મંગળને ઉર્જા અને જીવન શક્તિનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જે એક રાશિમાં લગભગ દોઢ મહિના સુધી રહે છે અને આ વખતે તે 17 મેથી 27 જૂન સુધી મીન રાશિમાં આવીને સંચાર કરશે. એટલે કે કુલ 41 દિવસ મીન રાશિમાં રહેશે. મંગળના આ ગોચરનો પ્રભાવ કેટલીક રાશિઓના જીવનમાં આનંદ લાવી શકે છે તો કેટલીક રાશિઓને પરેશાન પણ કરી શકે છે. તો ચાલો જાણીએ મંગળના મીન રાશિમાં સંચારથી આગામી 41 દિવસ તમામ રાશિઓ પર કેવી અસર થશે.

મેષ
મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં ગોચર કરી ચૂક્યો છે. તમારામાં ઓછા ઉત્સાહનો અનુભવ થઈ શકે છે અને સ્વભાવ પણ ચીડિયો જોવા મળી શકે છે. તમે આ દરમિયાન સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો અને ગોચર કાળ દરમિયાન હેલ્થ તેમજ વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. સાથે-સાથે ખર્ચા ઉપર પણ ધ્યાન રાખજો.

વૃષભ
આ દરમિયાન પારિવારિક જીવનમાં કોઈ પ્રકારના વિવાદનો સામનો કરવો પડી શકે છે. તેમજ કાર્યસ્થળે કેટલીક સમસ્યાઓના કારણે માનસિક તણાવ અનુભવશો. ગોચરકાળ લવ રિલેશનશિપ માટે સારો રહેશે અને એકલવાયુ જીવન જીવતા વ્યક્તિની કોઈ ખાસ પાર્ટનર સાથે મુલાકાત થશે. તેમજ લાભના યોગ છે. વિદેશ જઈને અભ્યાસ કરવા માગતા લોકોને સારા સમાચાર મળશે.

મિથુન

આ દરમિયાન મોટી કંપનીમાં કામ કરતા જાતકો મોટી ડીલ કરી શકે છે. સાથે જ વિદેશમાં તમારી સારી ઓળખ થશે અને મિત્રો તેમજ પરિજનો હંમેશાં મદદ માટે તૈયાર રહેશે. ગોચરકાળમાં માતાની તબિયતનું ધ્યાન રાખો અને વિદ્યાર્થીઓ એકાગ્રતા સાથે અભ્યાસ કરશે.

કર્ક
મંગળ તમારી રાશિના નવમા સ્થાન પર ગોચર કરી ચૂક્યો છે. આ દરમિયાન ધર્મ અને કર્મના કાર્યોમાં તમારું મન લાગશે અને થોડા ખર્ચા પણ થશે. તમે મિત્રો સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. જ્યાં ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણવાની ઈચ્છા રહેશે. ગોચર કાળમાં વિદ્યાર્થી જો યોજના સાથે આગળ વધશે તો સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. દાન કરીને સમાજમાં પ્રતિષ્ઠા વધશે તેમજ પૈતૃક સંપત્તિનો લાભ મળશે.

સિંહ
તમારા કાર્ય થોડા વિલંબ પછી પૂરા થશે અને અચાનક ઘણાં માધ્યમથી ધન લાભ થઈ શકે છે. લવ રિલેશનશિપ માટે આ સારો સમય છે અને સિંગલ લોકોની કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ગોચરકાળ દરમિયાન તમારે હેલ્થ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં કોઈ ભૂલના કારણે વિવાદ થઈ શકે છે.

કન્યા
આ દરમિયાન તમારા વૈવાહિક જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પરેશાની આવી શકે છે. સાસરિયા પક્ષના લોકો સાથે તમારા સંબંધ સારા નહીં રહે. જેઓ વિવાહ કરવા માગે છે તેઓ માટે સારા માગા આવી શકે છે. ગોચરકાળમાં તમારી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખજો. મિત્રો સાથે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તુલા
પાર્ટનર સાથે તમારે વિવાદ થઈ શકે છે અને આ દરમિયાન લગ્ન જીવન સારું નહીં રહે. ગોચરકાળ દરમિયાન તમારી હેલ્થનું ધ્યાન રાખો તેમજ દુશ્મનો પણ આ દરમિયાન સક્રિય રહેશે છતાં તમારું નુકસાન નહીં કરે. આ સમયે ધંધા-વ્યવસાયમાં સારા પરિણામ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

વૃશ્ચિક
વેપાર ક્ષેત્રે તમારી પ્રગતિ થશે અને વિરોધીઓ પણ તમારી સામે ટકી નહીં શકે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. ગુસ્સાના કારણે પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. છતાં સ્થિતિમાં જલદી સુધારો જોવા મળશે.

ધન
લવ રિલેશનશિપના કારણે માતા સાથે થોડી અડચણ આવી શકે છે. જો તમે સિંગલ છો તો રિલેશનશિપમાં આવી શકો છો. બહારનું ભોજન ખાશો નહીં, કારણકે પેટ સંબંધિત સમસ્યા નડી શકે છે. અભ્યાસમાં સફળતા મળશે.

મકર
એક કરતા વધારે સ્ત્રોતથી સારી કમાણી થશે અને ગમતા કાર્યો કરશો. જો બિઝનેસ કરો છો તો અત્યારે રોકાણ કરશો નહીં. ઘરની સુખ-શાંતિ માટે પૈસા ખર્ચ કરી શકો છો. માતા-પિતા અને બાળકોનું ધ્યાન રાખજો.

કુંભ
આ દરમિયાન તમારી હેલ્થ સારી રહેશે અને સામાજિકરીતે વધારે એક્ટિવ રહેશો. દરમિયાન તમારા નવા મિત્રો બની શકે છે. જેની સાથે તમે બહાર જવાની યોજના બનાવી શકો છો. ગોચરકાળમાં તમારા વ્યવહાર પર નિયંત્રણ રાખજો નહીં તો સમસ્યા નડી શકે છે.

મીન
તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખજો. તમારા પરિજનો સાથે સારો વ્યવહાર કરજો અને તેઓ સાથે કેટલીક યોજના પણ બનાવી શકો છો. આર્થિકરીતે સારો સમય હોવાથી રોકાણની યોજના બનાવી શકો છો. વેપારમાં વૃદ્ધિ થશે અને કેટલીક ડીલ્સમાં સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published.