‘મને પિયરથી લઈ જા, માતા-પિતા ત્રાસ આપે છે’ પ્રેમ લગ્ન કરનારી યુવતીએ પ્રેમીને કહ્યું અને…

GUJARAT

અમદાવાદ: શહેરના ચાંદખેડામાં રહેતી એક યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તેણે જે યુવક સાથે લગ્ન કર્યા હતા તેની સાથે છેલ્લે તે વાત કરતી હતી અને મને બચાવી લે તેવું કીધાં બાદ અચાનક ફોનમાંથી અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો. જેથી કાંઈક બન્યુ હોવાનું માની પોલીસને આ યુવકે જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, યુવતીએ પ્રેમ લગ્ન કરતા તેના માતા પિતા, દાદી અને મોટા પપ્પા અલગ જ્ઞાતિનો યુવક હોવાનું કહી તેને ત્રાસ આપતા હતા અને લગ્ન બાદ છૂટાછેડાના કાગળો પર યુવક સાથે સહીઓ કરાવી આ યુવતીને પરિવારજનો ત્રાસ આપતા હતા.

મળતી માહિતી મુજબ ચાંદખેડામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી 19 વર્ષીય કંચનબા વાઘેલા નામની યુવતીએ આપઘાત કરી લીધો હતો. તેના પૂર્વ પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ કૃણાલ સુથાર હાલ માણસા ખાતે રહે છે. પાંચ વર્ષ અગાઉ કૃણાલ કંચનબાની બાજુમાં રહેતો હતો. ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અલગ જ્ઞાતિ હોવાથી ઘરવાળા માનશે નહિ અને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ જુલાઈ 2021માં ભાગીને વાડજ ખાતે મેરેજ બ્યુરોમાં લગ્ન કર્યા હતા.

ભાગીને કર્યા હતા લગ્ન

બાદમાં બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને કંચનને તેના ઘરે લગ્ન બાબતે જાણ કરવાનું કહેતા કંચને આપણી જ્ઞાતિ અલગ હોવાથી ઘરવાળા આપણાં સંબંધ નહીં સ્વીકારે અને જાનથી મારી નાખશે જેથી આપણે ભાગીને લગ્ન કરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આજથી આશરે બે મહિના અગાઉ કુણાલ અને કંચન બા ઘરેથી ભાગી ગયા હતા અને ઉસ્માનપુરા ખાતે મેરેજ બ્યૂરોમાં લગ્ન કર્યા હતા અને બાદમાં બરોડા ખાતે પાદરા વિસ્તારમાં રહેવા માટે ગયા હતા.

છોકરીના પરિવારે આપી ધમકી

આ દરમિયાન કુણાલના પરિવારજનો ગામડે હતા અને થોડાક દિવસ બાદ કૃણાલના પિતાએ જણાવ્યું કે, કંચનના પિતાજી ભરત સિંહ વાઘેલા તથા તેના કુટુંબીજનો તેઓના ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આપણી જ્ઞાતિ અલગ છે મારી દીકરી મને પાછી લાવી દો નહીં તો તમને જાનથી મારી નાખીશું. બાદમાં કુણાલના ઘરના લોકોએ કંચન બાને તેના પિતાજીને સહી સલામત સોંપી દીધી હતી. જે બાદ કંચનના મોટા પપ્પા કુણાલના ગામડે છુટાછેડાના પેપર લઈને સરપંચના ઘરે આવ્યા હતા અને કૃણાલે છૂટાછેડાના પેપરમાં સહી કરી હતી. ત્યારે દસેક દિવસ અગાઉ આ કંચને ફોન કરી કુણાલનો સંપર્ક કર્યો હતો અને બંનેની વાતચીત ચાલતી હતી. ત્યારે કંચને જણાવ્યું કે, મારા ઘરવાળા મને ખૂબ જ હેરાન કરે છે અને મને કહે છે કે તું આત્મહત્યા કરી લે, તું તારો રસ્તો કરી લે કાં તો અમે અમારો રસ્તો કરી લઈએ. બાદમાં બુધવારે સવારે દસેક વાગ્યાના આસપાસ કંચને કુણાલને ફોન કર્યો હતો અને જણાવ્યું કે તે પોતાની મમ્મી સાથે મોટા પપ્પાના ઘરે ગઈ છે.

ફોનમાં અચાનક અવાજ બંધ થઇ ગયો

આ સાથે તેણે કુણાલને કહ્યું હતું કે મને કોઈપણ રીતે લઈ જા ઘરવાળા મને હેરાન કરે છે. આટલું કહ્યા બાદ કંચનનો ફોન ચાલુ રહી ગયો હતો ઝગડવા જેવો કોઈ અવાજ આવતો હતો આ સાથે કંચનની બૂમનો અવાજ આવ્યા પછી અચાનક અવાજ બંધ થઈ ગયો હતો. આથી ગભરાયેલા કૃણાલે ગભરાઈ ગયો હતો કંચન સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાનું લાગતાં પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે કંચનના મોટા પપ્પાના ઘરે પહોંચી તો કંચને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે હાલ ગુનો નોંધીને તપાસ આગળ શરું કરી છે.

Leave a Reply

Your email address will not be published.