મને મારી ખાસ બહેનપણીના પ્રેમીએ ગુલાબ અને કાર્ડ આપીને પ્રપોઝ કર્યું અને હું…..જાણો

GUJARAT nation

પ્રશ્ન : હું પહેલાંથી ભણવામાં ખાસ નહોતો અને મારી બહેનનો હંમેશા પહેલો નંબર આવતો હતો. અભ્યાસ પછી પણ મારી બહેન ઘર અને ઓફિસ સારી રીતે સંભાળે છે અને મેં લગભગ ત્રણથી ચાર નોકરી બદલી પણ મને મારી કંપનીમાં કોઇને કોઇ સમસ્યા નડે જ છે. હું મારી બહેનને મારી સમસ્યા કહું તો એ મારી વાત સમજવાને બદલે મારો વાંક કાઢીને વણમાગી સલાહ આપે છે. શું હું ક્યારેય મારી બહેન કરતા આગળ નહીં નીકળી શકું? એક યુવક (સાણંદ)

ઉત્તર : તમે એક વાત સમજી લો કે બીજાએ તમારી સાથે શું કરવું એ તમે નક્કી કરી શકો એમ નથી, પણ તમારે શું કરવું એ તમારા હાથમાં છે. પહેલાં તો તમારા અજ્ઞાત મનમાં બહેન સાથે જે સતત સરખામણી કે સ્પર્ધાની લાગણી પ્રવર્તી રહી છે એને દૂર કરો. તમે જો સતત બીજા વિશે વિચારતા હો તો તમારી પાસે પોતાની આગવી કહેવાય એવી વિચારધારા નથી.

એક વાર પહેલો નંબર, પ્રમોશન અને પોઝિશન જેવી સ્પર્ધાને મગજમાંથી કાઢી નાખો. તમે જે કામ કરો છો એમાં તન્મય થઈને મંડી પડો. હકીકતમાં બીજા શું કરે છે એ જોવાથી આપણે શું કરવું છે એના પરથી ધ્યાન હટી જાય છે. જીત હાંસલ કરવા માટે જીતનું રટણ નહીં પણ પ્રત્યેક ક્ષણને પૂરી તન્મયતાથી અને આપણી પૂરી ક્ષમતા સાથે ફેસ કરવી જરૂરી છે. તમારે સમજવાની જરૂર છે કે જે રીતે હાથની બે આંગળીઓ સરખી નથી હોતી એવી જ રીતે બે વ્યકિતઓ પછી તે ભલે સગાં ભાઇ અને બહેન હોય તો પણ સરખી ન હોઇ શકે. દરેક વ્યક્તિના સકારાત્મક અને નકારાત્મક પાસા હોય છે. તમે ભલે ભણવામાં ખાસ ન હો તો પણ તમારા વ્યક્તિત્વની કેટલીક ખાસિયતો હશે જ. તમારે તમારા હકારાત્મક પાસાને ઓળખીને જીવનમાં સારી રીતે આગળ વધવાનું લક્ષ્ય રાખવું જોઇએ.

પ્રશ્ન : હું 18 વર્ષની છું. મારી ખાસ બહેનપણીનો પ્રેમી મારી સાથે ફલર્ટ કરે છે અને તેણે મને કાર્ડ અને ગુલાબનું ફૂલ આપીને તેની સાથે બહાર ફરવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. મને એનામાં જરા પણ રસ નથી, પરંતુ મને મારી બહેનપણીની ચિંતા થાય છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારે આ બાબતે માત્ર તમારી જાતને જ કાબૂમાં રાખવાની જરૂર છે. તમારા સિવાય આ છોકરો બીજી છોકરીઓ સાથે પણ ફલર્ટ કરતો હશે. તમે તમારી બહેનપણીને આ વિશે કહેશો તો શક્ય છે કે તે તમારી વાત માનશે નહીં અને તમારી વચ્ચેનો સંબંધ તૂટી જવાની શક્યતા રહેલી છે. આથી ભલાઈ એમાં જ છે કે તમારી બહેનપણી એની જાતે જ આ વાત જાણે. આવી વાત લાંબા સમય સુધી ગુપ્ત રહી શકતી નથી. એક દિવસ તેને કાને આ વાત જરૂર પહોંચશે અને આ પછી તે આ સંબંધ પર જાતે જ પૂર્ણવિરામ મૂકી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *