કોરોનાથી બંને કે એક વાલી ગુમાવનારા માટે ‘બાળસેવા યોજના’નું બાળમરણ, સરકારે જાહેરાતો કરી વાહવાહી લૂંટી, હવે ઠપ

GUJARAT

કોરોનાની પહેલી-બીજી લહેરમાં માતા-પિતા બંને અથવા બંનેમાંથી ગમે તે એકને ગુમાવનારા ૦થી ૨૧ વર્ષ સુધીના બાળકો-યુવાનોને માસિક ૪,૦૦૦ સુધીની આર્થિક સહાય કરવા સરકારે બાળ સેવા યોજના અમલમાં મૂકી હતી. ૭ જુલાઇના રોજ યોજના અમલમાં મૂકતાની સાથે સંવેદનશીલ સરકારના અતિસંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેરાતના માધ્યમથી ભરપૂર વાહવાહી લૂંટી હતી.

જોકે, આ યોજનાનો આરંભ થયોને હજુ બે મહિના પણ પૂરા થયા નથી ત્યાં બાળકો માટેની આ બાળ સેવા યોજનાનું બાળ મરણ થઇ ગયું છે. સુરતમાં છેલ્લા ૧૦ દિવસથી આ યોજનાના ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે. કોઇપણ પ્રકારની આવક મર્યાદા નહીં હોવાથી આ યોજનાનો લાભ લેવા રાજ્યભરમાં ફોર્મ ભરવાનો આરંભ થયો હતો.

સુરતમાંથી પણ અંદાજે ૧૦૦૦થી વધુ ફોર્મ ભરાયાં છે. હજુ પણ ફોર્મ ભરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં લોકો ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ સરકારે એકાએક યોજનાના ફોર્મ સ્વીકારવા પર બ્રેક મારી દેતાં સંખ્યાબંધ લોકો અટવાઇ રહ્યા છે. યોજના બંધ કરવા અંગે લોકો બાળ સુરક્ષા અધિકારીને સવાલો કરી રહ્યા છે, પરંતુ તેઓ યોગ્ય ઉત્તર આપતા નથી.

મોટા ઉપાડે રાજ્ય સરકારે ૭મી જુલાઇના રોજ બાળ સેવા યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત કોરોનાના મહામારીથી માતા-પિતા બંને ગુમાવનારા ૦થી ૨૧ વર્ષ સુધીનાને દર મહિને ૪૦૦૦ રૃપિયાની આર્થિક સહાય જ્યારે માતા-પિતા બંનેમાંથી એકને ગુમાવનારાને માસિક ૨૦૦૦ રૃપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *