મારી આગળ હિંમત ચાલી નહીં. તેને સાસુમાને સોંપી હું બહાર આવી. દસ વાગ્યે લગભગ છોકરાવાળા આવી ગયા. વિનોદ સાથે તેની મમ્મી, મોટી ભાભી અને બે બહેનો હતી. મોટાભાઈ સાથે સુધીર બેઠો. સ્ત્રીઓ સુસંસ્કૃત અને શિષ્ટ લાગતી હતી. બંને બહેનોનો ઉત્સાહ માતો નહોતો. મોટી ભાભીના હાલ પણ એવા જ હતા. તેઓ વચ્ચે આંખો દ્વારા સંવાદ થઈ રહ્યા હતા. આ બાબત પણ પરસ્પરની ઘનિષ્ઠતા છતી કરતી હતી.
મને મીનાની ઈર્ષા થવા લાગી. પછી બીજી ક્ષણે મારા વિચારને મેં દબાવી દીધો કે આવો વિચાર કરવો જોઈએ નહીં. તેના ગયા પછી તો મને મુક્તિ મળવાની જ છે.
ઝટપટ નાસ્તો બનાવ્યો. લગ્ન મીનાના થવાના હતા પણ લાગતું હતું કે તેના ગયા પછી સાસરી મને મળવાની છે. એકચક્રી રાજસન્માન, જે મેળવવાનો આ ઘરમાં મને અધિકાર છે તે વિચારે મારું મન આનંદથી છલકાઈ ઊઠયું.
પ્રસન્ન મનથી ચીજવસ્તુઓ ડ્રોઈંગરૂમમાં પહોંચાડી. ડ્રોઈંગરૂમમાં સહજ વાતચીત ચાલતી હતી ત્યાં સાસુમાએ ઈશારો કર્યો કે હવે મીનાને લઈ આવો.
વધ:સ્થળ પર પશુને લઈ જવાનું હોય એ રીતે મીના નિસ્તેજ બેઠી હતી, પરંતુ મારી સાથે તેને ઊભા થઈને આવવું પડયું. તેણે આ સમયે કશી વિનંતી ન કરી ત્યારે ફરી મારું મન તડપવા લાગ્યું અને કહેવા લાગ્યું કે આ છોકરી કશું સમજતી જ નથી!
બરાબર આ જ રીતે મને પણ લોકો જોવા આવ્યા હતા. મને પસંદ કરી હતી, લગ્ન કર્યાં અને બસ, પહેલાંવાળી સીમાની જાણે હત્યા થઈ ગઈ અને આજની સીમાનો જન્મ થયો. બસ, પાત્રો બદલાઈ રહ્યાં છે. આ વખતે મીના છે. સીમા મીના કહો કે મીના સીમા કહો નામ સરખાં જ લાગે છે. મીનાએ પ્રવેશ કરતાં જ સૌની નજર તેના પર ટીકી રહી. વિનોદ તો સંમોહિત બની જાણે જોઈ રહ્યો હતો. કુટુંબના બીજા સભ્યોની નજર પણ ટાંકેલી હતી. અમારી મીના પણ સુંદર તો હતી જ. ભણવાના ચક્કરમાં સાજશણગાર કરવાનું તેને પહેલેથી ધ્યાન નહોતું. બસ, ભણીગણીને કશું કરવા માગતી હતી અને હવે બિચારી.. ઉત્સાહથી ઊભરાતા આખા કુટુંબે પ્રસન્ન મને મીનાને સ્વીકારી લીધી. એ અમે તેમની આંખોમાં જોઈ-વાંચી લીધું. સાસુમા અને સુધીરના ચહેરા પર હળવાશ જોવા મળી. તે લોકો મીના સાથે ન જાણે કઈ વાતો કરી રહ્યા હતા. હું જાણે કે ત્યાં હતી જ નહીં. અચાનક મને શું સૂઝ્યું કે હું મારી જગ્યાએથી ઊભી થઈ અને વિનોદ પાસે જઈને બેસી ગઈ. પૂરી દ્રઢતા અને નમ્રતા સાથે મેં કહ્યું, ‘એક વિનંતી કરવાની છે.’
‘અરે ભાભી, તમે હુકમ કરો.’
‘જુઓ, મીના અભ્યાસમાં હોશિયાર છે. પી.એમ.ટી.ની પરીક્ષા આપવાની ઇચ્છા રાખે છે. ડોક્ટર બનવાનું તેનું બાળપણનું સપનું છે. તમારે એ સપનાને સાકાર કરવામાં મદદ કરવાની છે. તમે મદદ કરશો?’
થોડી ક્ષણો વિનોદ ચૂપ રહેતાં મને શંકા ગઈ.
‘ભાભી, મીનાનું સપનું હવે મારું પણ સપનું બની ગયું કહેવાય. હું તો ત્રણ વરસ ઓસ્ટ્રેલિયા જવાનો છું. ત્યાં સુધી મીના તેનું ભણતર લગભગ પૂરું કરી લેશે.’
‘પરંતુ દિયરજી, સગાઈ તો અમે આજે જ કરીશું. આવી સુંદર દેરાણીને હું છોડવાની નથી.’ વિનોદની ભાભી બોલી.
‘બિલકુલ બરાબર. સગાઈ જલદી કરી લઈશું. પછી ભલે વિનોદ ઓસ્ટ્રેલિયા ચાલ્યો જાય.’ વિનોદની મમ્મી બોલી.
પછી તો બનારસી સાડી, નાળિયેર, ફળો, મેવા મીઠાઈ વગેરે સાથે મીનાના સગપણની વિધિ પૂરી કરાઈ.
મહેમાનો ચાલ્યા ગયા. હું રોજની જેમ મારી જાતને સંકોરી લઈ રસોડામાં આવી ગઈ. ચીજવસ્તુ સમેટવા લાગી. અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે. પાછું ફરીને જોયું તો મીના હતી. મીનાની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી. તે બોલી, ‘ભાભી, તમે કોઈ ન કરી શકે એવું કામ મારા માટે કર્યું. તમે મને બચાવી લીધી.’
‘અરે ગાંડી, મેં કશું જ ખાસ નથી કર્યું. હું તો બસ આજે એક બીજી સીમાની હત્યા થતી જોઈ શકી નહીં. એ તો સંજોગની વાત છે કે સીમા બચી ગઈ.’