બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાન અને તેમની પૂર્વ પત્ની કિરણ રાવના છૂટાછેડાના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. તે સમયે કોઈ સમજી શક્યું નહતું કે આ બંનેના સંબંધો આટલા બધા કઈ રીતે વણસી ગયા કે છૂટાછેડાનો નિર્ણય લેવો પડ્યો. તે સમયે આ બંનેના છૂટાછેડા અંગે ઘણા બધા કારણો આપવામાં આવ્યા હતા પણ બધા કારણો પર પૂર્ણવિરામ લગાવતા આમિર ખાને ચુપ્પી તોડી દીધી છે. 8 મહિના બાદ આમિર ખાને પોતાના અને કિરણ રાવના છૂટાછેડાનું અસલી કારણ જણાવ્યું છે.
આમિર ખાને છુટાછેડા અંગે ચુપ્પી તોડતા કહ્યું કે, તે મને કહેતી હતી કે જ્યારે અમે પરિવાર અંગે કોઈ ડિસ્કસ કરતા હોઈએ ત્યારે હું બીજે ક્યાંક ખોવાઈ જતો હતો. તેણે મને કહ્યું કે હું અલગ વ્યક્તિ છુ. હું નથી ઇચ્છતી કે તમે બદલાઈ જાવ કેમ કે જો તમે બદલાઈ જશો તો એ વ્યક્તિ નહી રહો જેને મેં પ્રેમ કર્યો હતો. હું તમારા મન અને વ્યક્તિત્વને પ્રેમ કરું છું તેથી હું નથી ઇચ્છતી કે તમે કોઈ દિવસ બદલાવ.
મારી અંદર ઘણો બદલાવ જોયો
આમિર ખાને આગળ કહ્યું કે આજે હું 7 વર્ષ પહેલાની ઘણી વાતો વિશે વિચારું છું, તો હું કહીશ કે છેલ્લા 6-7 મહિનામાં મેં મારી જાતમાં ઘણો બદલાવ જોયો છે. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેમના છૂટાછેડા પાછળનું આ કારણ છે, તો અભિનેતાએ કહ્યું-‘કિરણ જી અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. મને લાગે છે કે લોકો અમારા સમીકરણને સમજી શકતા નથી. લોકો માટે સમજવું મુશ્કેલ છે. કેમ કે તેઓ આ પ્રકારનું બોન્ડ જોઈ શકતા નથી, ખાસ કરીને એવા પરણિત લોકો જેઓ અલગ થઈ જાય છે.
છૂટાછેડા બીજા કોઈ સંબંધને કારણે નહોતા થયા
આમિર ખાને એ પણ જણાવ્યું કે તેના અને કિરણ રાવના છૂટાછેડા કોઈ અન્ય સંબંધને કારણે નથી થયા. ભૂતકાળમાં એવા અહેવાલ હતા કે આમિર અને ફાતિમા સના એકબીજાને પસંદ કરે છે. આ કારણે આમિર અને કિરણ અલગ થઈ ગયા. જો કે, આમિરે આ અફવાઓ પર મૌન તોડ્યું અને કહ્યું- ના, એવું નથી. તે સમયે પણ કોઈ સંબંધ નહોતો અને આજે પણ નથી.