ખંડણીનો ખેલ…આર્યનનું અપહરણ, કોણ છે ક્રૂઝ ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ?

nation

મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ કેસને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ નેશનલ કૉંગ્રેસ પાર્ટી (NCP) નેતા નવાબ મલિક નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારી સમીર વાનખેડે પર દરરોજ સનસનીખેજ આરોપ લગાવી રહ્યાં છે. હવે તેમણે ભાજપ નેતા મોહિત કંબોજને પણ આર્યન કેસમાં માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે.

રવિવારે પત્રકાર પરિષદ સંબોધીને નવાબ મલિકે જણાવ્યું કે, મોહિત કંબોજ સમીર વાનખેડેની પ્રાઈવેટ આર્મીનો ભાગ છે. મોહિત જ આર્યન ડ્રગ્સ કેસનો માસ્ટર માઈન્ડ છે. આવા સંગીન આક્ષેપો બાદ સ્વાભાવિક છે કે, લોકોના મનમાં પ્રશ્ન થાય કે આખરે મોહિત કંબોજ કોણ છે? મોહિતના ટ્વીટર એકાઉન્ટના બાયો મુજબ ભાજપનો કાર્યકર્તા છે અને તે પાર્ટીના અનેક મહત્ત્વના પદો પર રહી ચૂક્યો છે.

મોહિત કંબોજ ભાજપના મુંબઈ યુનિયના મહાસચિવ છે. તેમના વિરુદ્ધ CBIની આર્થિક અપરાધ શાખા તપાસ કરી રહી છે. કંબોજ 2016થી 2019ની વચ્ચે ભાજપના મુંબઈ યુવા મોરચાનો અધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. 2019માં મોહિતની મુંબઈ ભાજપના મહાસચિવ તરીકે વરણી કરવામાં આવી હતી.

બીજી તરફ ડ્રગ્સ કેસમાં મોહિત કંબોજે શનિવારે સુનિલ પાટીલને માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. કંબોજનો આરોપ હતો કે, સુનિલ પાટીલ NCPનો માણસ છે. સુનિલે જ કિરણ ગોસાવી સાથે મળીને આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. કંબોજનો આરોપ હતો કે, નવાબ મલિક સિન્ડિકેટ ચલાવી રહ્યા છે.

આ આરોપો બાદ નવાબ મલિકે રવિવારે દાવો કર્યો કે, કોર્ટની કાર્યવાહીમાં અવારનવાર આ વાત સામે આવી છે કે, આર્યન ખાન ખુદ કોઈ ટિકિટ લઈને તે ક્રુઝ પર નહતો ગયો. પ્રતિક ગાબા અને આમિર ફર્નિચરવાલા થકી આર્યન ક્રૂઝ પર ગયો હતો. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે, આ સમગ્ર મામલો કિડનેપિંગ અને ખંડણીનો છે.

નવાબ મલિકે વધુમાં જણાવ્યું કે, મોહિત કંબોજના સાળા થકી ટ્રેપ લગાવવામાં આવી અને ત્યાં આર્યન ખાનને પહોંચાડવામાં આવ્યો.આર્યનના કિડનેપ બાદ 25 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો ખેલ થયો. આખરે ડીલ 18 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ, 50 લાખ રૂપિયા ઉઠાવી લેવામાં આવ્યા, પરંતુ એક સેલ્ફીએ સમગ્ર ખેલ બગાડી નાંખ્યો. કિડનેપિંગનો માસ્ટર માઈન્ડ મોહિત કંબોજ છે, જે વાનખેડેનો સાથી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *