સ્વસ્થ શરીર અને સંપૂર્ણ આહાર માટે આપણે સૌથી વધુ ધ્યાન આપણા બે ટાઈમના જમવા માટે નહીં પરંતુ સવારના નાસ્તા પર આપવું જરૂરી છે. આજકાલના ઝડપી જીવનમાં આપણે એક સૌથી સરળ વિકલ્પોને પકડવાનું વલણ રાખીએ છીએ. જેમ કે, કેળાં. કેળાંના અનેક ફાયદા જાણતા હોવાથી આપણે તેને જ પ્રથમ સ્થાન આપીએ છીએ. કેળાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. આ ફળ શરીરને સ્વસ્થ રાખે છે અને શરીરનો થાક ઘટાડે છે. કેળાં બ્લડપ્રેશર જાળવવા ઉપરાંત હતાશા, કબજિયાત, હાર્ટબર્ન અને અલ્સરને ઘટાડવા અને શરીરને ઠંડક પ્રદાન કરવા માટે મદદરૂપ થાય છે. કેળાંમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે, જે હિમોગ્લોબિનના વધારવામાં મદદ કરે છે અને એનિમિયા મટાડવામાં મદદ કરે છે. જોકે કેળું ખાલી પેટ ખાવું કે નહીં તે હજી પણ મૂંઝવતો પ્રશ્ન છે. ઘણા લોકો તેને ફાયદાકારક માને છે તો કેટલાક તેને નુકસાનકારક.
કેળાં પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત હોય છે, તેથી તે તમારા શરીરમાં વિવિધ પોષકતત્ત્વોની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તે એક એનર્જી બુસ્ટર છે અને ભૂખને ઘટાડે છે. દરરોજ એક કેળાનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. તમારી રોજિંદી સુગર જરૂરિયાતના ૨૫ ટકા માત્ર કેળાંની મીઠાશથી જ મળી રહે છે અને તેનાથી શક્તિનો પણ સંચાર થાય કરે છે. કેળાંમાં અન્ય પોષકતત્ત્વો જેવાં કે આયર્ન, ટ્રિપ્ટોફેન, વિટામિન બી૬ અને વિટામિન બી પણ શરીરને જરૂરી છે. પણ શું સ્વાસ્થ્ય માટે કેળાં ખરેખર એટલાં જરૂરી છે જેટલું આપણે કહીએ છીએ? એક રિસર્ચ અનુસાર કેળાં પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોવા છતાં ખાલી પેટ તેનું સેવન કરવા માટે એક સારો વિકલ્પ નથી. ટૂંકમાં, ભૂખ્યા પેટે કેળાં ન ખાવાં જોઈએ.
કેળાંમાં મીઠાશ હોય છે જે અમુક કલાક પછી શરીરમાં પાણીની ઉણપ સર્જે છે. કેળાં મૂળ રીતે એસિડિક છે તેથી જો ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તે આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે. સવારમાં ઊઠતા સમયે નાસ્તો કરવો જરૂરી છે પણ ભૂખ્યા પેટે કેળાંનું સેવન કરવાથી મેગ્નેશિયમની વધુ પડતી માત્રા લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ વચ્ચે અસંતુલન સર્જી શકે છે, જે રક્તવાહિની તંત્ર પર વિપરીત અસર કરે છે.
આયુર્વેદની રીતે પણ ખાલી પેટે કેળાંનું સેવન અયોગ્ય છે. માત્ર કેળાં જ નહીં પણ તમામ ફળો સવારમાં ખાલી પેટે ન ખાવાં જોઈએ. આજકાલ મોટાભાગે પકવેલાં ફળો જ આપણે ખાઈએ છીએ. કૃત્રિમ રીતે પકવેલાં ફળોમાં અનેક રાસાયણિક પદાર્થો હોય છે જે શરીરમાં જતા શરીર પર માઠી અસર કરે છે. આ માટે જ સવારના સમયે અથવા ગમે તે સમયે ફળોને અન્ય ખોરાક સાથે મિક્સ કરીને ખાવાથી તમામ પોષકતત્ત્વોનું બેલેન્સિંગ જળવાઈ રહે છે. કેળાં ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો જ છે. ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા લોકોને તો બીજાં અન્ય ફળો તેમજ ઓટમીલ સાથે કેળાંનું સેવન ઉત્તમ પરિણામ આપે છે. કેળાં સાથે તમારા બ્રેકફાસ્ટને વધુ સ્વાદિષ્ટ ને પૌષ્ટિક બનાવી શકો છો. જેમ કે,
કેળાં અને ઓટમીલ કૂકીઝ : આ વિકલ્પ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ છે જે તમારા શરીરને રિફ્યૂઅલ કરવામાં મદદ કરશે. એક કપ ઓટ્સ, કેળાં, કાચી બદામ અને મેપલ સીરપ તમારા સવારના નાસ્તા માટે પરફેક્ટ છે.
બેરી બનાના અનાજ : આ કેળાં સાથે બનતો સૌથી ઝડપી નાસ્તો છે. બેરીઝ અને કેળાંના ટુકડાને દૂધ સાથે લેવાથી યોગ્ય સ્વાદ અને શક્તિ મળશે.
ચોકલેટ બનાના સ્મૂધી : સવારના નાસ્તામાં સ્મૂધી શ્રેષ્ઠ વિકલ્પ છે. કેળાં, અખરોટ, દૂધ અને કોકો પાઉડરનું મિશ્રણ કરીને ટેસ્ટી અને હેલ્ધી સ્મૂધી તૈયાર કરી શકો છો. આ સરળ અને ક્રીમી સ્મૂધી ફક્ત ટેસ્ટી જ નહીં પણ તમને આરોગ્યપ્રદ અને તંદુરસ્ત પણ બનાવે છે. જે લોકોને વજન વધારવું છે તેમના માટે આ સ્મૂધી શ્રેષ્ઠ સાબિત થશે. જો સવારમાં સમય ન હોય અને ઉતાવળ હોય તો માત્ર દૂધ અને કેળાંને ક્રશ કરીને પણ લઇ શકો છો. તે પણ આરોગ્યપ્રદ છે.
ઘણાં લોકોને ઘી, ખાંડ અને કેળાં ખાવાની પણ આદત હોય છે. જો કોલેસ્ટેરોલ, ડાયાબિટીસની ચિંતા ન હોય તો તે ખાઇ શકાય છે. નાનાં બાળકો માટે તેમજ તેમનું વજન વધારવા માટે દૂધ, કેળાં અને ખાંડ શ્રેષ્ઠ બની રહેશે. રોજ બપોરના ભોજનમાં રોટલી અને શાક સાથે મિષ્ટાન્ન તરીકે આ આપવું, પણ જેને કફનો કોઠો હોય તેણે દૂધ, કેળાં અને ખાંડ ઓછાં ખાવાં.