કેવી રીતે આપશો બાપ્પાને વિદાઇ, જાણો ગણેશ વિસર્જનની સંપૂર્ણ વિધિ

DHARMIK

ભક્તિભાવ પૂર્વક ગણેશોત્સવની ઉજવણી હાલ ચાલી રહી છે. ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન કરવાની પણ ખાસ પૂજા વિધિ અને મહત્વ છે. ભગવાન ગણેશનું વિસર્જન 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. કેટલાક ભક્તો ગણપતિ બાપ્પાને ત્રણ દિવસ ઘરે રાખે છે, પરંતુ મોટાભાગના ભક્તો 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે.

ભગવાન ગણેશજીની પૂરા વિધિ વિધાન સાથે સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ ભારે હૈયે અગલે બરસ તુ જલ્દી આના કહીને વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને અનંત ચતુર્દશી પર ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના કર્યા પછી, મૂર્તિનું અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવામાં આવે છે.

આ દિવસે પણ પૂજા, આરતી અને ભોગ અગાઉના 10 દિવસની જેમ જ કરવામાં આવે છે. ત્યારબાદ વિસર્જન સમયે ફરીથી તેની પૂજા કરવામાં આવે છે. જેને ઉત્તર પૂજા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આરતી અને પ્રાણ-પ્રતિષ્ઠિત માટીની ગણેશ મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ. આવું કરવાથી 10 દિવસની પૂજા-અર્ચનાના સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

વહેલી સવારે ઉઠીને સ્નાન કરી માટીથી બનેલા શ્રીગણેશજીની મૂર્તિની પૂજા કરો. ગણેશજીને ચંદન, અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ અર્પણ કરો. ત્યારબાદ ગણેશજીને 21 દૂર્વાની જોડી ચઢાવવી. 21 લાડુનો ભોગ લગાવવો અને પછી કપૂર થકી ભગવાનની આરતી કરવી. પૂજા બાદ ભક્તોને પ્રસાદ વહેંચવો. શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યારબાદ પરિવારજનોએ ભોજન ગ્રહણ કરવું.

સૌપ્રથમ લાકડાનું એક પાટીયુ લેવું અને તેને ગંગાજળથી સાફ કરી લેવું. તેની સાથે તે પાટીયા ની ગંદકી અને નેગેટિવ ઊર્જા સમાપ્ત થાય છે અને ત્યારબાદ ઘરની મહિલાએ કંકુથી સાથીઓ બનાવવો. તે પાટીયા ઉપર અક્ષત રાખવા અને ત્યારબાદ પીળા રંગના ફૂલ અથવા લાલ કલરનું કપડું પાથરવું. ત્યારબાદ ગણેશજીની પૂજાના સ્થાનથી ઉઠાવીને આ પાટિયા પર બિરાજમાન કરવા.

હવે તે પાટીયા ઉપર ફળ ફૂલ અને મોદક મુકવા. યાદ રાખવું કે ગણપતિજીની વિદાય કરતા સમયે આરતી જરૂરથી કરવી અને આરતી કર્યા બાદ ભોગ પણ લગાવવા અને તેમને વસ્ત્ર પહેરાવવા. હવે કોઈપણ એક રેશમી કપડાની અંદર મોદક પૈસા અને દૂર્વાની પોટલી બાંધી લેવી અને તે પોટલીને ગણપતિ જેની સાથે રાખવી.

પૂજા કર્યા પછી વિસર્જન
વિસર્જન સ્થળે હાજર કુટુંબના સભ્યો અને અન્ય ભક્તોએ ફૂલ તથા અક્ષત હાથમાં લેવું. પછી વિસર્જન મંત્ર બોલીને ભગવાન ગણેશને અર્પણ કરો.

વિસર્જન બાદની વિધિ
ગણેશજીની પૂજા કર્યા પછી ઘરના શુધ્ધ વાસણોમાં શુદ્ધ પાણી ભરો. તે જળમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરો. માટીની પ્રતિમા ટૂંક સમયમાં ઓગળી જશે. બાદમાં આ માટી ઘરમાં રાખેલા કુંડામાં ઢોળી શકાય છે. આ કુંડામાં દુર્વા અથવા કોઈપણ છોડ લગાવો.

Leave a Reply

Your email address will not be published.