બંને એક જ ક્લાસમાં ભણતા હતા. નેહા ક્લાસની સૌથી ખૂબસૂરત વિદ્યાર્થીની હતી તોે નયન સૌથી સોહામણો વિદ્યાર્થી. અભ્યાસ અને ઈત્તર પ્રવૃત્તિમાં પણ બંને તેજસ્વી હતા. કોલેજના કોઈપણ કાર્યક્રમ દરમિયાન તેઓ સાથે મળીને સૌથી વધુ કામ કરતાં. એન્યુઅલ ફંક્શન દરમિયાન બંને વચ્ચે ગાઢ મૈત્રી જામી ગઈ હતી. બીજા વર્ષે બંનેએ કોલેજ ફેસ્ટિવલમાં યોજાયેલા નાટકમાં સાથે કામ કર્યુ ંહતું. પતિ-પત્નીની ભૂમિકામાં. નાટકનું રિહર્સલ કરતાં કરતાં બંનેની મૈત્રી ક્યારે પ્રેમમાં પરિણમી એની તેમને જાણ સુધ્ધાં ન રહી. ગાર્ડનસિટી બેંગલોરના લીલાંછમ ઉદ્યાનો તેમના મિલનસ્થળ બની ગયા. નયનની મોટરબાઈકની પાછલી સીટ પર સવારી કરતી નેહા અનેરો રોમાંચ અનુભવતી. બેંગલોરના બાગબગીચાઓમાં પાંગરી રહેલા પ્રેમને જાણે પાંખો આવી હતી. જોતજોેતામાં બી.કો.મનું છેલ્લું વર્ષ પણ પૂરું થવા આવ્યું. હવે….?
હવે નયનને શી રીતે મળશે? નેહા નયન વિનાની સાંજની કલ્પના પણ નહોતી કરી શકતી. તેમના પ્રેમના સાક્ષી બનેલા ઉદ્યાનમાં બેસીને બંનેએ લગ્નગાંઠે બંધાઈ જવાનું નક્કી કર્યું. પણ નયનને સારી નોકરી મળી જાય ત્યાર પછી જ. તેજસ્વી નયનને નોકરી પણ થોડા સમયમાં જ મળી ગઈ. ચોરીછુપી નયનને ફોન કરતી નેહાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠી હતી. તેના આનંદનો પાર નહોતો રહ્યો.
સહેલીને મળવાને બહાને તે નયનને મળવા દોડી ગઈ હતી. ઘણા દિવસે મળેલા નયને તેને બાથમાં લઈને ભીંસી દીધી હતી. નેહા પણ નયનની ભરાવદાર છાતીમાં માથું મુકીને હળવીફૂલ બની ગઈ હતી. બીજા અઠવાડિયે નયન તેના માતા-પિતાને મળવા આવે અને લગ્નનોે પ્રસ્તાવ મુકે, ત્યાં સુધી નેહા પણ ઘરમાં થોડી ભૂમિકા તૈયાર કરી રાખે એવું નક્કી કરી બંને છૂટા પડયા. બીજે દિવસે નેહાએ હળવેથી માતા સમક્ષ વાત મુકી. નયન જો બધી રીતે સારોે યુવક હોય તો માતાને આ સંબંધમાં કાંઈ ખોટું નહોતું જણાતું. પણ જ્યારે તેના પિતાને ખબર પડી ત્યારે તેમનો ક્રોેધ ભભૂકી ઉઠયો. ‘જો નેહા પ્રેમલગ્ન કરશે તો તેની બંને નાની બહેનોને પણ સારો મૂરતિયો નહીં મળે. મોટી બહેન તરીકે નેહાને સૌથી પહેલા આ વાત વિચારવી જોઈતી હતી.’ નેહાના પિતાએ ક્રોેધાવેશમાં કહ્યું હતું. નેહાની માતાએ પતિને સમજાવવાની ભરપૂર કોેશિષ કરી પણ તેઓ એકના બે ન થયા. ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું. રાંધ્યા અન્ન પડી રહેતા. નેહાની માતાને આ સંબંધમાં કાંઈ ખોટું નહોતું લાગ્યું તેથી તેનો આગ્રહ હતો કે ઘરના મોભી તરીકે નયનને જોયા વિના લગ્નની ના પાડવાને બદલે તેઓ એક વખત નયનને જોઈ લે. તેણે પતિને ફરી સમજાવ્યાં કે નાની પુત્રીઓ પણ તેમનું નસીબ લઈને આવી છે. તેમના ભાગ્યમાં લખાયેલો પતિ તેમને પણ મળી જ રહેશે. છેવટે પત્નીની જિદ્દ પાસે નેહાના પિતા નાછૂટકે નમ્યા, પણ હવે તેમનો અહમ્ તેમને આડે આવ્યો.
આજ પર્યંત એકહથ્થુ સત્તા ભોગવી રહેલા નેહાના પિતાના અધિકાર પર કોઈએ મૂળસોતો ઘા કર્યો હોય એવું અનુભવી રહેલા તેના પિતાને એ રાત્રે જ હૃદય રોગનો હુમલો આવ્યો. હોસ્પિટલના બિછાને સુતેલા પિતાની આંખો નેહા સામે જાણે કે આજીજી કરી રહી હતી કે નયન સાથે લગ્ન કરવાની જિદ્દ છોડી દે. પિતાની હાલત જોઈને નેહા હચમચી ઉઠી હતી. તેણે હોેસ્પિટલથી બહાર દોડી જઈને નયનને ફોન કર્યો અને સમગ્ર બનાવથી વાકેફ કર્યો. નયનને નિર્ણય કરતાં એક પળ પણ ન લાગી. તેણે પ્રેમ નીતરતા પણ રૂંધાયેલા સ્વરે નેહાને કહ્યું હતું કે ‘નેહા, ઘરના વડિલના જીવ પર આવીને આપણે આપણોે સંસાર માંડીશું તોય ક્યારેય સુખી નહીં રહી શકીએ. એક ગુનાહિત લાગણી આપણને સતત કોર્યા કરશે. મારા પ્રેમને હૃદયના એક ખૂણે ઢબૂરી દઈને તારા પિતા કહે ત્યાં તું પરણી જજે. હવે આપણે ક્યારેય નહીં મળીએ. જોે સમય ક્યારેક આપણને અકસ્માતે મેળવશે તોય આપણે અજાણ્યાં બની રહેશું. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તું જ્યો રહે ત્યાં ખૂબ સુખી રહે. તને એટલો પ્રેમાળ પતિ મળે કે તું મારા પ્રેમને પણ ભૂલી જાય.’ આટલું કહીને નયને ફોેન કાપી નાખ્યો હતો. ફોન સાથે તેમની વચ્ચે પાંગરેલા સંબંધો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
ભૂતકાળમાં સરી પડેલી નેહાના કાનને જાણે કે હમણાં જ ફોન કપાયો હોય એવો અનુભવ થયો. ઝબકી ઊઠેલી નેહાએ આંખોે ખોલીને ઘડિયાળ સામે જોયું. પરોઢના પાંચ વાગવા આવ્યા હતા. તેણે કાળજુ કઠણ કરીને વિચારી લીધું કે સાંજે આવનારો નયન જે પણ હશે તેનું તે સ્વાસ્થતાપૂર્વક સ્વાગત કરશે. ઈશ્વરસ્મરણ કરીને નેહાએ બાજુમાં સુતેેલા પ્રેમાળ પતિ સામે જોયું અને રૂમમાંથી બહાર નીકળી. નિત્યક્રમ પતાવીને પતિ-બાળકોને ઉઠાડીને શાળા – ઓફિસે મોકલ્યાં. ડિનર માટે શું બનાવવું? વિચાર કરતી નેહાને નયનને ભાવતાં ઈડલી-વડા-સાંભાર સાંભરી આવ્યાં. તેણે વિચાર્યું, ‘સાંજે આવનાર નયન જે હોય તે, તે આજે આ મેનુ જ બનાવશે.
રસોઈની તૈયારી આટોપીને નિત્યક્રમ મુજબ સ્નાન કર્યા પછી નેહાના હાથ આપોઆપ લેમન કલરની સાડી તરફ વળ્યાં. હા, નયનને હળવો પીળો રંગ બહુ ગમતો. તેને આ વાત યાદ કરવાની જરૂર ન પડી. નેહા સાડી પહેરીને તૈયાર થઈને ટેબલ ગોઠવતી હતી ત્યાં ડોરબેલ રણકી ઉઠી. ઉત્સુકતા, ભય, રોમાંચ અને આનંદના મિશ્ર ભાવોથી વિહવળ બનેલી નેહાએ ધુ્રજતા હાથે દરવાજો ઉઘાડયો.
સામે વીરેનની બાજુમાં ‘તેનો પોતાનો’ નયન ઊભો હતો. નેહાનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. જાત પર પરાણે કાબૂ રાખીને નેહાએ અજાણી બનીને બે હાથ જોડી નયનનું સ્વાગત કર્યું ‘પોતાની’ નેહાને જોઈને નયન સ્તબ્ધ બની ગયો. પત્થરની જેમ જડાઈ ગયેલા નયન સાથે નેહાની ઓળખાણ કરાવી રહેલો વીરેન મનમાં વિચારી રહ્યો ‘મારી નેહા છે જ એટલી સુંદર કે તેની પહેલીવાર જોનાર તેના સૌંદર્યમાં ખોવાઈ જ જાય.’ વીરેનનો અવાજ સાંભળીને નયને પણ અનજાન બનીને નેહા સામે હાથ જોડયા.
નયનની પ્લેટમાં ઈડલી-વડાં-સાંભાર પીરસી રહેલી નેહાનો હાથ ધુ્રજી ગયો હતો. જ્યારે પોેતાની ભાવતી વાનગી જોઈને નયન અન્યમન્સકપણે વિચારી રહ્યો, ‘નેહા હજી પણ કાંઈ નથી ભૂલી. કદાચ બેંગલોર સાથે જોડાયેલું મારું નામ સાંભળીને જ તેણે આ ડિનર તૈયાર કર્યું હશે.’ ભોજન પછી ડેઝર્ટનો દોર ચાલ્યો. નેહા-નયન વારંવાર ચોરીછુપી એકમેકને જોઈ લેતાં હતાં. આટલા વર્ષો પછી અચાનક થયેલી મુલાકાતથી બંનેના હૈયા હચમચી ઉઠયાં હતાં. ડેઝર્ટ પછી પોતાના ફ્લેટ પર જવા તૈયાર થયેલા નયનને વીરેન તેની કારમાં મુકવા ગયો. જતાં જતાં તે પોતાનતું વિઝિટીંગ કાર્ડ ઔપચારિક ઢબે નેહાના હાથમાં મુકતો ગયો. કાર્ડ લેતી વખતે થયેલા નયનની આંગળીના સ્પર્શે નેહાના દેહમાં ઝણઝણાટી પ્રસરી ગઈ હતી. સતત બીજી રાત્રે નેહા ઊંઘી ન શકી. પોતાના ફ્લેટ પર પહોંચેલા નયનની સ્થિતિ પણ નેહા કરતાં અલગ નહોતી.
નયનને જોયા પછી નેહા સમજી ગઈ હતી કે તેના હૃદયમાં કોતરાયેલા નયનના નામ પર ભલે વીરેનના પ્રેમનું લીંપણ લીંપાઈ ગયું હોય, પણ સ્ત્રી ક્યારેય તેના પહેલા પ્રેમને વિસરી શકતી નથી.
ખૂશ્બુભીના પહેલા પ્રેમનું ઉપરનું સ્તર ભલે સુકાઈ ગયું હોય, અંદરથી તે હમેશાં લીલું જ રહે છે. વર્ષો પછી પણ તેના પર પડેલાં પ્રથમ પ્રેમીના પગલાંથી આ સુગંધ ફરી મોહરી ઉઠે છે. નેહા વિચારી રહી કે તે જે પ્રેમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું માનતી હતી તે વાસ્તવમાં અલ્પવિરામ હતું,
બાજુમાં સુતેલા પતિએ જ્યારે તેને બાહુપાશમાં જકડી ત્યારે તેની બંધ આંખો સમક્ષ નયનનો ચહેરો તરવરી રહ્યો હતો. જાણે નયને જ તેને પોતાની બાંહોમાં સમાવી લીધી હતી. બીજે દિવસે એકલી પડેલી નેહાએ નયનને ફોેન કર્યો ત્યારે નંબર ડાયલ કરતી તેની આંગળીઓ કાંપી રહી હતી. નયનનું હેલ્લોે સાંભળીને નેહાનું હૈયુ હાથ ન રહ્યું. તેના ગળે ડૂમો ભરાયો. લાગણી નીતરતા સાદે તેણે કહ્યું ‘નયન, નેહા છું’ થોડીવાર બંને છેડે ખામોશી છવાઈ ગઈ. નયન પણ એટલું જ બોલી શક્યો ‘નેહા, તું તારા સંસારમાં સુખી તો છે ને?’ ‘તેં મારા માટે ઈશ્વરને હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ફળી છે.’ નેહાએ માંડ માંડ ઉત્તર વાળ્યો. થોડીવારની ખામોશી પછી બંને છેડેથી ફોન મુકાઈ ગયાં.
ધીમે ધીમે ફોનનો સિલસિલો વધતો ગયો. નેહા ‘નયનમય’ થવા લાગી હતી. એકલી પડતાં જ તે તેના ‘પ્રથમ પ્રેમ’ સાથે વાત કરવા ઉતાવળી બની જતી. તે દિવસ-રાત નયનના વિચારોમાં ખોવાયેલી રહેતી. આટલાં વર્ષોેના તેના વર્તન અને રોજિંદા ક્રમમાં આવેલા બદલાવની નોેંધ તેના પતિ અને સંતાનોએ પણ લીધી હતી. ડાઈનીંગ ટેબલ પર પણ તે પોતાના વિચારોમાં ખોવાયેલી રહેતી. તેના મન પર ક્યારેક ઉદાસી છવાઈ જતી તો ક્યારેક તે ખૂબ ખીલી ઉઠતી. નયને વીરેન સાથે મિત્રતા કેળવી લીધી. બે-ચાર વખત તેના ઘરે ડિનર માટે પણ આવી ગયો. પ્રેમી હૈયાં ફરી એકમેક માટે ધબકવા લાગ્યા હતા. છેવટે બેઉએ એક વખત નયનના ફ્લેટ પર માળવાનું નક્કી કર્યું.
પણ વીરેનની નિષ્પાપ મૈત્રીએ નયનના અંતરાત્માને ઠંઠોળી નાખ્યો. ‘આ હું શું કરી રહ્યો છું? મારી નેહાના સુખી સંસારમાં પલીતો ચાંપી રહ્યો છું? પ્રેમનું બીજું નામ ત્યાગ છે. નેહા કુંવારી કન્યા હતી ત્યારે મેં જે ન કર્યું તે હવે શી રીતે કરી શકાય? નયન વિચારી રહ્યો. તે ઘડીએ જ તેણે નિર્ણય કરી લીધો, તે બેંગલોર પાછો જતો રહેશે. નેહાના સુખી સંસાર ખાતર. તેણે નેહાને ફોન કરીને પોતાના નિશ્ચયની જાણ કરી. તેની વાત સાંભળી નેહા અવાક્ બની ગઈ હતી અને ફરી એકવાર નયને ફોન કાપી નાખ્યો હતો.