1 લી મેં 1960 એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આ દિવસે મુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું અને ગુજરાતીઓનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતીઓનું અલગ રાજ્ય બને તેવી આંધી જગાવનારા નેતા ઇન્દુલાલ યાજ્ઞિકને આજે પણ સૌ કોઈ યાદ કરે છે.
‘લે કે રહેંગે મહાગુજરાત’ના નારાઓ અમદાવાદમાં લાગ્યા
દેશ આઝાદ થયો ત્યારપછી ત્રણ વિભાગમાં રાજ્યોની પુન:રચના કરવા અંગે ભલામણો કરવામાં આવી જેમાં ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની ભલામણ પણ કરવામાં આવી હતી. પંચે કરેલી ભલામણ અનુસાર, ભાષાના આધારે રાજ્યોની રચના કરવી જોઈએ, પણ ‘બૃહદ મુંબઈ રાજ્ય’ દ્વિભાષી રહેવું જોઈએ તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો. જોકે, આ પ્રસ્તાવ ગુજરાતી અને મરાઠી ભાષી લોકોએ ફગાવી દીધો અને પોતપોતાની ભાષા પ્રમાણે અલગ રાજ્યો સ્થાપવાની માંગ ઉભી થઇ. જેને લઈને મહાગુજરાત ચળવળ શરૂ થઈ હતી. જેમાં ઇન્દુલાલ યાજ્ઞિકે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આજે ગુજરાતની સ્થાપનાંને 62 વર્ષ પૂર્ણ થયા
1 મે 1960એ ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી અનેક ઉતાર ચઢાવ આવ્યા. નવા બનેલા રાજ્ય સામે અનેક ચેલેન્જ હતા. પણ સમય વીતતો ગયો અને ગુજરાતે એક પછી એક પ્રગતિના શિખરો સર કર્યા. આજે ગુજરાતની સ્થાપનાંને 62 વર્ષ પૂર્ણ થયા બાદ ગુજરાતે વિશ્વમાં નામના મેળવી છે. આઝાદી પછી મુંબઈમાં શરૂ થયેલી ઇલેક્ટ્રિક ટ્રેન ગુજરાતમાં દોડતી થઈ અને હવે મેટ્રો પણ અમદાવાદમાં દોડતી થઈ છે. ગુજરાતની પ્રગતિ અહીંયાંથી નથી અટકતી. સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યુ પણ આજે ગુજરાતમાં બન્યું છે અને અમદાવાદથી મુંબઈ સુધી દોડનારી આધુનિક બુલેટ ટ્રેનના પાયા પણ ખોદાવાના શરૂ થઈ ગયા છે.
નેતા ઇન્દુલાલ યાજ્ઞિકને આજે પણ સૌ કોઈ યાદ કરે છે
8 ઑગસ્ટ, 1956 એ લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યનો ઠરાવ પસાર કરાયો હતો. જેના વિરોધમાં અમદાવાદમાં વિદ્યાર્થીઓ હડતાળ પાડી કૉંગ્રેસ ભવન તરફ કૂચ કરી તે દરમ્યાન કૉંગ્રેસ ભવનમાંથી ગોળીબાર કરાયો અને તેમાં પાંચથી આઠ વિદ્યાર્થીનાં મૃત્યુ નીપજ્યાં. ત્યારથી મહાગુજરાત ચળવળ ઉગ્ર બની. અને ઇંદુલાલ યાજ્ઞિકે ‘મહાગુજરાત જનતા પરિષદ’ની સ્થાપના કરી. આ જ એ સમય હતો કે જ્યારે ‘લે કે રહેંગે મહાગુજરાત’ના નારાઓ અમદાવાદ અને રાજ્યનાં અન્ય શહેરોને ગજવવા લાગ્યા. આખરે 4 વર્ષના આંદોલન અને મહેનત રંગ લાવી અને 1 મેં 1960 એ અલગ ગુજરાતની સ્થાપના થઇ.